વડોદરાના 24 વર્ષીય પ્રિન્સ પંચાલે રિમોટ કંટ્રોલથી ઉડતો પતંગ તૈયાર કર્યો છે. આ પતંગ તેણે માત્ર 3 દિવસમાં તૈયાર કરી દીધો છે અને તેને તૈયાર કરવામાં 10 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે. ઉત્તરાયણના પર્વમાં દોરીથી પક્ષીઓને બચાવવા માટે પ્રિન્સને દોરી વગર ઊડતો પતંગ બનાવવાનો વિચાર આવ્યો અને પોતાના વિચારને તુરંત જ અમલમાં મૂકી દીધો હતો. આ પતંગ રિમોટ કંટ્રોલથી એક કિમી દુર સુધી ઉડી શકે છે અને તેને લેફ્ટ અને રાઈટ પણ કરી શકાય છે. ટૂંકમાં કહીએ તો આ પતંગ ઉડાવતી સમયે પતંગબાજને વીડિયોગેમ રમતો હોય તેવું ફિલિંગ આવે છે. ઉલ્લેખનીય છે કે, પ્રિન્સે અગાઉ 100થી વધુ ટોય પ્લેન તૈયાર કર્યા છે. દાદા સાથે મળીને ટોય પ્લેન-ડ્રોન બનાવવાનું શરૂ કર્યું હતુંઃ પ્રિન્સ
રિમોટ કંટ્રોલથી ઉડતી પતંગ બનાવનાર પ્રિન્સ પંચાલે જણાવ્યું હતું કે, હું સોશિયલ મીડિયા માધ્યમથી રમકડાના પણ રિયલની જેમ ઉડતા પ્લેન, ડ્રોન અને પતંગ બનાવતા શીખવું છું અને સાથેસાથે નોકરી પણ કરું છું. દસ વર્ષ પહેલાં મેં અને મારા દાદાએ ટોય પ્લેન અને ડ્રોન બનાવવાનું શરૂ કર્યું હતું. મારા દાદાનું કોરોનામાં અવસાન થયું હતું, ત્યારબાદ મારા પરિવારના સપોર્ટથી હવે હુ જ રિમોટથી ચાલતા પતંગ અને ટોય બનાવું છું. ‘પતંગમાં કાગળની જગ્યાએ નાયલોન ફેબ્રિક કાપડ યુઝ કરાયું’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ પતંગ બનાવવામાં મને ત્રણ દિવસનો સમય લાગ્યો છે. રિમોટની સાથે આ પતંગ 10,000 રૂપિયામાં તૈયાર થયો છે. આ પતંગ કાર્બન ફાઇબર રોડમાંથી બનાવ્યો છે. આ પતંગમાં કાગળની જગ્યાએ નાયલોન ફેબ્રિક કાપડ યુઝ કરવામાં આવ્યું છે અને તે બેટરીના માધ્યમથી ઉડે છે. સાથે મોટરના માધ્યમથી પતંગ લિફ્ટ થાય છે. આ પતંગને રિમોટ કંટ્રોલના માધ્યમથી ઉડાવવામાં આવે છે. ‘પતંગને લેફ્ટ-રાઈટ પણ કરી શકાય’
તેઓએ ઉમેર્યું હતું કે, પતંગની આગળની સાઈડ પંખો લગાવવામાં આવ્યો છે અને પાછળની સાઈડ જે ફ્લેપ છે, તેનાથી પતંગને લેફ્ટ અને રાઈટ કરીને પતંગને ઉડાવી શકીએ છીએ. આ પતંગ ફક્ત રિમોટ કંટ્રોલથી ઉડે છે, તેના માટે દોરીનો ઉપયોગ થતો નથી. ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પવન હોતો નથી, આ સમયે આપણે આ પતંગને ઉડાવી શકીએ છીએ. આ પતંગ એક કિમી ઊંચી અને દુર ઉડી શકે છે. તેની બેટરીની ક્ષમતા 15 મિનિટની છે. ‘મારી પાસે રિમોટ કંટ્રોલથી ઉડતા ઘણા પતંગો છે’
તેઓએ કહ્યું હતું કે, દર વર્ષે ઉત્તરાયણના દિવસે દોરીને કારણે અનેક પક્ષીઓ ઇજાગ્રત થાય છે અને મૃત્યુ પણ થાય છે. તેથી મને વિચાર આવ્યો હતો કે, હું એવી પતંગ બનાવું કે જેનાથી પક્ષીઓનો જીવ બચાવી શકાય. મેં તૈયાર કરેલા આ પતંગથી પક્ષીઓનો જીવ જતો નથી અને આપણે ઉત્તરાયણ પણ એન્જોય કરી શકીએ છીએ. મારી પાસે રિમોટ કંટ્રોલથી ઓપરેટ થાય તેવા ઘણા પતંગો છે. એક સ્ક્વેર ટાઈપની પતંગ છે, જે પ્લેન જેવી દેખાય છે, પણ ઉડ્યા પછી તમને એવું લાગશે કે પતંગ ઉડી રહ્યો છે, પરંતુ તેમાં દોરો નહીં લાગેલો હોય. ‘બાળકો કંઈક ક્રિએટિવ કરે તેવો પ્રયાસ’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મેં અત્યાર સુધીમાં 100થી વધુ ટોય પ્લેન તૈયાર કર્યા છે. જેમાં 5થી 10 ફૂટના ફાઈટર પ્લેન, કાર્ગો પ્લેન અને સી પ્લેનના મોડલ તૈયાર કર્યા છે. તે પણ રિમોટ કન્ટ્રોલથી ઓપરેટ થાય છે. હું કંઈક નવું કરવા માંગતો હતો તેના કારણે મેં આ રિમોટ કંટ્રોલથી સંચાલિત પતંગ તૈયાર કર્યો છે. ભવિષ્યમાં મારે મારી યુ ટ્યુબ ચેનલના માધ્યમથી વધુમાં વધુ લોકોને આ પ્રકારની પતંગો બનાવતા શીખવવું છે. નાના બાળકો હાલ મોબાઈલમાં ગેમિંગ કરે છે, તેનાથી આગળ વધીને તેઓ કંઈક ક્રિએટિવ કરે છે તે માટેનો મારો પ્રયાસ છે.