કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે ગુજરાત આવવાના છે. આવતીકાલે 13 જાન્યુઆરી સાંજે અમિત શાહ અમદાવાદ ખાતે આવશે. 14 જાન્યુઆરીના રોજ ગાંધીનગર લોકસભામાં થલતેજ, ન્યુ રાણીપ અને સાબરમતી ખાતે કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરશે. ઘાટલોડિયાના નવા પોલીસ સ્ટેશનનું પણ ખાતમુહૂર્ત અને આવાસ યોજનાના મકાનોના વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. 16મીએ વડનગરમાં અમિત શાહ હસ્તે પ્રેરણા સંકુલનું ઉદઘાટન
14થી 16 જાન્યુઆરી એમ ત્રણ દિવસ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતમાં રહેશે. 14 તારીખે સવારે થલતેજમાં કાર્યકર્તાના ત્યાં ઉત્તરાયણની ઉજવણી કરશે. ઉજવણી બાદ ઘાટલોડિયામાં પોલીસ સ્ટેશન અને આવાસના વિકાસ કાર્યોના કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે ન્યુ રાણીપ આર્ય વિલા ફ્લેટ અને સાબરમતીમાં અર્હમ ફ્લેટ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરશે. 15 તારીખે કલોલ, માણસા ખાતે સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે. 16 તારીખે વડનગરમાં પી. એમ. મોદી જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તે સ્કૂલમાં પ્રેરણા સંકુલનું ઉદઘાટન કરશે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે બે દાવેદાર મજબૂત
ભાજપના સંગઠન પર્વ અંતર્ગત ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને શહેર-જિલ્લા પ્રમુખોની નિમણૂકને લઈને છેલ્લા કેટલા દિવસથી ચર્ચાઓ અને ઉત્સુકતા જાગી છે. ત્યારે શહેર અને જિલ્લાના નવા પ્રમુખોની નિમણૂક ઉત્તરાયણનાં તહેવાર પછી જાહેર કરવામાં આવશે. 16 જાન્યુઆરી બાદ તમામ મહાનગર અને જિલ્લાના પ્રમુખો જાહેર કરવામાં આવશે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે યુવા નેતા ડો. ઋત્વિજ પટેલ અને વર્તમાન શહેર પ્રમુખ અમિત શાહ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. 16મીથી મહાનગર-જિલ્લા પ્રમુખોની જાહેરાતની શક્યતા
સૂત્રો મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે ગુજરાત આવવાના છે, ત્યારે તમામ મહાનગર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક અંગે ચર્ચા કર્યા બાદ નામોની જાહેરાત કરવામાં આવી શકે છે. 15-16 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે. ગુજરાતના શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂકની યાદી તૈયાર કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ દરમિયાન જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોના નામો અંગે ચર્ચા કરવામાં આવશે, જેમાં ચારે મહાનગરોના પ્રમુખોની ખાસ કરીને ચર્ચા થશે. 16 જાન્યુઆરીથી મહાનગર અને જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી શકે છે. વર્તમાન પ્રમુખના રિપીટ થવા પ્રયાસો
અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે 25 જેટલા દાવેદારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે. જેમાં વર્તમાન પ્રમુખ અમિત શાહ પણ પોતે ફરીથી રિપીટ થાય તેના માટે પ્રયાસો શરૂ કર્યા છે. જોકે, કેટલાક ધારાસભ્યોએ તેમના ફરીથી પ્રદેશ પ્રમુખ બનવા અંગે વિરોધ પણ કર્યો હતો. પ્રબળ દાવેદાર તરીકે પ્રદેશ યુવા મોરચામાં પ્રમુખ રહી ચૂકેલા અને સંગઠનમાં પકડ ધરાવતા યુવા નેતા ડો. ઋત્વિજ પટેલના નામની ચર્ચા ચાલી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા અને થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટ પણ દાવેદારી નોંધાવી ચૂક્યા છે, જેથી તેઓની પણ શહેર પ્રમુખ તરીકે વરણી થાય તો નવાઈ નહીં. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેર કર્યો નો ડ્રોન ફ્લાય ઝોન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે, ત્યારે તેમની સુરક્ષાના ભાગરૂપે તથા જાહેર જનતાને કોઈપણ નુકસાન ન પહોંચે તે માટે માનવ રહિત રિમોટ સંચાલિત ડ્રોન, નાના વિમાન જેવા ઉપકરણો જેવા સંશોધન અથવા એરોસ્પોટમાં ઉપયોગમાં લેવાતા સાધનોના ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને આમ જનતાની સુરક્ષાના હેતુથી પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરની હદને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જે દરમિયાન રિમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર-પેરાગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલુન તથા પેરા જમ્પીંગ જેવી પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ કરતા ઝડપાશે તો કાયદેસરની કાર્યવાહી થશે.