back to top
Homeભારતદારૂ માટે પિતાએ રૂ.1500માં દીકરી વેચી:ગુજરાતના ફાર્મહાઉસમાં રાજસ્થાનનાં માસૂમો શોષણનો ભોગ બન્યાં,...

દારૂ માટે પિતાએ રૂ.1500માં દીકરી વેચી:ગુજરાતના ફાર્મહાઉસમાં રાજસ્થાનનાં માસૂમો શોષણનો ભોગ બન્યાં, એટલું ટોર્ચર સહન કર્યું કે પોતાનું નામ ભૂલ્યા

’12 વર્ષની ગુનગુન (નામ બદલ્યું છે)ને ગરીબીને કારણે સ્કૂલ છોડવી પડી હતી. ગામનો એક દલાલ તેને નોકરી અપાવવા ગુજરાત લઈ ગયો. તેના બદલામાં તે તેના પરિવારને દર મહિને 1500 રૂપિયા મોકલતો રહ્યો. લગભગ એક વર્ષ પછી ઘરે પરત ફરેલા ગુનગુને જણાવેલ સત્ય સાંભળીને દરેકનું કાળજું કંપી ગયું. એજન્ટે તેને જે ફાર્મ હાઉસના માલિકને ત્યાં મજૂરી કામ કરવા માટે સોંપી હતી, તે આખું વર્ષ તેને ત્રાસ આપતો રહ્યો. તેના પર એટલો ત્રાસ ગુજારવામાં આવ્યાો હતો કે તે પુરુષોને જોતા જ ડરી જતી હતી. 2 વર્ષથી ઘરની ચાર દીવાલની બહાર પણ નીકળી શકી નથી. ગુનગુનની જેમ રાજસ્થાનના ગરીબ આદિવાસી વિસ્તારના લાખો બાળકો પણ દલાલોની જાળમાં ફસાઈને આવા જ પરિણામો ભોગવી રહ્યા છે. સપેશિયલ સીરીઝના પહેલા ભાગમાં, આવા દલાલોને કેમેરામાં ઉઘાડા કરવામાં આવ્યા હતા. આજે ભાગ-2 માં તેમના શિકાર બનેલા બાળકોની દર્દનાક કહાની… કેસ 1: ફાર્મહાઉસના નામે લઇ ગયા, 12 વર્ષની બાળકી પર એક વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો
ઉદયપુરના ઝાડોલ તાલુકાના એક ગામની રહેવાસી ગુનગુન સરકારી સ્કૂલના છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તે જ સ્કૂલના શિક્ષક દુર્ગારામ ચૌધરીએ જણાવ્યું કે એક એજન્ટ વિદ્યાર્થીને ગુજરાતના એક ફાર્મ હાઉસમાં મજૂરી કરવા લઈ ગયો હતો, પરંતુ ત્યાં છોકરી સાથે જે થયું તે સાંભળીને હું ચોંકી ગયો. તે મારી સ્કૂલની વિદ્યાર્થીની હતી, એક વર્ષ પછી ઘરે પરત ફર્યા બાદ હું તે છોકરીને તેના ઘરે મળવા ગયો હતો. તે એકદમ ડરી ગઈ હતી. વિદ્યાર્થિની સાથે વાત કર્યા બાદ જાણવા મળ્યું કે ગુજરાતમાં મજૂર તરીકે કામ કરતી વખતે ફાર્મ હાઉસના માલિક અને તેના સહકાર્યકરો દ્વારા તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. એટલું બધું શોષણ કે તે ભીડમાં બહાર જવામાં ડરવા લાગી હતી. તેણે સ્કૂલે જવાનું પણ બંધ કરી દીધું હતું. તે તેના ઘરની બહાર પણ નીકળતી નહોતી. તે સામાન્ય જીવનથી દૂર થઈ ગઈ હતી. મેં પરિવારના સભ્યોને પોલીસમાં ફરિયાદ કરવા સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ કલંક અને ગરીબીને કારણે તેઓએ ફરિયાદ નોંધાવવાની ના પાડી. બાળકીના શારીરિક શોષણની વાત સાંભળ્યા બાદ મેં બે દિવસથી ખાવાનું ખાધું નથી. ફરીથી છોકરીના ઘરે ગયો કે તેને સમજાવું કે સ્કૂલે જવાનું શરુ કરે, પરંતુ ત્યાં સુધીમાં તેના પરિવારે તેના લગ્ન કરાવી દીધા હતા. કેસ-2: પિતાનું કેન્સરથી મૃત્યુ થયું ત્યારે કાકાએ તેમને મજૂરી માટે ગુજરાત મોકલ્યો
કોતરાના રહેવાસી 11 વર્ષના મનોજે (નામ બદલ્યું છે) જણાવ્યું કે તેને 6 ભાઈ-બહેનો છે. પિતાને કેન્સર હતું. તેની સારવાર માટે ઘરની દરેક વસ્તુ વેચી દીધી હતી. થોડાં વર્ષ પહેલાં પિતાનું કેન્સરથી મૃત્યુ થયું હતું. પછી અમારે સ્કૂલ છોડીને ઝૂંપડીમાં રહેવું પડ્યું. માએ અમને અમારા કાકાના ભરોસે છોડી દીધા. કાકા મજૂરોની જેમ કામ કરાવતા. લગભગ બે વર્ષ પહેલા કાકાએ મને એક એજન્ટ મારફતે લીઝ પર અમદાવાદ મોકલ્યો હતો. ચીકુુનું વજન ઓછુ થાય તો શેઠ હાથ-પગ બાંધીને મારતો હતો
મનોજે જણાવ્યું કે એજન્ટ મને અમદાવાદના એક ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં ચીકુની ખેતી થતી હતી. રોજ ચીકુ ઉતારવા પડતા હતા. ત્યાંનો શેઠ બહુ ક્રૂર હતો. સાંજના સમયે ચીકુનું વજન કરવામાં આવતું અને જો તેનું વજન ઓછું થાય તો તે તેના હાથ-પગ બાંધીને માર મારતો હતો. આ પછી પણ, સજા પુરી નહોતી થતી, એક અઠવાડિયા સુધી રાત્રે માત્ર એક જ વાર ભોજન આપવામાં આવ્યું હતું. ખાવા માટે પણ તેઓએ અમને માત્ર બે રોટલી જ આપતા હતા. અમારે ત્યાં રહેવાની જગ્યા નહોતી. રાત્રે ગાયના વાડામાં સૂવું પડતું. ભાઈના મોતનું ખોટું બહાનું બનાવીને ભાગી ગયો
થોડા મહિનાઓ પછી અમારા ગામના કેટલાક વધુ લોકો એ જ ફાર્મ હાઉસમાં મજૂરી કરવા આવ્યા. મારે ત્યાંથી ભાગી જવું હતું. મેં માલિકને મારા ભાઈના મૃત્યુનું ફોટું બહાનું જણાવ્યું, પછી તરત જ મને એકવાર ઘરે જવાનું કહ્યું. શરૂઆતમાં તો માલિક માન્યો નહોતો. ત્યારબાદ ઘણા દિવસો સુધી આજીજી કર્યા બાદ માલિકે ત્રણ દિવસની રજા આપી હતી. પછી હું ત્યાંથી ભાગીને મારા ગામમાં આવ્યો. કેસ-3: ફાઇવસ્ટાર હોટલમાં કામ અપાવવાના બહાને કેમિકલ ફેક્ટરીમાં મોકલવામાં આવ્યો
ઉદયપુરના ઝાડોલના ફલાસિયા ગામમાં બાબુલાલ નામના દલાલે ગામના ચાર અલગ-અલગ બાળકોના માતા-પિતાને છેતર્યા હતા. કહ્યું કે આ બાળકોને આંધ્રપ્રદેશની ફાઈવ સ્ટાર હોટલમાં નોકરી મળશે. ત્યાં એક બાળક દીઠ વર્ષે એક લાખ રૂપિયાનો પગાર મળશે. દલાલ 10 થી 14 વર્ષની વયના ચાર બાળકોને આંધ્રપ્રદેશની એક કેમિકલ ફેક્ટરીમાં લઈ ગયો હતો. તેઓને ત્યાં બળજબરીથી કામ કરવવામાં આવતું હતું. બાળકોએ ફોન કરીને કહ્યું- અમને બચાવો, નહીં તો અમે બચી શકીશું નહીં.
ઓગસ્ટ 2021માં એક બાળકે આંધ્રપ્રદેશના નંબર પરથી ફોન કર્યો અને રેસ્ક્યૂ ટીમને કહ્યું કે તેને કેમિકલ ફેક્ટરીમાં બંધક બનાવવામાં આવ્યો છે. અહીં 12 થી 18 કલાક કેમિકલમાં કામ કરવાને કારણે મારી તબિયત બગડી રહી છે. જો અમે અહીં રહીશું તો વધુ સમય જીવતા રહી શકીશું નહીં. બાળકો શહેર અને કારખાનાનું નામ પણ બોલી શકતા ન હતા. તેણે એટલું જ કહ્યું કે બાબુલાલ નામનો દલાલ તેને અહીં લાવ્યો હતો. બાળકો તેમના પરિવારના સભ્યોના નામ અને સરનામાં કહી શકે તે પહેલા ફોન કપાઈ ગયો. અનેકવાર ફોન કર્યો પણ ફોન બંધ આવી રહ્યો હતો. કારખાનાના માલિક સાથે 10 વર્ષનો કરાર કરીને તેને રૂ.5 લાખમાં વેચી દીધી હતી
રેસ્ક્યુ ટીમે સૌથી પહેલા બાબુલાલ નામના એક દલાલને શોધી કાઢ્યો જે ઉદયપુરના આદિવાસી વિસ્તારમાં બાળકો વેચતો હતો. જ્યારે દલાલને IPS ઓફિસર બનીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કબૂલાત કરી કે તેણે બાળકોને આંધ્રપ્રદેશની એક કેમિકલ ફેક્ટરીમાં 10 વર્ષ કામ કરવા માટે વેચ્યાચી દીધા હતા. ફેક્ટરીના માલિકે લાખો રૂપિયાનું કમિશન આપ્યું હતું. આ પછી અમે અમારી ટીમ સાથે આંધ્રપ્રદેશ ગયા અને બાળકોને બચાવ્યા. તેમાંથી ત્રણ બાળકો ગંભીર રીતે બીમાર હતા. કેમિકલ ફેક્ટરીમાં કામ કરતી વખતે તેમની તબિયત બગડી ગઈ હતી. કેસ 4: એકમાત્ર પુત્રને સાડીના શોરૂમમાં નોકરી અપાવવાના બહાને વેચી દેવામાં આવ્યો હતો
ઉદયપુરના ઝાડોલના નાલ નનામા ગામમાં રહેતો કાન્હારામ મજૂરી કામ કરે છે. દલાલ ચુન્નીલાલ કટારાએ કાન્હારામને કહ્યું કે તેઓ તેમના 14 વર્ષના પુત્રને સાડીના શોરૂમમાં નોકરી અપાવશે. દર મહિને 10,000 રૂપિયાનો પગાર અને સારું ખાવાનું પણ મળશે. જાળમાં ફસાઈને, કાન્હારામે તેના એકમાત્ર પુત્ર નરેશ (નામ બદલેલ છે)ને ચુન્નીલાલ સાથે સુરત મોકલ્યો. દલાલે ગામના અન્ય છોકરાઓને કમિશન પર સુરતમાં નોકરીએ રાખ્યા હતા, પરંતુ નરેશને વાપીના ગુંદલાવમાં એક હોટલ-માલિકને વેચી દીધો હતો. લગભગ 15થી 20 દિવસ પછી, ગામના બાકીના છોકરાઓ ગામમાં પાછા ફર્યા, પરંતુ નરેશ પાછો આવ્યો નહીં. કાન્હારામે દલાલને બોલાવીને પૂછ્યું તો તે બહાનાં કાઢતો રહ્યો. પછી તેણે કહ્યું- કેટલાક લોકોએ તેના પુત્રનું અપહરણ કર્યું. આ સમાચાર સાંભળીને કાન્હારામ તેની શોધમાં સુરત દોડ્યા, પરંતુ તેની કોઈ ભાળ લાગી નહીં. ડિપ્રેશનને કારણે મારું નામ પણ ભૂલી ગયો
બીજી તરફ હોટેલ માલિકે ખરીદી કર્યા બાદ સૌથી પહેલું કામ નરેશનું આધાર કાર્ડ છીનવી લીધું હતું. નામ બદલીને મોહનરામ કરાવી દીધું હતું. બાંધકામ સ્થળે ઇંટો ઉપાડવાનું કામ આપ્યું. 15 થી 16 કલાક સુધી મજુરી કરાવવામાં આવતી હતી. ભારે વજન ઉઠાવવાને કારણે તે બીમાર પડવા લાગ્યો, ત્યારે તેને હોટલમાં સાફ-સફાઈ અને વાસણો ધોવાના કામે લગાડ્યો. નરેશે રાત્રિ દરમિયાન ત્રણ વખત ભાગવાનો પ્રયાસ કર્યો. પણ દરેક વખતે પકડાઈ ગયો. હવે હોટલ માલિકે ત્રાસ આપવાનું શરૂ કર્યું. તેને રાતે એક રૂમમાં પુરી દેવામાં આવતો હતો અને એક જ ટાઈમ ખાવાનું આપવામાં આવતું હતું. ત્રાસને કારણે નરેશ એટલો તણાવમાં આવી ગયો હતો કે તે પોતાનું સાચું નામ અને સરનામું ભૂલી ગયો હતો. એકના એક પુત્રને શોધવા જમીન ગીરવી મૂકી લોન લીધી જ્યારે નરેશ એક વર્ષ સુધી પાછો ન આવ્યો, ત્યારે કાન્હારામે તેને શોધવા માટે તેની જમીન ગીરવે મૂકી દીધી. ગુજરાતમાં જઈને ઘણી જગ્યાએ શોધખોળ કરી, પણ કોઈ ભાળ ન મળી. આ દરમિયાન કાન્હારામે શિક્ષક દુર્ગારામનો સંપર્ક કર્યો. પુત્રના ગુમ થવાની આખી વાત કહી. રેસ્ક્યુ ટીમે નરેશને શોધવા માટે પિતા કાન્હારામની અપીલનો વીડિયો અને નરેશના ફોટા સાથે બધે ફરતો કર્યો. ગુજરાતના વાપીમાં એક હોટલમાં કામ કરતા નરેશ જેવું લાગતું બાળક જોતાં પસાર થનાર વ્યક્તિએ જાણ કરી. આના પર મેં તે માણસને તે બાળકનો ફોટો મોકલવા કહ્યું. તેને ફોટો દેખાડતાની સાથે જ કાન્હારામે ઓળખી લીધો કે તે તેનો પુત્ર નરેશ જ છે. હોટલના નંબરો પર ફોન કરીને નરેશ સાથે વાત કરી. ત્યાંથી ખબર પડી કે માલિક તેને અન્ય કોઈ જગ્યાએ શિફ્ટ કરવા જઈ રહ્યો છે. નરેશને કોઈ ટ્રક ડ્રાઈવર સાથે ફોન પર વાત કરવાનું કહ્યું. રેસ્ક્યુ ટીમે ટ્રક ડ્રાઈવરને નરેશને રાજસ્થાન લાવવા વિનંતી કરી હતી. સદનસીબે ટ્રક પણ રાજસ્થાન તરફ આવી રહી હતી. આ રીતે ટ્રક ચાલકની મદદથી નરેશને બચાવી લેવાયો હતો. પરિવારના સભ્યો પોતે જ દોષિત છે, તેથી જ તેઓ દલાલો સામે ફરિયાદ કરતા નથી
નાગૌરના ડેગાના નિવાસી દુર્ગારામ ચૌધરી (37) સરકારી શિક્ષક છે. તેમની 16 વર્ષની સેવામાં તેમણે 1500થી વધુ બાળકોને બચાવ્યા છે. તેમણે કહ્યું કે ઉદયપુર, સિરોહી, ડુંગરપુર અને બાંસવાડાના બાળકોને નાની ઉંમરે દલાલો કામ પર લઈ જાય છે. સ્થાનિક ભાષામાં તેમને મેટ કહેવામાં આવે છે. કામ આપવાના બદલામાં દલાલો તેમની કમાણીમાંથી 20 થી 30 ટકા કમિશન લે છે. જ્યાં બાળકો વેચાય છે ત્યાં પણ તે જ કમિશન લે છે. ઘણા બાળકો વર્ષોથી ઘરે પરત ફરી શકતા નથી. તેવા સંજોગોમાં પરિવારજનો દલાલ સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી શકતા નથી. કારણ કે તેઓ પોતે જ તેમના સગીર બાળકને દલાલને સોંપવા માટે જવાબદાર છે. દલાલો પોતે પણ તેમને ફસાવવાનો ડર બતાવે છે. આ જ કારણ છે કે આવા દલાલો કાયદાની પકડથી દૂર રહે છે. જો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો આવા દલાલોને સજા થઈ શકે છે. કાયદો શું કહે છે? રાજસ્થાન હાઈકોર્ટના સીનિયર વકીલ એકે જૈનના જણાવ્યા અનુસાર, ‘ બાળ મજૂરી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ 1986’ મુજબ, 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈપણ પ્રકારના શારીરિક શ્રમ એટલે કે મજૂરી કરાવવી એ ગુનો છે. આ કાયદામાં માતા-પિતાને મજૂર તરીકે કામ કરવા બદલ 2 વર્ષની જેલ અને 50,000 રૂપિયાના દંડની જોગવાઈ પણ છે. દર મહિને દલાલો ચાર જિલ્લામાંથી 500થી વધુ બાળકોનું વેચે છે બાળકોને બચાવનાર શિક્ષક દુર્ગારામે જણાવ્યું કે રાજસ્થાનના ઉદયપુર, સિરોહી, ડુંગરપુર અને બાંસવાડા જિલ્લા ગુજરાતની સરહદે આવેલા છે. આ ચાર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં દલાલો સૌથી વધુ એક્ટિવ છે. દર મહિને, દલાલો 500થી વધુ બાળકોના સોજા કરીને તેમને મજૂરી માટે વેચે છે. આમાંના મોટાભાગના બાળકો ગુજરાતમાં જાય છે. આ બાળકોને ઘેટા-બકરાની જેમ જીપમાં ભરીને રાત્રે ગુજરાત લઈ જવામાં આવે છે. ઓગસ્ટથી નવેમ્બર અને ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં સૌથી વધુ સોદાબાજી થાય છે. આ મહિનામાં, ગુજરાતમાં કારખાનાઓ ઉપરાંત, બાળકોને પાકની વાવણી અને કાપણી માટે પણ સપ્લાય કરવામાં આવે છે. બાળકોને બચાવવા માટે 2 હજાર બાતમીદારોનું નેટવર્ક બનાવ્યું દુર્ગારામ ચૌધરીએ જણાવ્યું કે તેણે ઉદયપુરના આદિવાસી વિસ્તારમાં બાળકોને ભગાડનારા એજન્ટોના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો. દરેક ગામમાં જાગૃત લોકો, પંચ, શિક્ષક, આશા સહયોગીને તેમના જાણકાર (ખબરી) બનાવવામાં આવ્યા. ઘણી વખત બાળકોને બચાવતી વખતે હુમલાનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં 10 થી 15 લોકોની અલગ ટીમ બનાવવામાં આવી હતી. આ કાર્ય માટે, તેમને વર્ષ 2022 માં રાષ્ટ્રપતિ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને રાજસ્થાન પોલીસ પુરસ્કાર, રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર, શહીદ નાનાભાઈ ખાંટ શિક્ષક ગૌરવ પુરસ્કાર જેવા અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ બાળકો એક સમયે તસ્કરોના બંધક હતા, આજે જિલ્લાના ટોપર્સ છે
જ્યારે દુર્ગારામ ચૌધરી નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સરકારી ઉચ્ચ પ્રાથમિક નિવાસી સ્કૂ્લ, લઇ કા ગુડાની નોકરીમાં જોડાયા, ત્યારે તેમણે સરકારી સ્કૂ્લનો ચહેરો બદલી નાખ્યો. અહીં તેમણે એવા બાળકોને ભણાવવાનું શરૂ કર્યું કે જેઓ એક સમયે તસ્કરોના બંધક હતા અને અનાથ (તેમના પરિવારની કોઈ ભાળ નહોતી) હતા. દુર્ગારામે જણાવ્યું કે તેમને બચાવ્યા પછી સૌથી મોટી સમસ્યા એ હતી કે મોટાભાગના બાળકોના માતા-પિતા નથી અથવા તો તેમને ફરીથી વેચી દેવાનો ભય હતો. તેથી તેમણે આવા બાળકોને હોસ્ટેલમાં રાખીને ભણાવવાનું શરૂ કર્યું. હાલમાં અહીં 100થી વધુ બાળકો છે. આ બાળકોમાંથી ઘણા જિલ્લામાં ટોપર છે અને ઘણા રમતગમતમાં ટોપર છે. શહેરોના લોકો હવે આ બાળકો સાથે તેમનો જન્મદિવસ ઉજવવા આવે છે, જેથી તેઓ આ બાળકો સાથે ખુશીની પળો વિતાવી શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments