મોરબીની યદુનંદન ગૌશાળાના નામે સોશિયલ મીડિયા પર લક્કી ડ્રોની જાહેરાત વાયરલ થતાં ગૌશાળાના સંચાલક કાનજીભાઈ જારીયાએ લોકોને સાવધાન કર્યા છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ગૌશાળા દ્વારા કોઈ લક્કી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું નથી અને ન તો કોઈ ફંડ ફાળો એકત્રિત કરવામાં આવી રહ્યો છે. સંચાલકે વધુમાં જણાવ્યું કે યદુનંદન ગૌશાળા મકરસંક્રાંતિ જેવા તહેવારો પર પણ સ્ટોલ રાખીને દાન એકત્રિત કરતી નથી. તેમણે લોકોને આગ્રહ કર્યો છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ જાહેરાતથી સાવધાન રહે અને કોઈને પણ નાણાં ન આપે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ મોરબીમાં સિરામિક ઉદ્યોગકારો અને સ્થાનિક ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નામે નોકરીની લાલચ આપીને સોશિયલ મીડિયા મારફતે છેતરપિંડીના કિસ્સાઓ સામે આવ્યા છે. લીલાપર રોડ પર સ્થિત યદુનંદન ગૌશાળાના નામે થઈ રહેલી આ છેતરપિંડી સામે સંચાલકે વિડિયો દ્વારા લોકોને જાગૃત કર્યા છે.