હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં 4 ડિસેમ્બરે થયેલી નાસભાગના કેસમાં અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. તેની બિન ઈરાદે હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. હવે તેને જામીનની શરતોમાં છૂટછાટ મળી છે. અલ્લુ અર્જુનની 13 ડિસેમ્બરે સંધ્યા થિયેટર સ્ટેમ્પેડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. બીજા દિવસે 14 ડિસેમ્બરે તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જામીનની શરતો મુજબ તેને દર રવિવારે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડતું હતું. આ ઉપરાંત તેને વિદેશ જવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી. હવે હૈદરાબાદની નામપલ્લી કોર્ટમાંથી જામીનની શરતો હળવી કરવામાં આવી છે. એક્ટર હવે વિદેશ પ્રવાસ કરી શકશે અને તેને દર અઠવાડિયે હાજરી નોંધાવવાની જરૂર રહેશે નહીં. રવિવારે હાજર થતા પહેલા અલ્લુ અર્જુનની કાનૂની ટીમે કોર્ટને શરતો પર તેને મુક્તિ આપવા વિનંતી કરી હતી, જેને કોર્ટે આજે મંજૂર કરી છે. કાયદાકીય ટીમે છૂટ માટે અભિનેતાની સુરક્ષાનો ઉલ્લેખ કર્યો હતો. શું છે સમગ્ર મામલો? ‘પુષ્પાઃ ધ રૂલ’ ફિલ્મ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મની રિલીઝ પહેલા, ફિલ્મનું પ્રીમિયર હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં યોજાયું હતું. પ્રીમિયર દરમિયાન અલ્લુ અર્જુન ચાહકોને સરપ્રાઈઝ કરવા આવ્યો હતો. અલ્લુને જોવા માટે એટલી બધી ભીડ એકઠી થઈ ગઈ કે નાસભાગ મચી ગઈ હતી. ભીડ બેકાબૂ બની જવાને કારણે ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને ઘણા લોકો બેભાન થઈ ગયા. આ દરમિયાન રેવતી નામની મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો પુત્ર શ્રેતેજ ગંભીર રીતે ઘાયલ થયો હતો. નાસભાગની 3 તસવીરો… આ મામલામાં 6 ડિસેમ્બરે અલ્લુ અર્જુન સહિત 18 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 13 ડિસેમ્બરના રોજ, અલ્લુ અર્જુનને તેના હૈદરાબાદના ઘરેથી બિન ઇરાદા પૂર્વકની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. અભિનેતાની કાનૂની ટીમે તેના જામીન માટે તેલંગાણા હાઈકોર્ટમાં અપીલ કરી હતી, ત્યારબાદ તેને 50,000 રૂપિયાના બોન્ડ પર જામીનની શરતો પર મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, તેને 18 કલાક સુધી કસ્ટડીમાં રહેવું પડ્યું હતું.