back to top
Homeગુજરાત'જિલ્લો ન બનતાં વિરમગામવાસીઓ વીફર્યા':માંડલને 100 KMનો ધક્કો, પાટડીનો જિલ્લો સુ.નગર ને...

‘જિલ્લો ન બનતાં વિરમગામવાસીઓ વીફર્યા’:માંડલને 100 KMનો ધક્કો, પાટડીનો જિલ્લો સુ.નગર ને વ્યવહાર વિરમગામ સાથે, એકલા નળકાંઠાને 5 તાલુકા લાગે

થોડા સમય પહેલા સરકાર ગુજરાતમાં ત્રણ નવા જિલ્લા બનાવાશે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું. જેમાં વિરમગામનું પણ નામ હતું. આમ પણ વિરમગામવાસીઓને વર્ષ 1998થી આશા છે. થોડા સમય પહેલા જ હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સાહેબ જિલ્લો બનાવવાનું કંઈક જોજો એવી હસતા હસતા ટકોર પણ કરી હતી. પરંતુ 1 જાન્યુઆરીએ જ્યારે વાવ-થરાદ જિલ્લો જાહેર થતા ફરીવાર વિરગામવાસીનું દિલ તૂટ્યું અને જિલ્લો બનાવવાની માંગ પ્રબળ બની. તેમાં પણ ધારાસભ્ય હાર્દિક પટેલે ગામોના સમર્થનના લેટરપેડ મેળવવા તૈયારીઓ આરંભી દીધી છે. વિરમગામને જિલ્લો બનાવવાની માગને લઈ દિવ્ય ભાસ્કરે વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠાના વિસ્તારોની મુલાકાત કરી હતી. જેમાં લોકો તથા જનપ્રતિનિધિઓને મળી હાલની સ્થિતિ સમજવા અને આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે તાજેતરમાં જ નળકાંઠા વિસ્તારમાં ભૂમિપૂજન અને લોકાર્પણ સમયે કહ્યું હતું કે વિરમગામ જિલ્લો બનશે તો નળકાંઠા તાલુકો બનશે. તેના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો હતો. હાર્દિક પટેલે કહ્યું, છાતી ઠોકીને કહું છું વિરમગામ જિલ્લો બનશે અને આપણો નળકાંઠા તાલુકો બનશે. આપણે બધાએ જે કર્યું છે એ દમ મારીને જ કર્યું છે. હાર્દિક પટેલના આ નિવેદન બાદ ગુજરાત ભાજપના ઘણા નેતાઓમાં ગણગણાટ શરૂ થયો છે. RTO-કલેક્ટરનાં કામો માટે લાંબો ધક્કો ખાવો પડે છે: હાર્દિક પટેલ
સૌથી પહેલા અમે વિરમગામને જિલ્લો બનાવવાની માંગ અંગે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી. તેણે કહ્યું કે વિરમગામને જિલ્લો બનાવવાની માંગ આજથી નહીં પરંતુ 2006-07થી ચાલતી આવે છે. વિરમગામ, માંડલ અને દેત્રોજ ત્રણેય તાલુકાઓમાં વિકાસકાર્ય તો ચાલતા રહે છે. પરંતુ તે અમદાવાદના છેવાડાના તાલુકા હોવાથી તેમને જિલ્લા લેવલના કાર્યોમાં ખૂબ ધક્કા ખાવા પડે છે. GEBના કામ માટે અમદાવાદના સાબરમતી આવવું પડે છે. SP ઓફિસ, કલેક્ટર અને જિલ્લા પંચાયતનું કામ હોય તો અમદાવાદ આવવું પડે. RTOના કામ માટે છેક બાવળા સુધી ધક્કા ખાવા પડે છે. આ બધી તકલીફોને લીધે જો વિરમગામ જિલ્લો બને તો સામજિક અને આર્થિક દ્રષ્ટિએ સ્થાનિકોને ખૂબ લાભ થઈ શકે. ‘વિરમગામ નાનો નહીં, 7 લાખની વસતિનો જિલ્લો બની શકે’
હાર્દિક પટેલ કહે છે કે, જો વિરમગામ જિલ્લો બને તો તે નાનો જિલ્લો હશે તેવું માનવાનું કોઈ કારણ નથી. વિરમગામ 7 લાખથી વધુની વસતિ ધરાવતો જિલ્લો બની શકે તેમ છે. વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠો મળી 4 લાખથી વધુ વસતી છે. આ ઉપરાંત પાટડી-દસાડાના લોકો પણ વિરમગામ સાથે જોડાવા માગે છે કારણ કે તેમનો આર્થિક, સામાજિક અને ધંધાકીય વ્યવહાર વર્ષોથી વિરમગામ સાથે છે. જેમની વસતી પણ 1.50 લાખથી વધુ છે. આ ઉપરાંત વિઠ્ઠલલગઢ આસપાસના કેટલાક ગામો અને નળકાંઠા આસપાસના કેટલાક ગામો વિરમગામ સાથે જોડી દેવામાં આવે તો સારી રીતે જિલ્લો બની શકે તેમ છે. હાર્દિક પટેલ કહે છે કેટલીકવાર નવો જિલ્લો જાહેર થાય ત્યારે કેટલાક વિવાદ પણ થતા હોય છે પણ વિરમગામ અલગ છે. અહીંના દરેક લોકોની લાગણી અને માંગણી છે કે વિરમગામ જિલ્લો બને તો કોઈપણ વિરોધ થવાની શક્યતા નથી. અમે આગામી સમયમાં વિરમગામ જો જિલ્લો બને તો તેમાં માંડલ, દેત્રોજ, વિરમગામના ક્યા-ક્યા ગામ સમાવી શકાય તેનું લિસ્ટ બનાવીશું. આ ઉપરાંત પાટડી-દસાડાના જે ગામો વિરમગામ સાથે જોડાવા તૈયાર છે તેમના સમર્થનના લેટરપેડ ભેગા કરીશું. આ સિવાય નળકાંઠા આસપાસના વડલા, ગાંગર, વિઠ્ઠલગઢ સહિતના 8-10 ગામ વિરમગામ સાથે જોડાવા માગે છે, તેમના પણ લેટરપેડ તૈયાર કરવાની તૈયારી છે. જેથી નળકાંઠો પણ એક સરસ મજાનો તાલુકો બની શકે. જો આવું થાય તો વાયા-વિરમગામ વિકસિત-વિરમગામ તરફ આગળ વધી શકે તેમ છે. હાર્દિકે સમજાવ્યું કેવી રીતે ટૂરિઝમ કોરિડોર બની શકે
‘સોલંકી સિદ્ધરાજ જયસિંહની માતાએ એક રાતમાં બંધાવેલું મુનસર તળાવ વિરમગામની એકમાત્ર ઐતિહાસિક ઓળખ છે. જો જિલ્લો બને તો તેનો ખૂબ વિકાસ થઈ શકે તેમ છે. મુનસરના વિકાસ બાદ એક ટૂરિઝમ કોરિડોર બની શકે. જો કોઈ અમદાવાદ એરપોર્ટ પર ઉતરે તો તે પહેલા ધરોઈ ડેમ જાય પછી અંબાજી, ત્યાંથી વડનગર, મોઢેરા સૂર્યમંદિર, ત્યાંથી પાટણ રાણકી વાવ અને બહુચરાજી મંદિર થઈ વિરમગામ મુનસર તળાવ પહોંચે. ત્યારબાદ નળસરોવર, ધોલેરા અને લોથલ થઈને અમદાવાદ પરત ફરી શકે. આ રીતે પ્રવાસીઓ માટે સુંદર કોરિડર બનાવી શકાય તેમ છે. મુનસર તળાવને વિકસાવવાનું કાર્ય કેન્દ્ર સરકારના આર્કિયોલોજીના વિભાગમાં આવે છે, તેથી અમે અને મુખ્યમંત્રીએ મળીને ગજેન્દ્રસિંહ શેખાવત જે આ વિભાગના કેન્દ્રીય મંત્રી છે તેમને રજૂઆત કરી છે.’ ‘વસતિગણતરી અને સીમાંકન પછી ચોક્કસ જિલ્લો બનશે’
હાર્દિક પટેલ કહે છે કે બનાસકાંઠાનું વિભાજન એટલા માટે થયું, કારણ કે તે ખૂબ મોટો વિસ્તાર હતો. મારા મતે વિરમગામ વસતી ગણતરી અને સીમાંકન પછી ચોક્કસપણે જિલ્લો જાહેર થઈ શકે છે. મારી મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે પણ આ અંગે વાત થઈ છે. વસતી ગણતરી પછી વિસ્તાર અને જનસંખ્યા સહિતનો ચોક્કસ રીતે અંદાજ આવી શકે તેમ છે. માંડલ નવું ઓટો હબ બનવા તરફ
‘અમારું માંડલ હાલ SIR(સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન) બન્યું છે. હોન્ડા, સુઝુકી સહિતની અનેક જાયન્ટ કંપનીઓ પણ અહીં છે. આ ઉપરાંત મોટી કંપની સાથેની 50થી વધુ વેન્ડર કંપની પણ અહીં છે. આ વિસ્તારમાં 1.50 લાખથી વધુ પરપ્રાંતિયો પણ વસે છે. સાણંદ ઓટોમોબાઈલ હબ તરીકે પેક થઈ ગયું છે. આ કારણે નવી કંપનીઓ હવે વિરમગામ તરફ આવી રહી છે. તેથી હું માનું છું કે ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ વિરમગામને ખૂબ લાભ થઈ શકે તેમ છે.’ ‘નવા જિલ્લાનું નામ તો વિરમગામ જ રહેશે’
જિલ્લાને નામ આપવા અંગે હાર્દિક પટેલ કહે છે કે, જિલ્લો બને તો નામ તો વિરમગામ જ હોય તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આ શહેર ગાયકવાડ સમયનું ગામ છે. ગાંધીજી અને સરદારે અહીંથી ખારાઘોડાના રણનું આંદોલન શરૂ કર્યું હતું. પહેલા પાટડી-દસાડા પણ એક જ હતું. માંડલ અને દેત્રોજ પણ પહેલાં વિરમગામનો જ એક ભાગ હતો. 6 લાખની વસતિ સાથે જિલ્લો બની શકે એમ છે: નાયબ કલેક્ટર
આ પછી અમે વિરમગામના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર વિજય દેસાઈ સાથે વાત કરી, તેમણે કેમેરા સામે તો કંઈ ન કહ્યું પણ સત્તાવાર નિવેદન આપ્યું કે, વિરમગામ વિધાનસભા અને આસપાસના કેટલાક વિસ્તારની વસતી જોઈએ તો 6 લાખ આજુબાજુની સંખ્યા સાથે જિલ્લો બની શકે તેમ છે. પરંતુ સરકાર તરફથી હાલ જિલ્લો બનવાની કોઈ પ્રક્રિયા શરૂ થઈ હોવાનો તેમને ઈનકાર કર્યો. સરકારે થોડા સમય પહેલાં ફાઈલ પાછી મગાવી?
તો બીજી તરફ એક સિનિયર અધિકારીએ નામ ન દેવાની શરતે જણાવ્યું કે 10 વર્ષ અગાઉ લખતર,પાટડી અને દસાડાના કેટલાક વિસ્તારોએ વિરમગામમાં ભળવા અંગેની મંજૂરીનો લેટર પણ જિલ્લા પંચાયતમાંથી સરકાર સુધી પહોંચાડ્યો હતો. વિરમગામને જિલ્લો બનાવવાની ફાઈલ પણ બની હતી. પરંતુ કોઈ કારણસર તે અટકી ગઈ હતી. જો કે, સરકારે થોડા સમય પહેલાં આ ફાઈલને પાછી પણ મંગાવી હતી. અમે વિરમગામના પૂર્વ ધારાસભ્ય તેજશ્રી બહેન પટેલ સાથે વાત કરતા તેમણે કહ્યું કે તમે આ અંગે હાલના ધારાસભ્યને પૂછો. ભાજપ જિલ્લા સંગઠનના પ્રમુખની વરણી નજીક હોવાથી હાલ હું આ મુદ્દે કંઈ કહી શકું તેમ નથી. જનપ્રતિનિધિ અને અધિકારી સાથે વાતચીત કર્યા બાદ અમે સ્થાનિકોનો મત જાણવા પહોંચ્યા, જ્યાં સૌથી પહેલા અમે વિરમગામવાસીઓની મુલાકાત કરી. મને એ નથી સમજાતું કે વિરમગામને જિલ્લો કેમ નથી બનાવાતો?: તેજસ વજાણી
સામાજિક કાર્યકર તેજસ વજાણી કહે છે કે, હું 20 વર્ષથી વિરમગામમાં રહું છું. અનેક સમયથી વિરમગામને જિલ્લો બનાવવાની માંગ ચાલી રહી છે. વિરગમામ 1000 વર્ષ જૂની નગરી છે. આ શહેર અમદાવાદથી પણ જૂનું છે. મને એ નથી સમજાતું કે વિરમગામને જિલ્લો કેમ નથી બનાવાતો?. જિલ્લો ન બનાવાનું એક પણ કારણ મને મળતું નથી. દાયકાઓ પહેલા અનેક વેપારીઓેએ અનેક શહેરમાંથી વિરમગામને વેપાર માટે પસંદ કર્યું હતું. અમારા નટુદાદા જેવા અનેક વરિષ્ઠ વેપારીઓ આ વાતના સાક્ષી છે. ‘કેટલાક નેતાઓએ સ્વાર્થ ખાતર વિરમગામને નુકસાન પહોંચાડ્યું’
આ પછી અમે વિરમગામની સૌથી જૂની શાળા શેઠ એમ.જે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને કોંગ્રેસી એવા દેવેન્દ્ર સિંધવની પણ મુલાકાત કરી. તેઓ કહે છે કે વિરમગામ જિલ્લો કેમ બનવો જોઈએ નહીં કેમ ન બને તે મોટો પ્રશ્ન છે. વિરમગામ અને આસપાસનો 60 કિમી વિસ્તાર જિલ્લો બનવાને અનુકૂળ છે. હાલ જિલ્લો દૂર હોવાથી સ્થાનિકોને ખૂબ ધક્કા ખાવા પડે છે. વિરમગામને જિલ્લો બનાવવાની માંગ રાજનીતિથી પર છે. દરેક આ માગ સાથે સહમત છે. અગાઉના કેટલાક નેતાઓએ પોતાના વિસ્તારના વિકાસ કરવાના સ્વાર્થ ખાતર વિરમગામને નુકસાન પહોંચાડ્યું છે. હાલ વિરમગામ અને આસપાસના વિસ્તારની RTO કચેરી છેક બાવળા ખસેડાઈ છે જે સ્થાનિકો માટે ખૂબ તકલીફદાયક છે. વિરમગામ ખૂબ ઝડપથી જિલ્લો બનવો જોઈએ. ‘વિરમગામ, ગુજરાત અને કેન્દ્રમાં ભાજપ, જિલ્લો બનાવવાની તક છે’
વિરમગામને જિલ્લો બનાવવા અનેકવાર આંદોલન અને પ્રદર્શન કરી ચૂકેલા ગૌરવ શાહ જણાવે છે કે, અમારી આ વર્ષો જૂની માંગ છે. એક સમયે વિરમગામ પાસે 178 ગામડાં હતા. હાલ અલગ તાલુકા બનતા વિરમગામ પાસે માત્ર 80 જેટલા ગામો જ રહી ગયા છે. વિરમગામ જિલ્લો બની શકે તેવી અનેક સુવિધાઓ આ વિસ્તાર પાસે છે. જો જિલ્લો બને તો હજુ પણ આ શહેરનો અનેકગણો વિકાસ થઈ શકે તેમ છે. છેલ્લા 10 વર્ષથી અહીં કોગ્રેસના ધારાસભ્ય હતા. હાલ વિરમગામમાં ભાજપ, રાજ્યમાં ભાજપ અને કેન્દ્રમાં પણ ભાજપ છે તેથી જિલ્લો બનાવવાની આ ઉત્તમ તક છે. ‘જિલ્લો બનશે ત્યારે વાયા વિરમગામ તરીકેનું સાચું સન્માન મળશે’
વિરમગામના વેપારી હર્ષદ ઠક્કર કહે છે કે, હું જન્મથી અહીં રહું છું. આ એક ઐતિહાસિક શહેર છે. વિરમગામને સરકાર જિલ્લા લાયક માને તો આસપાસના 6 તાલુકાના લોકોની તકલીફ દૂર થઈ શકે તેમ છે. ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો કોઈ વિસ્તાર હોય તો તે વિરમગામ છે. તેને એટલે જ વાયા વિરમગામ તરીકે કહેવામાં આવતું હતું અને મારું સ્પષ્ટપણે માનવું છે કે, વિરમગામ જિલ્લો બનશે ત્યારે તેને વાયા વિરમગામ તરીકેનું સાચું સન્માન મળશે. વિરમગામની આસપાસનો સૌથી પછાત અથવા અવિકસિત વિસ્તાર નળકાંઠાને માનવામાં આવે છે. અહીંના લોકો આશ માંડીને બેઠા છે કે વિરમગામ જિલ્લો બને તો નળકાંઠા તાલુકો બને અને અહીંનો વિકાસ ખૂબ ગતિમાન બની શકે. આ અંગે વધુમાં જાણકારી મેળવવા અમે નળકાંઠાના આગેવાનો સાથે ખાસ મુલાકાત કરી. ‘અમારે અમદાવાદ 100 કિલોમીટર દૂર છે’
અહીંના સામાજિક આગેવાન રાયમલભાઈ મેર કહે છે કે, અમે અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ નળકાંઠો તાલુકો નથી બની શક્યો. જો આ વિસ્તાર તાલુકો બને તો નવી બેંક બને. નવું માર્કેટયાર્ડ બની શકે. તાલુકાની ગ્રાન્ટમાંથી શાળા અને હોસ્પિટલ સહિતની અનેક સુવિધાઓ પણ પ્રાપ્ત થઈ શકે તેમ છે. એટલે અમે આશા રાખીએ કે નળકાંઠો તાલુકો બની જાય તો અમારે ધક્કા ખાવા ન પડે. આ વાતમાં અન્ય આગેવાન રામજીભાઈ ઉમેરે છે કે અમારે અમદાવાદ 100 કિલોમીટર દૂર છે અને વિરમગામ માત્ર 30 કિલોમીટરના અંતરે છે, તેથી જો વિરમગામ જિલ્લો બને તો અમારી સગવડતામાં અનેકગણો વધારો થશે. ‘અમારું ગામ લખતર તાલુકામાં ને વ્યવહાર વિરમગામ સાથે છે’
અહીંની સામાજિક સંસ્થાના ઉપપ્રમુખ ગેમોર વાલજીભાઈ કહે છે કે, હું વિઠ્ઠલાપરા ગામ પાસેનો છું. અમારું ગામ લખતર તાલુકામાં આવે છે. અમારી આસપાસના અનેક ગામોની આજ હાલત છે. તેમને સરકારી કામ માટે લખતરના ધક્કા ખાવા પડે છે. પરંતુ અમારા બધા ગામોનો વ્યવહાર વિરમગામ સાથે છે. અમે ખરીદીથી લઈને દરેક સંબંધો વિરમગામ સાથે ધરાવીએ છીએ. તેઓ કહે છે, વિઠ્ઠલાપરા, બાબાજીપરા, વિઠ્ઠલગઢ, ભાસ્કરપરા, જ્યોતિપરા, વડલા, ગાંગડ, માલિકા, ક્લ્યાણપુરા, કઠેચી, સાકર, ઓળક, છારદ, લિંબડ સહિતના અનેક ગામો હાલ વિરમગામ સાથે જોડાવા તૈયાર છે. ‘નળકાંઠો તાલુકો અને APMC બને તો અમારે ઉત્પાદન વેચવા ધક્કો ન પડે’
વિરમગામ APMCના ડિરેક્ટર પોલાભાઈ કોળી પટેલ કહે છે કે, અહીંના સ્થાનિકો તાલુકા લેવલના કામ માટે વિરમગામ જાય અથવા જિલ્લા લેવલના કામ માટે અમદાવાદ જાય તો તેમના આખા દિવસનો વ્યય થાય છે. કેટલીકવાર તો એક દિવસમાં કામ ન પતતા વારંવાર ધક્કાખાવા પડે છે. અહીંના વિસ્તારમાં ડાંગરનું મોટાપાયે ઉત્પાદન થાય છે. જો નળકાંઠો તાલુકો બને તો અહીં APMC બને અને અમારે ઉત્પાદન વેંચવા મોટા ધક્કા ખાવા ન પડે. આવા અનેક કાર્યોમાં મદદ મળી શકે તેમ હોવાથી નળકાંઠાને તાલુકો બનાવવો જરૂરી છે.અમારી સરકારને વિનંતી છે કે મહેરબાની કરીને વિરમગામને જિલ્લો અને નળકાંઠાને તાલુકો બનાવવાની દિશામાં ધ્યાન આપે. નળકાંઠાના તાલુકાઓની વ્યથા સાંભળ્યા બાદ અમે વિરમગામ વિસ્તારના સૌથી દૂરના તાલુકા માંડલ પહોંચ્યા. અહીંના લોકોને અમદાવાદનું અંતર 100 કિલોમીટર પડતું હોવાથી ખૂબ તકલીફ પડે છે. મુખ્યમંત્રી હતા ત્યારે શંકરસિંહે કહ્યું હતું કે વિરમગામ જિલ્લો બનશે
અમને સૌ પ્રથમ માંડલના આગેવાન જગદીશભાઈ પટેલ મળ્યા. તેઓ કહે છે કે, વર્ષ 1996 આસપાસ શંકરસિંહની રાજપા સરકારે વિરમગામમાંથી માંડલને અલગ તાલુકો બનાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં વિરમગામને જિલ્લો બનાવવાનું આયોજન છે. તેથી માંડલ અને દેત્રોજને અલગ તાલુકો બનાવીએ છીએ. પરંતુ હજુ સુધી વિરમગામ જિલ્લો બની શક્યું નથી. અમે આ અંગે વારંવાર સરકારને રજૂઆત કરી છે. માંડલથી અમદાવાદ 100 કિલોમીટર હોવાથી સ્થાનિકોને જિલ્લા કક્ષાના કાર્યોમાં ખૂબ તકલીફ પડે છે. અહીંના આસપાસના વિસ્તારની આર્થિક સધ્ધરતા પણ ખૂબ સારી છે. સરકાર જો ઈચ્છે તો માંડલ આસપાસનો વિસ્તાર ઓટોમોબાઈલ હબ તરીકે ઝડપથી વિકાસ પામી શકે તેમ છે. માંડલના અન્ય સ્થાનિક રાકેશભાઈ વ્યાસ કહે છે કે, શંકરસિંહે અગાઉ વિરમગામને જિલ્લો બનાવવાનું વચન આપ્યું હતું. અમે સરકારને હાલ વિનંતી કરીએ છીએ શંકરસિહંના આ વચનને વર્તમાન સરકાર પ્રેમપૂર્વક પૂરી કરે અને આ વિસ્તારના લોકોની સમસ્યાનો અંત લાવે તેવી વિનંતી છે. માંડલ APMCના વેપારી ઠક્કર કિશોરભાઈ કહે છે કે જો વિરમગામ જિલ્લો બને તો ધંધાકીય રીતે પણ અમને ખૂબ લાભ થઈ શકે તેમ છે. ભૌગલિક દ્રષ્ટીએ જોઇએ તો વિરમગામને જિલ્લો બનાવવાની માંગ વાજબી હોય તેમ લાગે છે. પરંતુ ઇતિહાસ પર નજર કરીએ તો એક વાત સ્પષ્ટ થાય છે કે, રાજકીય જૂથબાજી અને સ્વાર્થને કારણે વિરમગામ હજુ પણ જિલ્લો બનવાની રાહમાં છે. વિરમગામ જેટલો વિકાસ ઝંખે છે તેનાથી પણ વંચિત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments