સુરત મહાનગરપાલિકા સંચાલિત શ્રી ચીમનલાલ હીરાલાલ રાણા પ્રાથમિક શાળા નં. 173, કાંસાનગર, ગજેરા સર્કલ ખાતે રમતોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ રમતોત્સવમાં શાળાના તમામ ધોરણના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રમતોત્સવમાં વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લીંબુ ચમચી, દેડકા કૂદ, બોલ પાસ, હર્ડલ્સ, માર્બલ પાસ, કબડ્ડી, ખો-ખો, ગોળાફેક, ચક્રફેક, લંગડી અને સંગીત ખુરશી જેવી રમતો યોજાઈ હતી. દરેક વર્ગના વિદ્યાર્થીઓ વચ્ચે સ્વસ્થ હરીફાઈનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક વિકાસ કરવાનો તેમજ તેમની બૌદ્ધિક ક્ષમતાઓને વધુ વિકસાવવાનો હતો. શાળાના શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓ સાથે રમતોમાં ભાગ લઈને કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને શાળા દ્વારા ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ રમતોત્સવે વિદ્યાર્થીઓમાં ટીમ સ્પિરિટ, સહકાર અને સ્વસ્થ સ્પર્ધાત્મકતાની ભાવના જાગૃત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.