‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘સોઢી’ના પાત્ર માટે દરેક ઘરમાં પ્રખ્યાત ગુરચરણ સિંહની હાલત ખૂબ જ ગંભીર છે. હાલ એક્ટર હોસ્પિટલમાં દાખલ છે. મંગળવારે, એક્ટરે હોસ્પિટલના પલંગ પરથી એક વીડિયો શેર કર્યો, જેમાં તેમના ચાહકોને જાણ કરી કે તેમની તબિયત બગડી ગઈ છે. તેની એવી હાલત થઈ ગઈ છે કે ચાહકો તેને ઓળખી શકે એવો પણ એ રહ્યો નથી. હવે ગુરચરણ સિંહના નજીકની મિત્ર ભક્તિ સોનીએ તેમની તબિયત અંગે અપડેટ શેર કરી છે. ’19 દિવસથી ખાવા-પીવાનું છોડી દીધું છે’
ફેમસ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના ગુરુચરણ સિંહ ઉર્ફે સોઢીના કથળેલા સ્વાસ્થ્ય વિશે તેની મિત્ર ભક્તિ સોનીએ જાણકારી આપી હતી. આ વાતનો ખુલાસો તેણે ‘ધ વિકી લાલવાણી શો’માં આપેલા ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. સોનીએ કહ્યું કે, તેણે માનસિક શાંતિ ગુમાવી દીધી છે. તેની મિત્રએ વધુમાં કહ્યું કે ગુરુચરણે 19 દિવસથી ખાવા-પીવાનું છોડી દીધું હતું. આ કારણે તે નબળો પડી ગયો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે. અગાઉ ઘરે આવ્યો તે પછી તેણે કામ મેળવવાનો પણ પ્રયાસ કર્યો, પણ તેને કંઈ કામ મળ્યું નહીં. તે સંન્યાસ લેવા માગતો હતો. એટલું જ નહીં, ભક્તિ સોનીએ કહ્યું કે 13 જાન્યુઆરી કે 14 જાન્યુઆરી સુધીમાં મને ખ્યાલ આવી જશે કે તે આ ધરતી પર હશે કે નહીં, આ તેમના શબ્દો છે. તેના માતા અને પિતા તેના સ્વાસ્થ્ય વિશે ખૂબ ચિંતિત છે, પરંતુ ગુરુચરણ કોઈનું સાંભળતો નથી. ચિંતા વ્યક્ત કરતાં સોનીએ કહ્યું કે પરિવારના સભ્યોએ ગઈકાલ રાતથી તેમના ફોન સ્વિચ ઓફ કરી દીધા છે. તે બે દિવસથી તેમના સંપર્કમાં નથી, જેના કારણે તેની ચિંતા વધી ગઈ છે. ઉપરાંત, સોનીએ જણાવ્યું કે પહેલા તે તેની માતાના સંપર્કમાં હતી અને તેમની પાસેથી જ તબિયત વિશે જાણકારી મેળવતી હતી. સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
સોનીએ કહ્યું કે જ્યારે તેમની તબિયત બગડી ત્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને પછી તેઓ ઘરે આવ્યા, પરંતુ ઘરે આવ્યા પછી તેમની તબિયત ફરી બગડી અને તેમને ફરીથી હોસ્પિટલમાં લઈ જવા પડ્યા. એક્ટરની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગુરચરણ સિંહની આર્થિક સ્થિતિ સારી નથી. એક્ટરે પોતે થોડા દિવસો પહેલાં ખુલાસો કર્યો હતો કે તે કામ શોધી રહ્યો છે અને તેના પર ઘણું દેવું પણ છે. ભક્તિ સોનીએ વધુમાં જણાવ્યું કે તેમના પરિવારમાં કેટલીક મિલકતને લઈને કેટલાક વિવાદો ચાલી રહ્યા છે. ફેન્સમાં ફરી વળ્યું ચિંતાનું મોજું
ગુરુચરણ સિંહનો આ વીડિયો જોઈને ફેન્સ ખૂબ જ પરેશાન થઈ ગયા છે. દરેક વ્યક્તિ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં મોટાભાગના યુઝર્સ તેને તેની બીમારી અને તેની સાથે શું થયું છે તે વિશે પૂછી રહ્યા છે. પિતાની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી
ડિસેમ્બર મહિનામાં જ, એક્ટરે તેના પિતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ હોસ્પિટલના પલંગ પર પડેલા જોવા મળ્યા હતા અને તેમને લોહી ચઢાવવામાં આવી રહ્યું હતું. એક્ટરે કહ્યું હતું કે તેના પિતાની હાલત ગંભીર છે. તેણે કેપ્શનમાં લખ્યું, ‘પપ્પા માટે પ્રાર્થના કરો.’ હવે, તેના થોડા દિવસો પછી, એક્ટર પોતે બીમાર પડી ગયો છે. ગુમ થયા બાદ 25 દિવસે ઘરે પરત ફર્યો હતો
નોંધનીય છે કે, ગયા વર્ષે મે મહિનામાં ગુરુચરણ સિંહ અચાનક ગુમ થઈ ગયો હતો. ઘણા દિવસો સુધી તેનો કોઈ પત્તો ન લાગતાં તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં પુત્રના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ તેમને શોધવાના પૂરા પ્રયાસો કર્યા હતા. આ પછી, તે પોતે લગભગ 25 દિવસ પછી ઘરે પાછો ફર્યો હતો. તેણે કહ્યું કે તે આટલા દિવસો સુધી ક્યાં હતો. ગાયબ કેમ થયા?
22 એપ્રિલે ગુરુચરણ દિલ્હીથી મુંબઈ ફ્લાઇટમાં આવવાનો હતો. જોકે તે મુંબઈ આવવાને બદલે ક્યાંક ગાયબ થઈ ગયો. આ અંગે જ્યારે સવાલ કરવામાં આવ્યો તો એક્ટરે સૌ પહેલા પેરેન્ટ્સ, મીડિયા તથા ચાહકોની માફી માગતા કહ્યું હતું, ‘મારા આ વર્તનને કારણે માત્ર મારા પેરેન્ટ્સ જ નહીં, ચાહકોને પણ ઘણી જ તકલીફ ને દુઃખ પહોંચ્યું. મને અંદાજો નહોતો કે આટલું બધું થઈ જશે. મમ્મી-પપ્પામાં એવું હતું કે મારા બીજા બે ભાઈઓ તથા બહેન છે તો તેઓ સંભાળી લેશે.’ ‘જીવનમાં સારું થતું નહોતું, ભગવાન તરફ ઢળતો ગયો’
ગુરુચરણે તે વખતે કહ્યું હતું કે, ‘કોરોના પછી ખબર નહીં કેમ હું ભગવાન તરફ વધુ ઢળતો ગયો. આ ઉપરાંત મારા જીવનમાં કંઈ સારું થતું નહોતું, બધું નેગેટિવ જ થતું હતું. મારા પર આજની તારીખમાં પણ માથે દેવું છે. દાદાજીએ જે કમર્શિયલ પ્લોટ લીધો હતો એની વેલ્યુ આજે 55 કરોડની આસપાસ છે. એ પ્લોટ પર બીજાઓએ કબજો જમાવ્યો છે. એ પ્લોટ પર દુકાનો બનાવવામાં આવી છે, એમાંથી એક દુકાન ખાલી થઈ ગઈ છે, બે દુકાન ખાલી કરવાનો ઓર્ડર આવી ગયો છે. અમે તેમની સાથે વાત કરી રહ્યા છીએ. તેમનું પણ નુકસાન ના થાય ને અમારો પણ ફાયદો થાય છે. આ પ્રોપર્ટી વેચાશે એટલે તેના છ ભાગ પડશે (મમ્મી-પપ્પા, ત્રણ ભાઈ ને એક બહેન) મારા ભાગમાં જે પૈસા આવે એમાંથી મારા પર દેવું છે તેમાં કોને કેટલા પૈસા આપવાના છે એ તમામ વિગતો એક કાગળ પર લખીને હું ઘર છોડીને ગયો હતો. હું ઈચ્છતો હતો કે મારા હિસ્સાના પૈસામાંથી મારું દેવું ચૂકતે કરવામાં આવે.’ ‘રેલવે-બસ સ્ટેશને સૂતો હતો’
‘દિલ્હીથી ગાયબ થયા બાદ તે અનેક જગ્યાએ ગયો. અમૃતસર, લુધિયાણા, ચંદીગઢ, સિમલા જેવાં સ્થળોએ ગયો હતો. લુધિયાણા રેલવે સ્ટેશનમાં અનેકવાર રાતો સૂતો હતો. ચંદીગઢ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ પર પણ રાતો પસાર કરી. સિમલાના બસ સ્ટેન્ડ પર હું સૂતો હતો. ઘણીવાર તો એવું પણ બન્યું છે કે તે ટિકિટ લઈને ટ્રેનના જનરલ કમ્પાર્ટમેન્ટ ખાલી હોય તો ત્યાં સૂઈ જતો. માસ્ક પહેરીને રાખતો અને કદાચ મારો ચહેરો એવો નહીં હોય કે લોકો તેને ઓળખી જાય.’