દીકરીની દરેક ઈચ્છા પૂર્ણ કરવી એ દરેક પિતાની કોશિશ હોય છે. તેમાં પણ લગ્ન સમયે એટલે કે પિતાના ઘરમાંથી દીકરી વિદાય લે એ પૂર્વે તેમની દરેક ઈચ્છા પુરી કરવામાં આવતી હોય છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં જાણીતા ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીની દીકરી રાધાના લગ્ન પ્રસંગ યોજાનાર છે. ત્યારે તેઓ પણ અન્ય પિતાની જેમ દીકરીની ઈચ્છા પૂર્ણ કરી રહ્યા છે. લગ્નના પ્રસંગો પૂર્વે પ્રભુની સાક્ષાત હાજરી અને આશીર્વાદ મેળવવાની ઈચ્છા પૂર્ણ કરી ત્રણ દિવસીય શ્રીનાથજી ધજા આરોહણ ઉત્સવ બાદ હવે બીજો એક સંકલ્પ પણ પૂર્ણ કરવા જઇ રહ્યા છે. આ સંકલ્પની અંદર તેઓ એક પિતાની જવાબદારી નિભાવી પુત્રીની સાથે સાથે પ્રકૃતિની પણ જાળવણી કરવા સંકલ્પ કર્યો છે. તેઓ છોડમાં પણ રણછોડનો ભાવ પ્રગટ કરી દીકરીના લગ્ન પ્રસંગમાં આવનાર 5000 મહેમાનોના નામે વૃક્ષનું જતન કરવા જઈ રહ્યા છે. દીકરીના લગ્નમાં આવનાર મહેમાનોના નામે એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે અને જેનું નામ હશે તેને દર ત્રણ મહિને ફોટો સાથે વ્હોટ્સએપ પર અપડેટ મોકલવામાં આવશે. 5000 વૃક્ષનું વાવેતર કરી જતન કરવાનો નિર્ણય
ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દરેક દિશામાંથી અનેક શુભ વિચારો પ્રાપ્ત થાય તેવી હું પ્રાર્થના હમેશા કરું છું. સમાજસેવા સાથે સાથે આ વખત મને મારી દીકરીનો પ્રસંગ યાદગાર બનાવવા માટે અલગ વિચાર આવ્યો છે અને આ માટે અનોખો સંકલ્પ પણ લીધેલો છે. વિશ્વ આખું જ્યારે પર્યાવરણની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે પર્યાવરણ બચાવવા અભિયાન સાથે અમારા પ્રસંગમાં દીકરીને આશીર્વાદ આપવા આવનાર સૌ મહેમાનોના નામે અમે એક વૃક્ષનું જતન કરવાના છીએ. દ્વારકાધીશ સદૈવ અમારી સાથે રહે અને તેની કૃપા સમગ્ર જીવ શ્રુષ્ટિ પર રહે તે માટે છોડમાં પણ રણછોડ માની 5000 વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન અમારા દ્વારા કરવામાં આવશે. ‘વૃક્ષ પર મહેમાનનું નામ-નંબર લખેલા હશે’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ તમામ 5000 વૃક્ષ ઉપર એક નેમ પ્લેટ મુકવામાં આવશે, જે અમારા મહેમાનોના નામે હશે. જેમાં તેમના નામ નંબર લખેલા હશે. અમે તેમના નામે વૃક્ષનું જતન કરીશું અને દર 3 મહિને અમે આ વૃક્ષ કેવડું થયું તેનું અપડેટ તેમના મોબાઈલ નંબર પર વોટ્સએપ દ્વારા ફોટા સાથે મોકલતા રહેશું. બસ મારો મુખ્ય હેતુ એ જ છે કે પુત્રીની સાથે સાથે પ્રકૃતિની જાળવણી થાય અને સમગ્ર સૃષ્ટિ માટે એક સારું કાર્ય થાય એ મુખ્ય હેતુ છે. રિંગ સેરેમની માટે યુરોપિયન થીમ તૈયાર
11 જાન્યુઆરી, 2024ને શનિવારના રોજ (આવતીકાલે) દીકરી રાધાની રિંગ સેરેમની યોજાવાની છે. આ માટે આખી યુરોપિયન થીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં સૌ પ્રથમ એન્ટ્રન્સમાં આકર્ષક પ્રવેશ દ્વાર જે ઇગ્નુ આકારનો અને આખો કાચથી મઢેલો છે, જેમાં લાઇટિંગ પણ હશે. ત્યારબાદ એન્ટ્રી પોઈન્ટમાં જ ફોરેનમાં હોય તેવો ફાઉન્ટેન મુકવામાં આવ્યો છે. ખાસ ડિનર સિટિંગની વાત કરીએ તો તેમાં પણ આકર્ષક ડેકોરેશન સાથે ઇગ્નુ આકારમાં નીચે પાણી હોય અને તેની ઉપર ડાઇનિંગ ટેબલ મુકવામાં આવ્યા હોય તેવું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે. તમામ પ્રકારની અલગ-અલગ વાનગીઓ મહેમાનો માટે પીરસવામાં આવશે. જે મુખ્ય સ્ટેજ છે તે પણ ખુબ જ વિશાળ અને આકર્ષક બનાવવામાં આવ્યું છે. રિંગ સેરેમની પછી ખાસ સમારોહ દુબઈ ખાતે આબુધાબીમાં યોજવામાં આવશે. લગ્ન પહેલા સાક્ષાત પ્રભુના આશીર્વાદ અળે તેવી ઈચ્છાઃ રાધા
મૌલેશ ઉકાણીની પુત્રી રાધાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારા લગ્ન પહેલા સાક્ષાત પ્રભુના આશીર્વાદ અમને મળે તેવી અમારી ઈચ્છા હતી, આ પછી જ દરેક પ્રસંગ ઉજવવા નક્કી કર્યું હતું. પ્રભુના આશીર્વાદ થકી જ અમારા પ્રસંગો સફળતા પૂર્વક થાય તે માટે અમે ત્રણ દિવસ માટે વૈષ્ણવોના તીર્થ ધામ શ્રીનાથદ્રારાની ધજા આરોહણનો ઉત્સવ રાખ્યો હતો. આ 3 દિવસના પ્રસંગમાં સમગ્ર રાજકોટ વાસીઓ કે જેઓ નાથદ્વારા સુધી નથી પહોંચી શકતા તેઓ અહીંયા દર્શનનો લાભ લઇ કૃષ્ણ ભક્તિમાં રંગાયા હતા અને અમને આશીર્વાદ પાઠવ્યા હતા. ‘દર ત્રણ મહિને વૃક્ષનું અપડેટ મહેમાનને અપાશે’
વાત જ્યારે લગ્નની આવે તો અમારા લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે અમે એક બીજો સંકલ્પ એ કર્યો છે કે, અમે કુલ 5000 વૃક્ષોનું વાવેતર કરીશું. આ વૃક્ષો અમે અમારા આમંત્રિત મેહમાનોના નામથી વાવેતર કરીશું. જેથી તે એક કાયમી સંભારણું બની રહે અને પ્રકૃતિનું પણ જાળવણી થઇ શકે. એટલું જ નહિ આ મહેમાનોના નામના વૃક્ષનું જતન કરીશું તેમજ દર ત્રણ મહિને વૃક્ષ કેવડું થયું તે માટેનું ફોટા સાથે તેમને અપડેટ વ્હોટ્સએપ માધ્યમ પર આપવામાં આવશે. દ્વારકાધીશની સાક્ષીએ સગપણ નક્કી કર્યું
ઉલ્લેખનીય છે કે, મૌલેશ ઉકાણીની પુત્રી રાધાના લગ્ન રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ ફિલ્ડમાર્શલ ગ્રુપના નિતિન પોપટભાઈ પટેલના પુત્ર રિશી સાથે નક્કી કરવામાં આવ્યા છે. રાધા અને રિશીનું સગપણ નક્કી બન્ને પરિવાર દ્વારા દ્વારકા ખાતે દ્વારકાધીશની સાક્ષીએ નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ જ્યારે ચૂંદડી ઓઢાડવાની વિધિ નાથદ્વારા ખાતે રાજસ્થાનના મોતી મહેલ ખાતે રાખવામાં આવી હતી. આજ મોતી મહેલમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ રાખવામાં આવી હતી.