back to top
Homeદુનિયાબલૂચિસ્તાનમાં મંત્રીના ઘર પર ગ્રેનેડ હુમલો:BLA બળવાખોરોએ 3 ઠેકાણાંઓને નિશાન બનાવ્યા, પોલીસ...

બલૂચિસ્તાનમાં મંત્રીના ઘર પર ગ્રેનેડ હુમલો:BLA બળવાખોરોએ 3 ઠેકાણાંઓને નિશાન બનાવ્યા, પોલીસ ચોકીમાંથી હથિયારોની લૂંટ

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં શુક્રવારે સશસ્ત્ર બળવાખોરોએ ત્રણ હુમલા કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પહેલા હુમલામાં બળવાખોરોએ બલૂચિસ્તાનના કરાનમાં આવેલા નાણા મંત્રી શોએબ નૌશેરવાનીના ઘર પર હેન્ડ ગ્રેનેડ હુમલો કર્યો હતો. બીજી ઘટનામાં કલાતના ડેપ્યુટી કમિશનરના ઘર પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં એક પોલીસ જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્રીજો હુમલો મસતુંગની પોલીસ ચોકી પર કરવામાં આવ્યો હતો. બળવાખોરોએ અહીંથી હથિયારો, વાયરલેસ સેટ અને મોટરસાઈકલ લૂંટી હતી. આ ઉપરાંત નજીકમાં આવેલી સિમેન્ટ ફેક્ટરીમાં પણ આગ ચાંપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગુરુવારે બળવાખોરોએ ખુજદારમાં એક બેંક અને એક પોલીસ સ્ટેશનમાં પણ લૂંટ ચલાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ તમામ હુમલા પાછળ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના વિદ્રોહીઓનો હાથ છે. ગયા અઠવાડિયે જ BLAએ બલૂચિસ્તાનના તુર્બત પાસે પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં 47 જવાનો શહીદ થયા છે, જ્યારે 30થી વધુ ઘાયલ થયા હતા. TTPએ ખૈબરમાં પરમાણુ પ્લાન્ટના કામદારોનું અપહરણ કર્યું હતું
બીજી તરફ, ગુરુવારે અફઘાન તાલિબાન અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ ખૈબર પખ્તુનખ્વામાં મકીન અને માલિખેલની સૈન્ય ચોકીઓ પર રોકેટ અને મોર્ટાર વડે હુમલો કર્યો હતો. આ પછી, ખૈબરમાં લક્કી મર્વતના એટોમિક એનર્જી પ્લાન્ટના 16 કામદારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ તમામ કામદારો કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા. બાદમાં પોલીસે આમાંથી 8 કામદારોને બચાવી લીધા હતા, જ્યારે 8 લોકો હજુ પણ કેદમાં છે. શું છે બલૂચ લિબરેશન આર્મી?
ડાયચે વેલે અનુસાર, BLA પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સૌથી મોટું બલૂચ ઉગ્રવાદી ગ્રુપ છે. તે દાયકાઓથી પાકિસ્તાન સરકાર વિરુદ્ધ બળવાખોર છે. આ ગ્રુપ બલૂચિસ્તાનની આઝાદી અને ચીનને તેના વિસ્તારોમાંથી હટાવવાની માંગ કરી રહ્યું છે. BLAએ પાકિસ્તાની સુરક્ષા દળો અને ચીનના CPEC પ્રોજેક્ટને નિશાન બનાવીને અનેક હુમલા કર્યા છે. બલૂચિસ્તાનમાં રહેતા મોટાભાગના બલૂચ લોકો પાકિસ્તાન સરકારથી નારાજ છે. આ લોકોનું કહેવું છે કે સરકાર તેમના વિસ્તારના કુદરતી સંસાધનોનો દુરુપયોગ કરી રહી છે. BLA કહે છે કે સ્થાનિક વસ્તીને આ સંસાધનોના નફામાં કોઈ હિસ્સો મળતો નથી. દાવો- રશિયાની KGB એ ટ્રેનિંગ આપી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બલૂચ આર્મીમાં હજારો લડવૈયાઓ છે. 2006 પછી, BLA પાકિસ્તાનની સેના અને સરકાર માટે ખૂબ જ મુશ્કેલ પડકાર બની ગયું છે. તેના હુમલામાં સેંકડો પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. એવો દાવો કરવામાં આવે છે કે બીએલએના કેટલાક લડવૈયાઓને રશિયાની ભૂતપૂર્વ ગુપ્તચર સંસ્થા કેજીબી દ્વારા મોસ્કોમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. બાદમાં આ લોકોએ તેમના સાથીદારોને ટ્રેનિંગ આપી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments