આપણને બાળપણથી ‘હા’ પાડવી સારી અને ‘ના’ પાડવી એ ખરાબ આદત હોવાનું શીખવાડાય છે. ‘હા’ એ વિનમ્રતાનો સંકેત છે જ્યારે ‘ના’ પાડવી તેને અસભ્ય કહેવાય છે. આ ધારણા આપણા મન પર ઊંડી અસર પાડે છે. એવોર્ડ વિજેતા તેમજ કૉર્નેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર ડૉ. સુનીતા શાહ કહે છે કે સતત હા કહેવાથી તે આપણી આદતમાં સામેલ થઇ જાય છે. જ્યાં મનાઇ કરવાની છે ત્યાં પણ આપણે હા પાડી બેસીએ છીએ. વિરોધ એક કૌશલ્ય છે, જેને અભ્યાસથી નિખારી શકાય છે. જાણો કઇ રીતે શક્ય બનશે.. અંતરાત્માનો અવાજ સાંભળો | પોતાના પુસ્તક ‘ડિફાઇ: ધ પાવર ઑફ નો ઇન ધ વર્લ્ડ ધેટ ડિમાન્ડ યસ’માં સુનીતા લખે છે કે લોકો અનેકવાર ખોટી સલાહ પણ માની લે છે, કારણ કે ના કહેવી તેમને અસહજ લાગે છે. તેમણે સ્ટડી દરમિયાન સહભાગીઓને ખોટો વિકલ્પ પસંદ કરવાનું કહેતા 85% લોકો માની ગયા હતા, પરંતુ એકલા નિર્ણય લેવાની તક આપી તો, ટકાવારી 50% રહી. એટલે કોઇની ઉપસ્થિતિ દબાણ ઊભું કરે છે. દબાણમાં ન આવો. અંતરાત્માનો અવાજ સાંભળો તો યોગ્ય નિર્ણય લઇ શકશો. સંઘર્ષનો ડર | એક અન્ય પ્રયોગમાં, એક વ્યક્તિએ સરવેમાં જોડાવા પર લૉટરીની ટિકિટ રજૂ કરતા લોકોએ રુચિ લીધી ન હતી. જોકે તેનાથી બોનસ મળશે તેવું કહેતા જ 42% લોકો રાજી થયા. જોકે લોકોએ તેનાથી ભરોસો ઘટ્યો હોવાનું માન્યું. તેમ છતાં ‘ના’ કહેવાથી સંકોચ અનુભવતા હતા. ડૉ. સુનીતા તેને ‘ઇન્સિન્યુએશન એંગ્ઝાયટી’ કહે છે. આ સ્થિતિમાં આપણે વિચારીએ છીએ કે કોઇનો આગ્રહ ન માનવા પર આપણે તેમને ભરોસાપાત્ર નહીં સમજીએ. આ ડર આપણને બિનજરૂરી માંગ માનવા માટે મજબૂર કરે છે. તેને હાવી ન થવા દો, પસ્તાવો નહીં થાય.
નાની શરૂઆત | ડૉ. સુનીતા અનુસાર, ક્યારેક વિરોધ પણ કરો. આ કૌશલ્યને અભ્યાસથી નિખારી શકાય છે. યોગ્ય સમયે ના કહેવાની શરૂઆત અસહજ અનુભવથી થાય છે. મૂલ્યો પર વિચાર કરો, નાના નાના પગલાં લેશો તો વિરોધ કરવાનું સાહસ મળશે.
સ્વયં સાથે સમાધાન ન કરો | ‘ના’ પાડવી પડકારજનક છે, પરંતુ સ્વયંની સંભાળ માટે મહત્ત્વપૂર્ણ છે. તે નકારાત્મક થવા અંગે નથી. જોકે વિરોધના જોખમ પણ છે જેમ કે સામાજિક બહિષ્કાર, વ્યવસાયમાં નુકસાન કે પછી સંબંધોમાં તણાવ. પરંતુ વિચાર્યા વગર સહમતિ આપવી યોગ્ય નથી. અનેકવાર પોતાને અથવા અન્યને નુકસાન થાય છે. એટલે જ આત્મસન્માન સાથે સમાધાન ન કરો.
અહીંથી જ પરિવર્તન | સહમતિના મનોવિજ્ઞાનની સમજ આપણી સ્વતંત્રતા તરફ પહેલું પગલું છે. જ્યારે આપણે મૂલ્યો અનુસાર નિર્ણય લઇએ છીએ, ત્યારે ન માત્ર જીવન બદલાય છે, પરંતુ એવો માહોલ પણ બનાવીએ છીએ જે અન્યને પ્રેરિત કરી શકે છે. સહમતિ આપણી પ્રતિક્રિયા હોય શકે છે, પરંતુ નિયતિ નહીં..