સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં સ્થિત મેદાનમાં આજે (12 જાન્યુઆરી) ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન હેન્ડ બોલ ટુર્નામેન્ટનુ રાજ્યસભા અને લોકસભાના સાંસદના હસ્તે ઉદ્દઘાટન થયુ હતું. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગોવાની 70 યુનિવર્સિટીના 700થી વધુ ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે. ત્યારે તેના ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નેગેટિવ ઈમેજ સુધારવા માટે ટકોર કરી હતી. નવનિયુક્ત કુલપતિ ડૉ. ઉત્પલ જોશીને આવકાર્યા હતાં તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને સપોર્ટ કરવા માટેનું કહ્યું હતું. આ સાથે જ B ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફર્સ્ટ રેન્ક ઉપર એટલે કે, ફરી A ગ્રેડ મેળવે તેવા પ્રયત્નો કુલપતિ દ્વારા કરવામાં આવે અને તેમાં બંને સાંસદોનુ હંમેશા માર્ગદર્શન રહેશે તેમ જણાવ્યું હતુ. આ દરમિયાન ખેલો ઇન્ડિયામાં કવોલિફાઈ થયેલી યશ્વી ટાંકે અદભૂત યોગા નિદર્શન કર્યુ હતુ. યુનિ.ની પહેલા જેવી જ છબી પ્રસ્થાપિત થાયઃ રામ મોકરીયા
રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે નિમણૂક પામતા ડૉ. ઉત્પલ જોશીનો આજે બીજો દિવસ અને પ્રથમ ફંક્શન છે. યુનિવર્સિટીના અધિકારીઓ, કર્મચારીઓ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ નવા કુલપતિને સપોર્ટ આપે અને યુનિવર્સિટીની પહેલા જેવી જ છબી પ્રસ્થાપિત થાય. સાથે જ ટકોર કરી હતી કે, પેપરમાં જે દરરોજ વસ્તુઓ આવ્યા રાખે છે તો તેના માટે લોકલ સ્ટાફ કેરફૂલ રહે, યુનિવર્સિટીની ખોટી મેટરો ક્યાંય ન આવે. યુનિવર્સિટીની સારી ઈમેજ ક્રિએટ થાય તેના માટે સહિયારો પ્રયાસ કરવાની જરૂર છે. ઉપર જોશી આપ આવ્યા તો આપનું સ્વાગત છે અને આપ જ્યાં સુધી રહો ત્યાં સુધી અમારું સમર્થન આપને મળતું રહેશે. અન્ય કોઈ મુશ્કેલીઓ હોય તો આજુબાજુના મિત્રો પાસેથી જાણી લેજો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફર્સ્ટ રેન્કમાં લઈ જાવ તેવી આપને શુભેચ્છા. ખેલાડીઓને તકલીફ પડે તો તુરંત જાણ કરેઃ કુલપતિ
બાદમાં કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ પણ કહ્યુ કે, રાજયસભાના સાંસદ મારી નિમણૂક થયાના પ્રથમ કાર્યક્રમમાં આવ્યા છે તો તેઓ વારંવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવે અને અમને માર્ગદર્શન આપે તે માટે આવકારીએ છીએ. સાથે જ બહારગામથી આવતા ખેલાડીઓને ભોજન કે રહેવામાં કોઈ તકલીફ પડે તો તુરંત જાણ કરે, જેથી તેઓની મુશ્કેલી દૂર કરવામાં આવશે. સ્વામી વિવેકાનંદ સ્લોગનનુ ખેલાડીઓ અનુકરણ કરેઃ રૂપાલા
જ્યારે લોકસભાના સાંસદ પરશોતમ રૂપાલાએ જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હેન્ડ બોલની ઝોનલ ઇવેન્ટ યોજાઈ રહી છે તે આવકારદાયક છે. મકરસંક્રાંતિનું પર્વ ચાલી રહ્યું છે, ત્યારે સમગ્ર દેશનું આકાશ રંગબેરંગી થઈ જશે. સ્વામી વિવેકાનંદની આજે જન્મજયંતી છે, ત્યારે દરેક ખેલાડીઓ તેમનાં સ્લોગનનુ અનુકરણ કરે. તમામ ખેલાડીઓને સારું પ્રદર્શન કરવા માટેની શુભેચ્છા અને પાંચ રાજ્યોના ખેલાડીઓની આવ્યા છે, ત્યારે અન્ય રાજ્યોમાંથી આવતા સ્પર્ધકો સમય મળે તો અહીંના પાર્કમાં સિંહ જોવા માટે થઈ શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમાના પણ દર્શન કરી શકે છે. હું પોતે હેન્ડ બોલનો નેશનલ પ્લેયર રહી ચૂક્યો છુંઃ ડૉ. હરીશ રાબા
ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 20 વર્ષ બાદ ઇન્ટર યુનિવર્સિટીની સ્પર્ધા યોજાઈ રહી છે. ગુજરાતમાં 25 વર્ષ બાદ હેન્ડ બોલની ઇન્ટર યુનિવર્સિટી ભાઈઓની સ્પર્ધા યોજવામાં આવી છે, જે 12થી 16 જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં 70 યુનિવર્સિટીની 70 ટીમના ખેલાડીઓ અહીં આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યા છે. હું પોતે હેન્ડ બોલનો નેશનલ પ્લેયર રહી ચૂક્યો છું. ત્યારે હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડ બોલની ટીમમાં 16માંથી 12 ખેલાડીઓ નેશનલ પ્લેયર છે, જ્યારે 8 ખેલાડીઓ નેશનલ મેડાલિસ્ટ છે. તમામ ટીમ સારી હોવાથી સ્પર્ધા અઘરી રહેશેઃ કેપ્ટન
આ સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડ બોલ ટીમના કેપ્ટન અનંત જૈને જણાવ્યું હતું કે, ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સારું પરર્ફોર્મન્સ રહે તે માટેના પ્રયાસો કરવામાં આવશે. હું બીજી વખત હેન્ડબોલની ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો છું. હું નેશનલ અને સિનિયર નેશનલ હેન્ડબોલની ટુર્નામેન્ટ રમી ચૂક્યો છું. ભાવેશ રાબાએ કેમ્પમાં અમને ટ્રેનિંગ આપેલી છે. ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં ક્વોલિફાય કરવાની સાથે વર્લ્ડ યુનિવર્સિટીમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ રમે તેવા પ્રયાસો છે. જોકે, તમામ ટીમ સારી હોવાથી સ્પર્ધા અઘરી રહેશે.