સુરત રેલવે સ્ટેશન પરથી મુંબઈ તરફ જતી અજમેર-દાદર ટ્રેનના જનરલ કોચનો દરવાજો ખોલવા મુદ્દે મુસાફરો વચ્ચે માથાકૂટ થઈ હતી. અજમેર-બાન્દ્રા સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર ઊભી રહેતાં મુસાફરોએ જનરલ કોચનો દરવાજો ખોલવા જણાવ્યું હતું. આ દરમિયાન અંદરથી બે યુવકે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે અન્ય મુસાફરોએ વિરોધ કરી દરવાજો ખોલવાનો ઈનકાર કરતા મામલો ગરમાયો હતો. આ દરમિયાન એક યુવકે પેન્ટ ખોલીને અશ્લીલ હલકત કરતા મુસાફરો વિફર્યા હતા. ટ્રેનનો દરવાજો ખોલાવવા માટે મુસાફરોએ રીતસર ટ્રેનમાં તોડફોડ કરી હતી. બારીઓના કાચ અને લોખંડની ગ્રીલ તોડી નાખી હતી. આ ઘટનામાં રેલવે પ્રોટેક્શન ફોર્સે પાંચ અને રેલવે પોલીસે એકની અટકાયત કરી હતી. તમામને કોર્ટમાં રજૂ કરાતા દંડ ફટકારાયો હતો. મુસાફરોએ દરવાજો ખોલવાનો ઈનકાર કરતાં બબાલ
અજમેરથી મુંબઈ તરફ જઈ રહેલી અજમેર-દાદર ટ્રેન સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર ઉભી રહી હતી. ત્યાં જ મુસાફરો જનરલ કોચમાં બેસવા માટે દોડયા હતા, પરંતુ કોચમાં બેસેલા મુસાફરોએ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. પ્લેટફોર્મ પર ઊભેલા મુસાફરોએ દરવાજો ખોલવાનું કહેતા બે યુવકોએ દરવાજો ખોલવા પ્રયાસ કર્યો હતો. પરંતુ અન્ય મુસાફરોએ તેમનો વિરોધ કરીને દરવાજો ખોલવા ઈનકાર કરી દીધો હતો. આ દરમિયાન મામલો ગરમાયો હતો. દરમિયાન ટ્રેન અંદરથી એક યુવકે પેન્ટ ખોલી અશ્લીલ હરકત કરી હતી. ત્યારબાદ પ્લેટફોર્મ પર હાજર મુસાફરો વિફર્યા હતા અને ટ્રેનમાં તોડફોડ કરી હતી. ચેઇન પૂલિંગ કરતાં 5 મુસાફરની અટકાયત
હાલ ટ્રેનોના સ્ટોપેજમાં બદલાવ આવ્યો હોવાથી આરપીએફ અને રેલવે પોલીસનો સ્ટાફ પ્લેટફોર્મ પર તહેનાત જ હતો. તેથી તાત્કાલિક તેઓએ જનરલ કોચ પાસે પહોંચી મામલો થાળે પાડયો હતો. જોકે, ટ્રેન ઉપડી જતાં મુસાફરોએ ચેઈન પુલિંગ કર્યુ હતું. આ મામલે રેલવે પ્રોટેક્શન ફોર્સે પાંચ મુસાફરોની અટકાયત કરી કોર્ટમાં રજૂ કર્યાં હતાં. કોર્ટે તમામને દંડ ફટકાર્યો હતો, જ્યારે રેલવે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી હતી. અશ્લીલ હરકત કરનારની પોલીસે અટક કરી
વલસાડ પોલીસે રેલવે સ્ટેશનથી એક યુવકની અટક કરી સુરત રેલવે પોલીસને સોંપ્યો હતો. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, યુવકે સુરત સ્ટેશન પાસે ટ્રેનના જનરલ ડબ્બાના દરવાજા અંદરથી લોક કરી દીધા હતા. જેથી અન્ય મુસાફરો ટ્રેનની અંદર પ્રવેશ ન કરી શકે. આ યુવકે અશ્લીલ હરકત પણ કરી હોવાનું સામે આવ્યું હતું, જેથી સુરત રેલવે પોલીસે પરવેઝ ઇકબાલ કુરેશી (ઉં.વ 28, રહે. જીવનબાગ મુંબઈ) નામના યુવકની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.