ગુજરાત લો સોસાયટી સંચાલિત HA કોલેજ ઓફ કોમર્સમાં 12મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે એક મહત્વપૂર્ણ વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા મિતુલ ડબગરે સ્વામી વિવેકાનંદના જીવન અને કવન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. મિતુલ ડબગરે યુવાનોને પ્રેરણાદાયી સંબોધન કરતાં જણાવ્યું કે, યુવાવસ્થામાં જ જીવનનું લક્ષ્ય નક્કી કરી તેને પ્રાપ્ત કરવા સખત મહેનત કરવી જોઈએ. કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે સ્વામી વિવેકાનંદના કાર્યો અને જીવનની મહત્તા સમજાવી હતી. તેમણે જણાવ્યું કે સ્વામીજીએ નાની ઉંમરે જ સમગ્ર ભારતનું ભ્રમણ કરી રાષ્ટ્રીય ચેતના જગાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. કાર્યક્રમમાં વિશેષ રૂપે સ્વામી વિવેકાનંદનું પુસ્તક વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રા. મહેશ સોનારાએ કર્યું હતું. તેમણે સ્વામીજીના વિચારોને આધુનિક સંદર્ભમાં સમજાવ્યા હતા અને યુવાનોને રાષ્ટ્રની ઉન્નતિ માટે કાર્ય કરવા પ્રેરિત કર્યા હતા.