વડોદરાની વિશ્વ વિખ્યાત MS યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. જેમાં યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં હિન્દી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની દ્વારા તેના જ વિભાગના એસોસિએટ પ્રોફેસર સામે જાતીય સતામણીની ફરિયાદ કરાતાં ગતરોજ (11 જાન્યુઆરી) આ અધ્યાપકને સસ્પેન્ડ કર્યા હતાં. આ ઉપરાંત વિદ્યાર્થીનીની અન્ય એક મિત્ર વિદ્યાર્થિનીને પણ પ્રોફેસરે મેન્ટલી ટૉર્ચર કરી હતી, જેથી આ મામલે પ્રોફેસર સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાઈ છે. જેમાં વિદ્યાર્થીનીએ જણાવ્યું છે કે, પ્રોફેસરે મને મેન્ટલી ટોર્ચર કરી હતી અને મારો ઘર સુધી પીછો કર્યો હતો અને પોતાના પર્સનલ રૂમમાં પણ બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ફરિયાદ બાદ આરોપી પ્રોફેસરની પોલીસે આજે (12 જાન્યુઆરી) ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રોફેસરે વિદ્યાર્થિનીને મુસ્લિમ ધર્મ અપનાવું પણ પ્રલોભન આપ્યું
વડોદરાની MS યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીની વિદ્યાર્થિની દ્વારા યુનિવર્સિટી તથા આર્ટસ ફેકલ્ટીના વુમન્સ ગ્રીવન્સ રીડ્રેશલ સેલમાં એસોસિએટ પ્રોફેસર ડો. મોહમ્મદ અઝહર ઢેરીવાલા સામે જાતીય સતામણીની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદની ગંભીરતાના આધારે કમિટી બેસાડવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, હાલ આ વિવાદિત એસોસિએટ પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તેની ઓફિસ પણ સીલ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થિનીને પરીક્ષામાં પાસ કરાવી દેવા અને વિદ્યાર્થિનીને મુસ્લિમ ધર્મ અપનાવી લેવા પણ પ્રલોભન આપ્યું હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. આ ઉપરાંત આ વિદ્યાર્થિનીની મિત્ર વિદ્યાર્થિનીને પણ પ્રોફેસરે મેંટલી ટોર્ચર કરી હતી. આ મામલે વિદ્યાર્થિનીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થિનીની ફરિયાદ બાદ આરોપીની ધરપકડઃ ACP
આ મામલે એસીપી ડી. જે. ચાવડાએ જણાવ્યું હતું કે, 11 જાન્યુઆરીના રોજ સાંજે 7:00 વાગ્યાના અરસામાં એમ. એસ. યુનિવર્સિટીમાં હિન્દીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આવી હતી. આ વિદ્યાર્થિનીએ હિન્દીના પ્રોફેસર વિરુદ્ધ હેરાન-પરેશાન કરતા હોવાની અને ધમકી આપી પીછો કરતા હોવા બાબતે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ બાબતે તપાસ શરૂ કરવામાં આવી અને પુરાવા મળતા પ્રોફેસર આરોપી અઝહર ઢેરીવાલાની ધરપકડ કરી છે. આરોપી પ્રોફેસર છેલ્લા 23 વર્ષથી એમ. એસ. યુનિવર્સિટીમાં હિન્દી વિષયના પ્રોફેસર છે. ‘પ્રોફેસરે વિદ્યાર્થિનીનો ઘર સુધી પીછો કર્યો હતો’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થિની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવા આવી હતી, તેની એક મહિલા મિત્રએ પ્રોફેસર અઝહર ઢેરીવાલા વિરુદ્ધ વુમન ગ્રીવન્સ સેલમાં પોતાની સાથે જાતિય સતામણી વિશે અરજી આપી હતી. દરમિયાન યુનિવર્સિટીની ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર અઝહર ઢેરીવાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ ઇન્ટર્નલ ઇન્કવાયરીને લઈને પોલીસ ફરિયાદ કરનાર વિદ્યાર્થિનીને પ્રોફેસરે કહ્યું હતું કે, તારી બહેનપણી મારી સાથે કેમ વાત કરતી નથી? આ સાથે ધમકી આપતો હતો. જેને લઈને પ્રોફેસરે વિદ્યાર્થિનીના ઘર સુધી પીછો કરી કર્યો હતો અને વિદ્યાર્થિનીને પોતાના પર્સનલ રૂમમાં પણ બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ ઉમેર્યું હતું કે, આ મામલે સયાજી પોલીસ સ્ટેશનમાં BNSની કલમ, 78, 352 અને 351 (2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.