સિધ્ધપુર શહેરમાં પોલીસે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરતાં ઝાંપલીપોળ વિસ્તારમાં આવેલી એક કટલરીની દુકાનમાંથી પ્રતિબંધિત ગ્લુ ટ્રેપ બોર્ડનો જથ્થો જપ્ત કર્યો છે. પાટણ એસ.ઓ.જી.ની ટીમને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. દુકાનની તપાસ દરમિયાન પોલીસને એક સફેદ બોક્સમાંથી ‘માઉસ એન્ડ રેટ ગ્લુ પ્લાસ્ટે બોર્ડ’ના 90 નંગ મળી આવ્યા હતા. એક બોર્ડની કિંમત રૂ. 100 લેખે કુલ રૂ. 9,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દુકાનના માલિક કમલેશભાઈ કાંતિલાલ મોઢ (ઉંમર 63) સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટના પાટણની એક કટલરીની દુકાનમાંથી ગ્લુ બોર્ડનો પ્રતિબંધિત જથ્થો પકડાયાના એક દિવસ બાદ બની છે. ગ્લુ ટ્રેપ બોર્ડનો ઉપયોગ ઉંદરોને પકડવા માટે થાય છે, જેમાં ઉંદરો બોર્ડ પર ચોંટી જવાથી ભૂખમરાથી મૃત્યુ પામે છે, જે જીવહિંસાનો ગુનો બને છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ સિધ્ધપુર પોલીસને સોંપવામાં આવી છે.