સમીર જાની, દિલીપ રાવલ, નરેશ ચૌહાણ, ઈલ્યાસ શેખ કેન્દ્ર સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવન ગુજારતી મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપવા માટે ઉજ્જવલા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના 33 જિલ્લામાં 43,09,191 લાભાર્થી નોંધાયેલા છે. જે પૈકી 29,16,021 લાભાર્થીઓ યોજનાનો લાભ લઇ રહ્યાં છે. જ્યારે 13,93,170 લાભાર્થીઓ ગેસના સિલિન્ડર રિફિલ કરાવતા જ નથી. જેમાં મુખ્યત્વે આદિવાસી વિસ્તારોમાં આ યોજનાનો હાલ કોઈ ઉપયોગ દેખાતો નથી. રાજ્યના 33 જિલ્લા પૈકી ડાંગ, છોટાઉદેપુર, દાહોદ અને ભરૂચ જિલ્લામાં તો 50 ટકા કરતા વધુ લાભાર્થીઓ ગેસના સિલિન્ડર રિફિલ કરાવતાં નથી. અને એમાંય ડાંગમાં તો 70 ટકા લોકો યોજનાનો લાભ લેતા જ નથી. જ્યારે છોટાઉદેપુરમાં 62.38 ટકા, દાહોદ 55.14 ટકા, ભરૂચ 49.48 ટકા અને મહિસાગરમાં 45.30 લોકો યોજનાનોથી દૂર છે. જોકે આ અંગે દિવ્ય ભાસ્કરે તેમના દ્વારે પહોંચીને તપાસ કરી તો ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેમાં મોટાભાગના લાભાર્થીઓએ પૈસાના અભાવે રિફિલ ન કરાવી સિલિન્ડર અભરાઇ પર કે પંખો મૂકવા કે પાણીના બેડા મૂકવા માટે કરી રહ્યા હોવાનું નજરે પડ્યુ હતું. આ યોજનામાં લાભાર્થીને વર્ષમાં 15 ગેસના સિલિન્ડર અપાય છે. વર્ષમાં બે સિલિન્ડર ફ્રીમાં અન્ય 10 સિલિન્ડર પર સબસીડી સરકાર જમા કરે છે. એક સિલિન્ડરના 810 રૂપિયામાંથી સરકાર 300ની સબસીડી લાભાર્થીના ખાતામાં જમા કરે છે. જયારે 3 સિલિન્ડર રેગ્યુલર ભાવ પર લાભાર્થીને મળે છે. સિલિન્ડર પરત લે તો આંકડાનો પરપોટો ફૂટી જાય, ગરીબ મહિલાઓએ કહ્યું… પૈસા હોય તો સિલિન્ડર ભરાવીએ ને? ખાલી બાટલાનો પંખો, પાણીના બેડા મૂકવામાં ઉપયોગ આદિવાસી વિસ્તારો સહિત અનેક જિલ્લામાં પૈસાના અભાવે યોજનાથી દૂર રહેનારા મજબુર લાભાર્થી મહિલાઓને ગેસનો સિલિન્ડર તો મફત મળી ગયો છે. પણ હાલમાં બિન ઉપયોગી હોવાના કારણે કેટલાય પરિવારોએ તેને અભરાઇ પર મૂકી દીધો છે અથવા તો ઘરના એક ખૂણામાં ધકેલી તેની પર કઇ કેટલી વસ્તુઓ ખડકી દીધી છે. જો કે કેટલાય લાભાર્થીઓએ પાણીના બેડા મુકવા કે પંખો મૂકવા માટે પણ આ સિલિન્ડરનો ઉપયોગ કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારોની સાચી સ્થિતિ આદિવાસી મહિલાઓ પાસે ગેસના પૈસા જ નથી
રાજ્યના આદિવાસી વિસ્તારોમાં આજે પણ સ્થાનિક રોજગારીના અભાવે હિજરત જ એક માત્ર વિકલ્પ છે. મોટાભાગના પરિવારો વતન છોડીને શહેરમાં જતા રહે છે. વરસાદ આધારિત ખેતી હોવાને કારણે વતન આવતાં લોકો ઘરનો ચૂલો સળગાવવા લાકડાનો જ ઉપયોગ કરી રહ્યા છે. કારણ ગેસનો સિલિન્ડર ખરીદવાના એમની પાસે પૈસા નથી. સરકાર રૂ. 300 સબસીડી આપે છે પણ બાકીના પૈસા લાવવાના ક્યાંથી ? તેવો જવાબ આદિવાસી મહિલાઓ કરી રહી છે. સિલિન્ડર મોંઘો પડતા ચૂલા પર જ રસોઈ કરે છે
અમારી પાસે ગેસ સિલિન્ડર ભરવા માટે પૈસા જ નથી.સિલિન્ડર ભરવાના 800 રૂપિયા અમારાથી નીકળે એવા નથી. તેથી અમે લાકડાનો ઉપયોગ કરીએ છીએ અને રોજ બે ટાઈમ રસોઈ બનાવવાની હોય કે પાણી ગરમ કરવાનું હોવાથી અમે તો ચૂલો સળગાવીએ છીએ. > સુશીલાબેન ગરોડ, લાભાર્થી કેટરિંગના ધંધાર્થીઓ પૈસા આપી સિલિન્ડર ખરીદી લે છે
અમરેલીમાં બીજીવાર રિફિલિંગ કરાવનાર લાભાર્થીઓની સંખ્યા ભલે વધારે દેખાતી હોય પણ વાસ્તવિકતા એ છે કે કેટરિંગના ધંધાર્થીઓને કોમર્શિયલ સિલિન્ડર ખૂબ મોંઘો પડે છે તેના બદલે ઉજ્જવલાના લાભાર્થીને 50 થી લઈ 150નું કમિશન આપી સિલિન્ડર ખરીદી લેવામાં આવે છે.