રાજકોટથી 9 કિલોમીટર દૂર ઈશ્વરીયા ગામ ખાતે હાલાર ક્લબ દ્વારા અશ્વ સવારીની તાલીમ અને અશ્વ સંબંધી જુદી-જુદી પ્રવૃત્તિઓ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આવતીકાલે તા.12 જાન્યુઆરીને રવિવારના રોજ ઇશ્વરિયા ખાતે 20 તથા 40 કિલોમીટર અંતરની અશ્વની એન્ડયુરન્સ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની મોટી હરીફાઈનું આયોજન રાજકોટમાં સતત ચોથી વાર કરવામાં આવી રહ્યું છે. હરિફાઈ સવારના 6થી 11 વાગ્યા સુધી ચાલશે
આવતીકાલે તા.12 જાન્યુઆરીના વહેલી સવારે 6 વાગ્યે એન્ડયુરન્સ સવારીની શરૂઆત કરવામાં આવશે અને 11 વાગ્યા સુધીમાં પૂર્ણ થશે. હરીફાઈમાં નિર્ણાયક તરીકે ઇન્ડીગીનસ હોર્સ એસોસિએશન ઓફગુજરાત (IHAG)ના નિષ્ણાતો સેવા આપશે. સાથે પશુ ચિકિત્સક સેવાઓ ડો. હઠીસિંહ સિસોદિયા અને ટીમ, પોરબંદર દ્વારા પ્રદાન કરવામાં આવશે. અશ્વની શારીરિક ચુસ્તતા, શિસ્ત અને સહનશક્તિની પરીક્ષા
એન્ડયુરન્સ હરીફાઈ એ લાંબા અંતરની સવારીની હરીફાઈ છે, જેમાં અલગ-અલગ ભૂ. પ્રદેશ અને હવામાનની વિવિધતાને આવરી લેવામાં આવે છે. એન્ડયુરન્સ હરીફાઈમાં અશ્વની શારીરિક ચુસ્તતા, શિસ્ત અને સહનશક્તિ તેમજ અશ્વ સવારની અશ્વ હાંકવાની કુશળતાની પરીક્ષા થાય છે. એન્ડયુરન્સ હરીફાઈમાં ભાગ લેવો અને પૂર્ણ કરવું એ ભાગ લેનાર માટે એક સિદ્ધિ ગણાય છે. એન્ડયુરન્સ સવારીમાં અશ્વ અને સવારને અનેક પડકારોનો સામનો કરવો પડે છે, જે સામાન્ય સવારીમાં કરવો પડતો નથી. કાઠિયાવાડી અશ્વો એન્ડ્યુરન્સ સ્પર્ધા માટે વધુ યોગ્ય
અશ્વની લગભગ દરેક નસલ એન્ડયુરન્સ સવારી માટે યોગ્ય ગણાય છે, પરંતુ કાઠિયાવાડી અશ્વોમાં લાંબા સમય સુધી સતત દોડવાની અદભુત ક્ષમતા છે. તેમનું શરીર મજબૂત હાડકાં અને સ્નાયુઓથી બનેલું છે, જે તેમને થાક સામે લડવામાં મદદ કરે છે. આ અશ્વો ઓછા પાણી અને ખોરાક સાથે પણ લાંબો સમય કામ કરી શકે છે, જે એન્ડ્યુરન્સ રેસ માટે આવશ્યક ગુણ છે. કાઠિયાવાડી અશ્વો એન્ડ્યુરન્સ સ્પર્ધા માટે વધુ યોગ્ય છે. કારણ કે તેમની કુદરતી શક્તિ અને મજબૂતાઈ અજોડ છે. આ અશ્વોનો જન્મ અને ઉછેર કચ્છ અને સૌરાષ્ટ્રની કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓમાં થાય છે, જેના કારણે તેઓ આકરી ભૂમિ, ગરમ હવામાન અને લાંબા અંતર પર ચાલવા માટે કુદરતી રીતે અનુકૂળ બન્યા છે. એન્ડ્યુરન્સ રાઇડએ સૌથી અસરકારક રીતોમાંની એક
ઈતિહાસ અને વર્તમાનમાં કાઠિયાવાડી અશ્વોએ કાયમ પોતાની યોગ્યતાને સાબિત કરી છે, તે હમેશાં અશ્વ પ્રેમીઓ માટે લાગણીની ભૂમિકામાં રહ્યા છે. તેના ગુણોની પ્રશંસા કરવા અને તેની ઉજવણી કરવા માટે એન્ડ્યુરન્સ રાઇડએ સૌથી અસરકારક રીતોમાંની એક છે.