ગત વર્ષે ઓગસ્ટમાં શેખ હસીનાની સરકાર ગબડી પડ્યા બાદ બાંગ્લાદેશની કમાન મોહમ્મદ યુનુસ સંભાળી રહ્યા છે. જોકે, મોહમ્મદ યુનુસ સત્તામાં આવ્યા બાદ હિન્દુઓ અને લઘુમતીઓ તેમજ મંદિર પર હુમલા અટકવાનું નામ લેતા નથી. તાજેતરમાં જ ઉગ્રવાદીઓએ 6 મંદિરોને નિશાન બનાવ્યાં. જેમાં ચટગાંવમાં ચાર મંદિર પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. લાલ મોનિરહાટમાં પણ મંદિરમાં લૂંટ થઈ હતી. બીજી તરફ બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા અટકી રહી નથી. જેમાં બે હિન્દુઓની હત્યા અને એકનું અપહરણ કરાયું છે. ઉગ્રવાદીએ ઘરમાં ઘૂસીને કોલેજના પ્રોફેસર દિલીપકુમાર રોય(71)ની હત્યા કરી હતી. તેમજ જાલાખાઠી જિલ્લામાં 26 વર્ષીય વેપારી સુદેવને ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. ચટગાંવમાં મંદિરોની દાનપેટી લૂંટી લેવાઈ
ચટગાંવમાં હતહઝારી વિસ્તારમાં ચાર મંદિરોમાં લૂંટ ચલાવી હતી. મા વિશ્વેશ્વરી કાલી મંદિરમાં સોનાનાં આભૂષણો અને દાનપેટીની ચોરી કરવામાં આવી હતી. જ્યારે સત્યનારાયણ સેવા આશ્રમ, મા માગધેશ્વરી મંદિર અને જગબંધુ આશ્રમમાં પણ ચોરી થઈ હતી. આ ઉપરાંત કોક્સ બજારના શ્રીમંદિરમાં પણ ચોરી થઈ હતી. જ્યાં ચોરોએ સીસીટીવી રેકોર્ડિંગને નષ્ટ કરી દીધા છે. લલમોનિરહાટ જિલ્લાના ભવતારિણી કાલી મંદિરમાંથી પ્રાચીન મૂર્તિ અને કીમતી પૂજા સામગ્રીની ચોરી થઈ છે. હિન્દુ પ્રિન્સિપાલ પાસેથી જબરદસ્તી રાજીનામું લીધું
ચટગાંવમાં એક હિન્દુ પ્રિન્સિપાલ ચંદન મહાજનને ઉગ્રવાદીઓએ જબરદસ્તી રાજીનામું આપવા મજબૂર કર્યા. સ્થાનિક લોકો ધાર્મિક દ્વેષથી પ્રેરિત કાવતરું ગણાવી રહ્યા છે. જ્યારે ગાયબંદા જિલ્લામાં એક હિન્દુ મહિલાના ઘરને આગ ચાંપી દેવામાં આવી છે. એટલું જ નહીં ભીડે માર પણ માર્યો હતો. આ સાંપ્રદાયિક સરકાર: હિન્દુ-બૌદ્ધ- ઈસાઈ પરિષદ
બાંગ્લાદેશ હિન્દુ-બૌદ્ધ-ઈસાઈ એકતા પરિષદના કાર્યવાહક મહાસિચવ મણીન્દ્ર કુમાર નાથે કહ્યું કે આ સાંપ્રદાયિક સરકાર છે. તેઓ પોતાની આ હરકતથી એ સાબિત કરવા માગે છે તેમણે કોઈ હિંસા કરી નથી પરંતુ હિંસાનો સામનો કરવો પડી રહ્યો છે. હિંસાના મામલામાં સરકારની ઉદાસીનતા વિચારવા પર મજબૂર કરે છે. હિન્દુઓ પર અત્યાચાર રાજનીતિથી પ્રેરિત: પોલીસ
બાંગ્લાદેશ પોલીસે શનિવારના રોજ ઓગસ્ટ 2024થી જાન્યુઆરી 2025 સુધી થયેલા હુમલાનો રિપોર્ટ જારી કર્યો.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે આ દરમિયાન મોટા ભાગના હુમલા સાંપ્રદાયિક નહીં પરંતુ રાજનીતિથી પ્રેરિત હતા.
બાંગ્લાદેશ હિન્દુ-બૌદ્ધ-ઈસાઈ એકતા પરિષદના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગત 6 મહિનામાં લઘુમતી સમુદાયો પર 1,769 હુમલા અને 2,010 તોડફોડની ઘટના થઈ હતી.
પોલીસે આપેલા જવાબી રિપોર્ટમાં જણાવ્યું કે પરિષદ દ્વારા રજૂ કરાયેલા આરોપોની તપાસમાં 1,234 ઘટનાઓ રાજનીતિથી પ્રેરિત છે.
માત્ર 20 ઘટનાઓ સાંપ્રદાયિક હતી તેમજ 161 આરોપો પાયાવિહોણા હતા. 115 કેસોમાં 100થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.