અરવલ્લી જિલ્લામાં નકલીની બોલબાલા વધી જવા પામી છે. ત્યારે બાયડના સાઠંબામાં થોડા સમય અગાઉ નકલી ડેપ્યુટી કલેકટર પકડાયા બાદ હવે બાયડ તાલુકાના આંબલીયારા ગામમાં નકલી એએસઆઇ બની પોલીસમાં નોકરી અપાવવાનું કહી સાત યુવકો પાસેથી 13.50 લાખની ઉસેડી લઇ છેતરપિંડી આચરતાં પિતા અને પુત્રને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે નોંધનીય છે કે બંને પિતા અને પુત્ર સામે તા. 30 ડિસેમ્બરના રોજ ફરિયાદ નોંધાતાં પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં બંનેને 1 દિવસના રિમાન્ડ આપ્યા હતા. બાદમાં તા. 2 જાન્યુઆરીના રોજ બંનેને જામીન પણ મળી ગયા હતા. ત્યારે ફરિયાદ નોંધાયાના સાત થી આઠ દિવસ બાદ સમગ્ર મામલો બહાર આવતાં પોલીસની કામગીરી સામે શંકા ઉભી થઇ છે. બાયડ તાલુકાના સાઠંબામાં થોડા સમય અગાઉ ડેપ્યુટી કલેક્ટર બની રોફ મારતો શખ્સ ઝડપાયા બાદ વધુ એક કિસ્સો નકલી પોલીસનો બહાર આવી ગયો છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલ વિગતો મુજબ આંબલીયારામાં રહેતા નિમેશકુમાર અશોકભાઈ ચૌહાણ તથા તેના પિતા અશોકભાઈ ધુળાભાઈ ચૌહાણે બાયડના વાંટડા બાયડમાં રહેતા જશપાલસિંહ રાજેશસિંહ ઝાલા સાથે મિત્રતા કેળવી પોતાની ગુજરાત પોલીસમાં એસઆઈ તરીકે ઓળખાણ આપી યુનિફોર્મ પહેરી અને ગાંધીનગરમાં આવેલ વિવેકાનંદ એકેડમીમાં એડમિશન અપાવી નોકરી આપવાનો વચન આપી અને તા. 1-12-2023 થી 30-6-2024 દરમિયાન આ પિતા અને પુત્રની જાળમાં સાત જેટલા વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. અવારનવાર આ પિતા પુત્રની ગેંગ પોલીસનું યુનિફોર્મ પહેરી અનેકવાર સાત જેટલા લોકો પાસેથી રૂબરૂ અને ફોન ઉપર મળી કુલ 13.50 લાખની વિવેકાનંદ એકેડમીમાં એડમિશન અપાવવાનું અને નોકરી આપવાનું બહાના બતાવી છેતરપિંડી કરી હતી. આ મામલો બહાર આવતાં બાયડ પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી અને પિતા પુત્રને ઝડપી પાડ્યા હતા. નકલી પોલીસ બની અને હજુ અનેક લોકોને આ પિતા પુત્રે ઠગ્યા હોવાનું ચર્ચામાં પણ આવી ગયું હતું. આ યુવાનો પાસેથી રૂપિયા ખંખેર્યા
પિતા પુત્રની ગેંગ દ્વારા એકેડમીમાં એડમિશન અપાવી નોકરી મળી જશે તેવી લાલચ આપી જશપાલસિંહ ઝાલા પાસેથી 1.60 લાખ, સુરપાલસિંહ પાસેથી 1.60 લાખ, કૌશિકભાઈ પરમાર પાસેથી 1.60 લાખ, વિપુલભાઈ ઝાલા પાસેથી 5 લાખ, જશપાલસિંહ રાઠોડ પાસેથી 3.50 લાખ તથા જીતેન્દ્રભાઈ રાઠોડ પાસેથી 20હજાર મળી કુલ 13.50 લાખ પડાવ્યા હતા. આરોપી પિતા અને પુત્રને જામીન પણ મળી ગયા
સમગ્ર પ્રકરણમાં બાયડ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પણ મેળવી લીધા હતા અને બાયડ કોર્ટ દ્વારા જામીન પણ આપી દીધા હોવાનું બાયડ પીઆઇ કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું. પિતા અને પુત્ર જીઆરડીમાં નોકરી કરતા હતા
બાયડ પોલીસ પાસેથી મળેલ વિગતો મુજબ લાખોનું ફૂલેકું ફેરવનાર નકલી પોલીસ હોવાનું જણાવનાર નિમેશ અશોકભાઈ ચૌહાણ તથા અશોકભાઈ ધુળાભાઈ ચૌહાણ બંને આંબલીયારામાં જીઆરડીમાં ફરજ બજાવતા હોવાનું બહાર આવ્યું છે. જ્યારે પુત્ર મહાશય નિમેષ બે વર્ષ પહેલા જીઆરડીમાંથી નીકળી ગયો હોવાનું પણ બાયડ પીઆઇએ જણાવ્યું હતું. બે લાખનું સોનું અને બાઇક પણ કબજે કરાયું
બાયડ પીઆઇ કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ તુરંત જ કાર્યવાહી હાથ ધરતાં પિતા પુત્ર દ્વારા દહેગામ ખાતેથી ખરીદવામાં આવેલું અંદાજે 2 લાખનું સોનુ તથા બાઇક કબજે લઈ લીધી હતી.