દેશના મુખ્ય સેક્ટર્સમાં સ્લોડાઉનની સ્થિતિને કારણે ભારતીય અર્થતંત્ર અત્યારે મંદ માંગના તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. અનેક પરિબળો નિકાસ, વપરાશની પેટર્ન તેમજ આવકના ગ્રોથને અસર કરે છે, જે નાણાવર્ષ 2026 માટે પડકારજનક આઉટલુક તરફ ઇશારો કરે છે તેવું નુવામાએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે. રિપોર્ટ ચાર પરિબળોની ઓળખ કરે છે. જેમાં સંપત્તિની અસર, આવક, લાભ અને રાજકોષીય પરિબળોને વપરાશ ચક્રના મુખ્ય ચાલકબળ દર્શાવાયા છે. છેલ્લા બે દાયકા દરમિયાન આ ચાલકબળોએ અનેકવિધ તબક્કામાં વપરાશને અસર કરી છે. નાણાવર્ષ 2025માં, આ તમામ ચાલકબળોએ નરમાઇના સંકેત આપ્યા છે. પરિવારની આવકનો ગ્રોથ ઘટ્યો છે, જ્યારે ગ્રામીણ પગારનો ગ્રોથ સ્થિર રહ્યો હતો અને સંગઠિત ક્ષેત્રમાં આવકનો ગ્રોથ સતત ઘટી રહ્યો છે. વપરાશ માટે લેવામાં આવતી લોન જે પહેલા આવકમાં ઘટાડાની અસરને ઓછી કરતી હતી, તેમાં પણ હવે ઘટાડો થઇ રહ્યો છે. જેનો ગ્રોથ નાણાવર્ષ 2024ના 25%થી ઘટીને નાણાવર્ષ 2025માં 15% રહેવાની સંભાવના છે. 2026 માટે ગ્રામીણ અને શહેરી પરિવારોમાં આવકનો આઉટલુક નરમ રહેવાની શક્યતા છે અને સાથે જ કન્ઝ્મપ્શન લોનની પણ માંગ ઘટે તેવો અંદાજ છે. છેલ્લા કેટલાક વર્ષથી નબળા રહેલા ગ્રામીણ વપરાશમાં પણ રિકવરી જોવા મળી શકે છે પરંતુ શહેરી વપરાશ હજુ પણ ઘટે તેવી શક્યતા છે. સામાજિક ક્ષેત્ર માટે ખર્ચમાં વધારો કર્યો છે અને કેન્દ્ર સરકાર પણ આ ટ્રેન્ડને અનુસરે તેવી શક્યતા છે. સરકાર દ્વારા ખર્ચમાં વધારાને કારણે ગ્રામીણ વપરાશને વેગ મળે તેવો સૂર વ્યક્ત કરી રહ્યા છે. FY19-25 દરમિયાન રિયલ જીડીપી ગ્રોથ 5%ના દરે વધ્યો
રિપોર્ટ અનુસાર ભારતીય અર્થતંત્ર સપ્લાયને લઇને મજબૂત છે પરંતુ સામે માંગ નીકળી નથી. નાણાવર્ષ 2019 થી નાણાવર્ષ 2025 દરમિયાન દેશનો રિયલ જીડીપી ગ્રોથ 5%ના CAGR દરે વધ્યો છે. નિકાસમાં ઘટાડો, ખાધ ઘટાડવા પર સરકારનું ફોકસ જેવા પરિબળોએ માંગની નરમાઇને વધારી છે.