ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હાલ ખૂબ જ ચર્ચામાં છે. એ પછી ડિવોર્સની વાતને લઈને હોય કે પછી ખરાબ પ્રદર્શને લઈને હોય કે પછી નિવૃત્તિને લઈને હોય…હાલમાં જ પૂરી થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતને શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો. ત્યારે સિડની ટેસ્ટ પછી ટીમના અમુક સિનિયર ખેલાડીઓ રિટાયરમેન્ટ લેશે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. આ બધા વચ્ચે ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની ઇન્સ્ટા સ્ટોરીથી સોશિયલ મીડિયામાં ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ઇન્સ્ટાગ્રામ પર એવી પોસ્ટ કરી છે કે તેના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અને તેના સાથી ખેલાડી અશ્વિન પછી હવે જાડેજાના નિવૃત્તિ અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હકીકતમાં, જાડેજાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ટેસ્ટ જર્સીનો ફોટો પોસ્ટ કર્યો છે. સામાન્ય રીતે ખેલાડીઓ તેમના ડેબ્યૂ પર અથવા છેલ્લી મેચમાં તેને શેર કરે છે, તેથી જાડેજાએ અચાનક તેને શેર કર્યા પછી, દરેક જગ્યાએ ચર્ચાનો દોર શરૂ થઈ ગયો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્થાન નક્કી નથી
ભારતનું આ વર્ષે શિડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે. ત્યારે જાડેજાના પોસ્ટના ટાઇમિંગે આ બાબતને વધુ રસપ્રદ બનાવી દીધી છે. 22 જાન્યુઆરીથી શરૂ થતી આ સિરીઝમાં, ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ સામે પાંચ T20 અને ત્રણ વન-ડે રમશે. ત્યારબાદ ટીમ હાઇબ્રિડ હોસ્ટિંગ મોડેલ હેઠળ દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમશે. આગામી સિરીઝ માટે ટીમની જાહેરાત ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે અને જાડેજાનો સમાવેશ કે બાકાત તેના ભવિષ્ય વિશે વધુ સ્પષ્ટતા આપી શકે છે. ત્યારે અમુક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટીમમાં અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરના સ્થાનને લઈને ડિબેટ થઈ રહી છે. જેમાં અક્ષર અને સુંદરનું સ્થાન લગભગ નક્કી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે ત્રીજા સ્પિનર તરીકે કુલદીપ યાદવ હશે. ત્યારે જો રવીન્દ્ર જાડેજાને ટીમમાં નહીં લેવામાં આવે, તો તેની વ્હાઇટ બોલ કરિયર પર લગભગ પૂર્ણવિરામ મુકાઈ ગયું હોવાનું મનાશે. આ બધા રિપોર્ટ્સ વચ્ચે જ જાડેજાની આવી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી એ પણ ચર્ચા છે કે તે માત્ર હવે ટેસ્ટમાં રમતો દેખાશે. ગ્રાફિક્સમાં જુઓ રવીન્દ્ર જાડેજાનું વન-ડે અને ટેસ્ટમાં અત્યાર સુધીનું પરફોર્મન્સ… બાપુની ઇન્સ્ટા સ્ટોરીએ બધાને મૂંઝવણમાં મૂકી દીધા
જડ્ડુની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીએ ઘણા લોકોને તેનો અર્થ શું છે તે અંગે મૂંઝવણમાં મૂકી દીધા. કેટલાક લોકોએ તેને એ સંકેત તરીકે લીધો કે જાડેજા ટેસ્ટ અથવા વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો છે. જ્યારે એક યુઝરે કમેન્ટ કરી, “કોઈ સંકેત?” ગયા વર્ષે જૂનમાં ભારતની વર્લ્ડ કપ જીત બાદ જાડેજાએ T20I માંથી નિવૃત્તિ લીધા બાદ આ પોસ્ટ આવી છે. જોકે, હાલ તો ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર વન-ડે અને ટેસ્ટ ક્રિકેટમાં એક્ટિવ છે.