અમદાવાદ શહેરમાં આજે (12 જાન્યુઆરી, 2025) વહેલી સવારે બોડકદેવ વિસ્તારમાં એક મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. બી સફલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ હાફ મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5000 જેટલા લોકોએ ભાગ લીધો હતો. ત્રણ અલગ અલગ કેટેગરીમાં દોડવીરોએ ભાગ લીધો હતો. જેમાં હાફ મેરેથોન કે, જેમાં 21.1 કિલોમીટરની દોડ લગાવવાની હોય છે. બીજી કેટેગરીમાં 10 કિલોમીટર અને અન્ય એક કેટેગરીમાં પાંચ કિલોમીટરની દોડ રાખવામાં આવી હતી. જેને ફન રન નામ આપવામાં આવ્યું હતું. પ્રથમ અને દ્વિતીય કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવનાર દોડવીરોને ઇનામ પણ આપવામાં આવશે. બી સફલ ગ્રુપ દ્વારા નવમી વખત આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનું છે. શહેર પોલીસ દ્વારા પણ દોડનું આયોજન
અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ આજે વહેલી સવારે ચાર વાગ્યાથી જ મેરેથોન દોડનું આયોજન થયું હતું. જેના માટે સવારના ચાર વાગ્યાથી જ શુકન મોલ ચાર રસ્તાથી સાયન્સ સિટી બસ સ્ટેશન સુધી તથા તાજ સ્કાય લાઈનથી ગોટીલા ગાર્ડન સુધીનો એક તરફનો માર્ગ વાહન-વ્યવહારની અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા અગાઉથી જાહેરનામુ બહાર પાડી વૈકલ્પિક માર્ગ અંગેની સૂચના આપી હતી. 2015થી મેરેથોનનું આયોજન કરીએ છીએઃ લિહાસ ત્રીવેદી
બી સફલ ગ્રુપના રેસ ડાયરેક્ટર લિહાસ ત્રીવેદીએ જણાવ્યું હતું કે, બી સફલ ગ્રુપ દ્વારા નવમી વખત મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2015માં બી સફલ ગ્રુપ અને એલ. એસ. ફાઉન્ડેશન દ્વારા એક સ્વપ્ન જોવામાં આવ્યું હતું કે, ફીટ અમદાવાદ અને ફીટ ગુજરાત જેના ભાગરૂપે વર્ષ 2015થી દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર વર્ષે હાફ મેરેથોનનું આયોજન તો કરવામાં જ આવે છે, પરંતુ વર્ષ 2017, 2018 અને 2019માં ફુલ મેરાથોન દોડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથન વિજેતાને 60 હજારનું ઈનામ
આજે નવમાં એડિશનમાં હાફ મેરેથોનમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક ઉપર આવનાર મહિલા અને પુરુષ કેટેગરીમાં પ્રથમ ક્રમાંક ઉપર આવનાર વિજેતાને 60,000 દ્વિતીય ક્રમાંક પર આવનાર વિજેતાને 30,000 અને તૃતીય ક્રમાંક પર આવનાર વિજેતાને 15,000નું ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત 10 kmની દોડ માટે પ્રથમ ક્રમાંક ઉપર આવનાર વિજેતાને 30,000, દ્વિતીય પર 15000 અને તૃતીય ક્રમાંક ઉપર આવનાર વિજેતાને 7500નું ઇનામ આપવામાં આવશે. હાફ મેરેથોન કે જેમાં 21 kmની દોડ લગાવવાની હોય છે, તેને ત્રણ કલાકમાં પૂર્ણ કરવાની રહે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાગ લીધો છે. આ વર્ષે લગભગ 5000 જેટલા ભાગ લઈને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા ફેલાવવા માટે પોતાનો હિસ્સો ફાળવ્યો છે. હું પાંચ વર્ષથી મેરેથોનમાં ભાગ લઉં છુંઃ ડો. હિતા પરીખ
વડોદરાથી મેરાથોનમાં ભાગ લેવા આવનાર ડો. હિતા પરીખે જણાવ્યું હતું કે, ઘણી બધી મેરેથોનમાં ભાગ લઉં છું. ખાસ કરીને અમદાવાદ અને વડોદરા શહેરમાં યોજાતી મેરાથોનમાં ભાગ લઉં છું. છેલ્લા પાંચ વર્ષથી વિવિધ મેરાથનમાં ભાગ લઈ રહી છું અને પ્રથમ ત્રણ ક્રમાંકમાંથી એક ક્રમાંક લાવુંજ છું. આજકાલ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા છે અને દોડવાથી થતા ફાયદા વિશે માહિતગાર થતા અનેક લોકો કસરત અને દોડમાં રુચિ ધરાવે છે. શિયાળો જ એવી ઋતુ છે, જેમાં દોડવાની મજા આવે છે. ફાસ્ટ રનિંગ કરવું જ જરૂરી નથી, સ્લો રનિંગથી પણ સ્વાસ્થ્યને ફાયદા થાય છે. દોડ લગાવવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. ઘૂંટણ, કમર સહિતની તકલીફમાંથી મુક્તિ મળે છે તથા હૃદય પણ સ્વસ્થ રહે છે. મારા ઘમા વિદ્યાર્થીઓ આર્મીમાં છેઃ ડૉ. મનીષ
ડૉ. મનીષ કે જે મણિનગર ખાતે આવેલી ખાનગી સ્કૂલના આચાર્ય છે, તેમણે જણાવ્યું હતું કે રનિંગએ મારું પેશન છે. આ મારી ત્રીજી મેરાથોન છે અને છેલ્લા બે મહિનાના ગાળામાં જ બીજી વખત મેરાથોનમાં ભાગ લઈ રહ્યો છું. આજકાલના બાળકો અને વિદ્યાર્થીઓ મોબાઇલ-કોમ્પ્યુટર ઉપર વધુ સમય પસાર કરે છે. ટેકનોલોજી આધુનિક સમયમાં ખૂબ જ જરૂરી છે, પરંતુ છેલ્લે તો ગ્રાઉન્ડ પર ઉતરવું જ પડે છે તો જ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. મારા ઘણા બધા વિદ્યાર્થીઓ આર્મીમાં છે, જેઓ મને પ્રોત્સાહિત કરે છે અને હું તેમને પ્રોત્સાહિત કરું છું. એટલે આ પ્રકારે વિવિધ દોડમાં ભાગ લેવાનો જુસ્સો બન્યો રહે છે. ‘દરરોજ 5થી 8 કિલોમીટર દોડું છું’
વધુમાં ઉમેર્યું કે, જ્યારે પણ ભાગ લેવો હોય તો તેના માટે પૂર્વ તૈયારી ખૂબ જ જરૂરી છે. તેથી દરરોજ પાંચથી દશ કિમીની દોડ લગાવું છું, જેથી મેરાથોનમાં સરળતાથી દોડી શકાય છે. સામાન્ય રીતે દરરોજ 5થી 8 કિલોમીટર દોડું છું અને શનિ-રવિમાં કે જ્યારે વધુ સમય હોય ત્યારે 10 કિમી કે તેનાથી પણ વધારે દોડવાનો પ્રયત્ન કરું છું. કારણ કે, રનિંગ એ ખૂબ જ સરળ એક્સરસાઇઝ છે. તેના માટે કોઈ પણ સાધનની જરૂર હોતી નથી, ફક્ત મનમાં ઉત્સાહ હોવો જોઈએ તો તમે દોડી જ શકો છો. હું ગીનીશ વર્લ્ડ રેકોર્ડ બનાવવા પ્રયત્ન કરૂ છુંઃ પૂજા ટીકવાની
પૂજા ટીકવાની નામની મહિલાએ જણાવ્યું હતું કે, હું પ્રોફેશનથી એક બિઝનેસ વુમન છું, પરંતુ મારું પેશન રનિંગ છે. અત્યાર સુધીમાં મેં ઘણી બધી મેરેથોનમાં ભાગ લીધો છે. આજની મેરાથોન મેં 21 કિમીની હાફ મેરેથોનમાં ભાગ લીધો હતો. તથા ખભા ઉપર 20 પાઉન્ડ વજન લઈને આ મેરાથોનમાં ભાગ લીધો છે. છેલ્લા બાર વર્ષથી દોડમાં ભાગ લઉં છું. આ મેરાથોનમાં હું ગીનીશ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે પ્રયત્ન કરી રહી છું. જો હાફ મેરેથોન ટાઈમ એટલે કે, ત્રણ કલાકમાં 21 કિમીની દોડ પૂરી કરું છું, તો ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવામાં સફળ રહીશ.