વલસાડ જિલ્લામાં આ વર્ષે ઠંડીનું પ્રમાણ આંબાવાડીઓ માટે અનુકૂળ રહ્યું છે, જેના કારણે આંબાવાડીઓમાં મોરનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. જિલ્લાની 37 હજાર હેક્ટર જમીનમાં આવેલી આંબાવાડીઓમાં મબલખ પ્રમાણમાં મોર જોવા મળી રહ્યા છે, જે આ વર્ષે સારા કેરી ઉત્પાદનનો સંકેત આપે છે. વલસાડ જિલ્લા બાગાયત અધિકારી નિકુંજ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં કોઈપણ આંબાવાડીમાં રોગ કે જીવાતનું પ્રમાણ જોવા મળ્યું નથી. જો આ પરિસ્થિતિ જળવાई રહેશે તો આ વર્ષે કેરીનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થવાની આશા છે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ વાતાવરણ ખુલ્યા બાદ નિયમિતપણે આંબાવાડીઓનું નિરીક્ષણ કરતા રહે. જો કોઈપણ આંબાવાડીમાં ફૂગ કે અન્ય જીવાત જોવા મળે તો તાત્કાલિક નવસારીના કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ મુજબ જંતુનાશક દવાનો છંટકાવ કરવાનો રહેશે. સમયસર યોગ્ય પગલાં લેવાથી રોગ-જીવાત પર નિયંત્રણ મેળવી શકાશે અને સારું ઉત્પાદન મેળવી શકાશે.