2023 અને 2024માં બે વખત ઇન્ફોસિસના ચેરમેન નારાયણ મૂર્તિએ એવું કહ્યું હતું કે દેશના દરેક યુવાને અઠવાડિયામાં 70 કલાક કામ કરવું જોઈએ. હવે LT કંપનીના ચેરમેન એસ.એન. સુબ્રહ્મણ્યને અઠવાડિયામાં 90 કલાક કામ કરવાની સલાહ આપી તો ફરી વિવાદ છેડાઈ ગયો છે. સવાલ એ છે કે કામ મહત્ત્વનું છે કે કલાકો કે બંને? નમસ્કાર, કામ કરવું, નોકરી કરવી, વેપાર-ધંધા કરવા એ દરેકની પેશન પર ડિપેન્ડ છે. જો તમે કલાકો ગણીને નોકરી કરો છો તો એ નોકરી જ છે, પણ સમય જોયા વગર કામ કરો છો તો એ પેશન છે. સમય જોયા વગર કામ કરવાના ઘણા કિસ્સા સોશિયલ મીડિયામાં ફર્યા કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, અમિતાભ બચ્ચન હોય, સચિન તેંડુલકર હોય કે મુકેશ અંબાણી હોય. આ બધા મહાનુભાવો કામ કરવા સમયે ઘડિયાળ જોતા નથી, કારણ કે આ તેમનું કામ પ્રત્યેનું જુનૂન છે. કામ પ્રત્યેનું જુનૂન સારું કે ખરાબ?
આમ તો આ લાંબી ચર્ચાનો વિષય છે, પણ ઘડિયાળ જોઈને કામ કરતા આપણને અંગ્રેજોએ શીખવ્યું. આઠ કલાકની નોકરી હોય, રવિવારે રજા હોય, આ બધી ગોઠવેલી વ્યવસ્થા ચાલી આવે છે, પણ જમાના સાથે એમાં બદલાવ જરૂરી છે એવું કેટલાક લોકો માને છે. ભારતમાં કલ્ચર એક દિવસની રજાનું છે. વિદેશોમાં બે કે ત્રણ દિવસની રજા હોય. હવે તો ભારતમાં પણ ઘણી કોર્પોરેટ કંપનીઓ બે કે ત્રણ દિવસની રજાઓ આપતી થઈ ગઈ છે. આ કંપનીઓ એવું માને છે કે કંપનીના કર્મચારીને કામની સાથે કુટુંબમાં પણ બેલેન્સ કરી શકે એટલે રજા આપવી જોઈએ. જ્યારે LTના ચેરમેન કહે છે કે કામમાં રજા જ ન હોવી જોઈએ. હવે સવાલ એ છે કે આ બંને બિઝનેસમેન કહે છે એ મુજબ 70 કે 90 કલાક કામ કરવું સારું છે કે ખરાબ? કેટલાક લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચનનાં ઉદાહરણ આપે છે. એ મહાનુભાવો ચાર કલાકની ઊંઘ લે છે અને બાકી રોજના 20 કલાક કામ કરે છે. એ પણ સાતેય દિવસ. સચિન તેંડુલકરે પણ મહાન ક્રિકેટર બનવા રજા, સમય, પરિવાર એવું ક્યારેય જોયું નથી. માત્ર ને માત્ર મહેનત કરી છે. એ તેમનો જુસ્સો હતો, પણ વધુપડતું કામ હેલ્થ પર અસર કરે છે એવી સલાહ ડોક્ટરો પણ આપતા હોય છે. LTના ચેરમેને શું વાત કરી ?
LTના ચેરમેન એસ.એન.સુબ્રહ્મણ્યને કર્મચારીઓને સંબોધન કર્યું એ દરમિયાન તેમણે એવું દુ:ખ વ્યક્ત કર્યું કે હું કર્મચારીઓ પાસે સાતેય દિવસ કામ કરાવી શકતો નથી. મજાકમાં પૂછ્યું કે તમે ઘરે બેસીને શું કરો છો? તમે તમારી પત્નીને કેટલીવાર સુધી જોયા કરશો? કે તમારી પત્ની તમને કેટલીવાર જોયા કરશે? માટે સપ્તાહમાં 90 કલાક કામ કરો એ બધા માટે સારું છે. દીપિકા પાદુકોણ વિવાદમાં કૂદી
LTના ચેરમેન એસ.એન.સુબ્રહ્મણ્યનું નિવેદન આવતાં સોશિયલ મીડિયામાં ટ્રોલર્સ ભડકી ઊઠ્યા છે. જાતજાતની પ્રતિક્રિયા આવી રહી છે. એમાં બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે પણ ઝંપલાવ્યું છે. તેણે ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું કે નવાઈ એ લાગે છે કે આટલી સિનિયર પોઝિશન પર બેઠેલા લોકો આવાં નિવેદનો આપે છે, સાથે તેણે હેશટેગ કરીને એક વિષય વહેતો કર્યો. #મેન્ટલહેલ્થમેટર્સ… એટલે માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ શકે. સોશિયલ મીડિયાના યુઝર્સે શું શું કહ્યું? LTના પ્રવક્તાએ શું સ્પષ્ટતા કરી?
આ બધું થયા પછી LTના પ્રવક્તાની ટિપ્પણી સામે આવી છે. તેમણે કહ્યું હતું કે ચેરમેનની ટિપ્પણી એ મહત્ત્વાકાંક્ષાને દર્શાવે છે, જેમાં જોર આપવામાં આવ્યું છે કે અસાધારણ પરિણામો માટે અસાધારણ પ્રયાસોની જરૂર હોય છે. LTમાં અમે એક એવી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છીએ જ્યાં જુનૂન, ઉદ્દેશ અને પર્ફોર્મન્સ અમને આગળ વધારે છે. ઇન્ફોસિસના ચેરમેને પણ ટિપ્પણી કરી હતી
ઇન્ફોસિસના ચેરમેન નારાયણ મૂર્તિએ વર્ષ 2023માં અને પછી 2024માં 70 કલાક કામ કરવું જોઈએ, એવું નિવેદન આપ્યું હતું. તેમણે કહેલું કે ચીન જેવા દેશોથી આગળ નીકળવા માટે ભારત જેવા દેશના યુવાનોએ એકસ્ટ્રા કામ કરવાની જરૂર છે. ભારતની પ્રોડક્ટિવિટી દુનિયામાં સૌથી ઓછી છે. નારાયણ મૂર્તિના નિવેદનથી વિવાદ પણ થયો હતો. આપણા યુવાનોને થવું જોઈએ કે આ મારો દેશ છે. મારે દેશ માટે દર અઠવાડિયે 70 કલાક કામ કરવું છે. બીજા વિશ્વયુદ્ધ પછી જર્મની અને જાપાની લોકોએ બિલકુલ આવું જ કર્યું હતું. વિવાદ થયો છતાં નારાયણ મૂર્તિએ પોતાનું નિવેદન બદલ્યું નહોતું. તેમણે કહ્યું હતું કે મને દુ:ખ છે કે હું મારી દૃષ્ટિકોણ બદલી શક્યો નહીં. હું આને મારી સાથે કબર સુધી લઈ જઈશ. નારાયણ મૂર્તિનાં પત્ની સુધા મૂર્તિએ એક ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. એમાં આ સવાલ કરવામાં આવ્યો ત્યારે સુધા મૂર્તિએ કહ્યું હતું કે નારાયણ મૂર્તિ પોતે 80થી 90 કલાક કામ કરતા હતા, એટલે તેમને ખબર નથી કે આનાથી ઓછું શું હોય? તેઓ ખરેખર ખૂબ મહેનત કરે છે અને એ જ રીતે રહે છે. તેમને કામ માટે જુનૂન છે. ભારતના લોકો કેટલા કલાક કામ કરે છે?
ભારતના લોકો 2019માં એટલે કોરોના પહેલાં સરેરાશ દર અઠવાડિયે 61.6 કલાક કામ કરતા હતા. હવે કલાકો ઘટ્યા છે અને અડધોઅડધ ભારતીયો સરેરાશ 49 કલાક કામ કરે છે. જ્યારે અડધા જ ભારતીયો સરેરાશ વીકમાં 61 ટકા કામ કરે છે. તો દાદરા અને નગર-હવેલી અને દીવ-દમણમાં લોકો સૌથી વધારે 78.6 કલાક કામ કરે છે. કર્મચારી ભારતનાં કયાં રાજ્યોમાં અઠવાડિયે કેટલા કલાક કામ કરે છે? કર્મચારી વિદેશમાં દર અઠવાડિયે કેટલા કલાક કામ કરે છે? કામ મહત્ત્વનું છે કે કલાકો?
જે રીતે દેશના ટોચના બંને બિઝનેસમેને આ વાત કરી એની સામે સામાન્ય નોકરિયાતોની દલીલ છે કે આખો દિવસ કામ જ કર્યા કરીએ તો અમારાં પર્સનલ કામ ક્યારે પતાવીએ? સામાજિક સંબંધોનું શું? ઘર પરિવારનું શું? જે લોકોના ખભે આખા ઘરની જવાબદારી હોય તેમના માટે સપ્તાહના 90 કલાક એટલે કે રોજના 13 કલાક કામ કરવું કઠિન છે છતાં ઘણી કંપનીઓમાં કેટલાક લોકો એવા છે પણ ખરા જે પેશનના કારણે 12 કલાકથી વધારે કામ કરે છે. ભારતમાં પગારધોરણ પ્રમાણમાં નીચું હોવાથી કોઈ તો બબ્બે નોકરી કરે છે. સવારે બીજું કોઈ કામ કરે અને નોકરીમાં નાઈટ શિફ્ટ કરે. એવા લોકો પણ છે, જે ઘડિયાળના કાંટે કામ કરે છે. ઘડિયાળના કાંટે ઓફિસમાં એન્ટ્રી કરે અને ઘડિયાળના કાંટે ઊભા થઈ જાય. આવા લોકો માટે ઘડિયાળના કલાકો મહત્ત્વના છે, કામના કલાકો નહીં. જ્યારે પેશન હોય તેમના માટે કામ મહત્ત્વનું છે, કલાકો નહીં. છેલ્લે, સ્ટીવ જોબ્સ શાંતિની ખોજમાં 1974માં નૈનિતાલ પાસે બાબા નીબ કરોલીના કૈચીધામ આશ્રમ આવ્યા હતા. પછી 1976માં એપલ કંપનીની સ્થાપના કરી. આ વખતે સ્ટીવ જોબ્સનાં પત્ની લોરેન્સ પોવેલ સ્વ અને અધ્યાત્મની ખોજમાં પ્રયાગરાજના મહાકુંભમાં આવવાનાં છે. ઘણા ઓછાને ખબર હશે કે સ્ટીવ જોબ્સ અઠવાડિયામાં 6 દિવસ રોજ 13 કલાક કામ કરતા હતા. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )