દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેક ઈટ ઈઝી… કોણ બનશે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ?
પ્રદેશ ભાજપ દ્વારા પ્રમુખોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે અને કમુરતા ઉતરતા જ મકરસંક્રાતિ પછીના દિવસે પ્રમુખની યાદી જાહેર કરવામાં આવનાર છે. ત્યારે રાજકોટ શહેરના પ્રમુખ માટે અસંતુષ્ઠ જૂથ દ્વારા વર્તમાન પ્રમુખ વિરુધ્ધ નારાજગી નિરીક્ષકો સમક્ષ રજૂ કરવામાં આવી છે અને જૂના જોગીને પ્રમુખની જવાબદારી આપવા રજૂઆત કરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેર ભાજપના વર્તુળોમાં ચર્ચા મુજબ રાજકોટના નવા પ્રમુખમાં હાલ બે નામ ચર્ચામાં આગળ છે જેમાં વર્તમાન પ્રમુખ તરીકે રિપીટ થિયરી અપનાવવામાં આવ તો મુકેશ દોશીને ફરી જવાબદારી આપવામાં આપી શકે છે. જયારે નિરીક્ષકો સમક્ષ કરાયેલ રજૂઆત પ્રદેશ કક્ષાએ પહોંચાડવામાં આવી હોય તો નો રિપીટ થિયરી સાથે કશ્યપ શુકલા પ્રમુખ રેસમાં આગળ ચાલી રહ્યા છે. જો કે હવે પ્રદેશ મવડી મંડળ દ્વારા કોના પર પ્રમુખનો કળશ ઢોળવામાં આવશે તે જોવું મહત્વનું રહેશે. AMC કમિશનરના આદેશને ઘોળીને પી જતા અધિકારી-કર્મચારીઓ!
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સાહેબને હવે આજકાલ અધિકારીઓ અને કર્મચારીઓ ગાંઠતા નથી. કમિશનર દ્વારા રોડ રસ્તા, ગટર, પાણી, લાઈટ અને સફાઈ સહિતના મુદ્દે અધિકારીઓનો ઉધડો લે છે અને કામગીરી કરવા માટે કડકાઇ પૂર્વક સૂચના આપે છે છતાં પણ હવે અધિકારીઓ સાહેબના આદેશોને ઘોળીને પી જતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કેટલાક અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરની બાબતને ગંભીરતાથી લેવા માંગતા નથી જેની પાછળની ચર્ચા એવી જાગી છે કે સાહેબ વધારેમાં વધારે શું કરી લેશે નોટીસ આપી ઇન્ક્રીમેન્ટ કાપી નાખશે. બે થી ત્રણ ઇન્ક્રીમેન્ટ સુધીની સજા પણ કેટલાકને મળી ચૂકી છે. શહેરમાં અનેક જગ્યાએ રોડ રસ્તા અને સફાઈ મુદ્દે કામગીરી જોવા મળતી નથી ત્યારે કમિશનર અધિકારીઓને કામગીરી માટે સૂચના આપે છે પરંતુ કેટલાક અધિકારીઓ હવે કોઈપણ IAS હોય પોતાની જ મનસુબીથી કામગીરી કરતા હોય તેવી ચર્ચા જાગી છે. અમદાવાદના 8 વોર્ડના ભાજપ પ્રમુખોની વરણી લટકી
ભાજપનું નવું સંગઠન બની રહ્યું છે જેમાં બુથ પ્રમુખોથી લઈને વોર્ડ પ્રમુખોની નિમણૂક થઈ ચૂકી છે. અમદાવાદના 8 વોર્ડના પ્રમુખો અંગેની હજી જાહેરાત ન કરવામાં આવતા ભાજપના કાર્યકર્તાઓથી લઈ જૂના અને નવા નીમાયેલા હોદ્દેદારોમાં પણ ભારે ચર્ચાનો વિષય છે. તમામ 48 વોર્ડની જગ્યાએ માત્ર 40 વોર્ડમાં જ બોર્ડ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આઠ જેટલા વોર્ડ જેમાં ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો પોતાના જ માણસો જે વોર્ડ પ્રમુખ બનવા માટેના નક્કી કરેલા ક્રાઇટ એરિયામાં નથી બેસતા છતાં પણ તેમને મૂકવા છે તેવી ચર્ચા જાગી છે. ભાજપમાં કાર્યકર્તાને જ મહત્વ આપવામાં આવે છે એવી મોટી મોટી વાતો ભાજપના નેતાઓ કરતા હોય છે પરંતુ 8 વોર્ડમાં નિમણૂક ન થઈ હોવાથી ભાજપમાં પણ હવે કાર્યકર્તાઓ જ નહીં પરંતુ નેતાઓની જ ચાલે છે એવી ચર્ચા કાર્યકર્તાઓમાં થઈ રહી છે. પ્રદેશ ભાજપમાં હોદો મેળવવા માટે યુવા નેતાની દોડધામ
ભાજપમાં નવા સંગઠનની પ્રક્રિયા ચાલી રહી છે. નવા હોદ્દેદારોની નિમણૂક થઈ રહી છે. જેની વચ્ચે એક યુવા નેતાએ પ્રદેશમાં હોદ્દેદાર બનવા માટે પોતાનું લોબિંગ શરૂ કર્યું છે. યુવા મોરચામાં રહી ચૂકેલા અને પ્રદેશમાં જ હોદ્દો ધરાવતા આ યુવા નેતા હવે પ્રદેશમાં મોટો હોદ્દો મેળવવા માટે દિલ્હીના નેતાઓ સુધી પોતાની રજૂઆત કરી રહ્યા છે. પ્રદેશમાં યુવા મોરચાના પ્રમુખ બનવા માટે અનેક કાર્યકર્તા તેમજ નેતાઓ અત્યારે મથામણ કરી રહ્યા છે. ભૂતકાળમાં યુવા નેતા તેમના સાથી હોદ્દેદારની સાથે પણ વિવાદમાં આવી ચૂક્યા છે. ત્યારે હવે આ નેતાએ પ્રદેશમાં ઊંચો હોદ્દો મેળવવા નેતાઓની શરણે દોડ્યા છે. એક તરફ ઓલિમ્પિકની તૈયારી, બીજી તરફ શાળામાં ગ્રાઉન્ડનો જ અભાવ!
ગુજરાત સરકાર દાવો કરે છે કે, આ વર્ષે ખેલ મહાકુંભમાં 70 લાખથી વધુ રજીસ્ટ્રેશન થયાં છે. પરંતુ બાળકો પ્રેક્ટિસ કરી શકે તેવા મેદાનો પ્રાથમિક કે માધ્યમિક શાળા પાસે રહ્યાં નથી. માત્ર મેદાન જ નહીં રમત-ગમતના સાધનો અને પુરતાં પીટી ટીચર પણ નથી. રાજ્ય સરકાર ઓલિમ્પિક 2036ની તૈયારી કરી રહી છે તેવા સમયે હકીકત એ છે કે, રાજકોટમાં મોટાભાગની શાળા પાસે રમતના મેદાન જ નથી. 2018માં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ઠરાવ કર્યો હતો કે, ગ્રામીણ કે શહેરી વિસ્તારમાં કોઈપણ નવી શાળા બને તો રમતના મેદાનની જોગવાઈ વિના તેને મંજૂરી આપવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે આ ઠરાવમાં રમતના મેદાનની જરૂરિયાત શહેરી વિસ્તારમાં 1200 ચોરસમીટરથી ઘટાડીને 800 ચોરસમીટર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 2000 ચોરસમીટરથી ઘટાડીને 1500 ચોરસમીટર કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનરની ભરતી માટે પરીક્ષા તો લીધી પરિણામ તો જાહેર કરો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી જેની પરીક્ષા લેવાઈ ચૂકી છે જો કે ત્રણ મહિના બાદ પણ હજી સુધી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. હવે માત્ર ઇન્ટરવ્યૂ લેવાના બાકી છે ત્યારે પરીક્ષાના પરિણામ જાહેર ન કરવામાં આવતા ઉમેદવારોમાં પણ ભારે નારાજગી ફેલાઈ છે. એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોની અવારનવાર બદલીઓ કરવામાં આવે છે ત્યારે હવે 3 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરવાની છે જે ભરતી પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક જાતે કરીને મોડું કરવામાં આવી રહ્યું હોય તેવી આશંકા ઉમેદવારો વ્યક્ત કરી રહ્યા છે. AMCમાં ભાજપના નેતાઓના ‘વહીવટ’ની ચર્ચા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના નેતાઓના વહીવટ અંગેની ચર્ચા હાલ ખૂબ જોરશોરથી ચાલી રહી છે. કોર્પોરેશનમાં કેટલાક કામો માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે. જેમાં કોન્ટ્રાક્ટરોએ કેટલાંક હિસ્સાનો વહીવટ કરવો પડતો હોય છે. જે વહીવટના મુખિયા એક નેતા બની ગયા હોવાની ચર્ચા છે. જેમાં કોર્પોરેશનનો રાજકીય વહીવટ આખો આ નેતાજી સંભાળે છે. વિકાસના કામો કરવા માટે કરોડો રૂપિયાનું જે બજેટ ફાળવવામાં આવે છે તેમાં કોન્ટ્રાક્ટર કોણ હશે તે નક્કી કરવા માટે હોદ્દેદાર સમગ્ર વહીવટ કરે છે અને ત્યારબાદ તે અંગેનું ફોલોઅપ પણ અલગ હોદ્દેદાર દ્વારા કરવામાં આવે છે. ડાયરીઓમાં પણ આ વહીવટની નોંધ થતી હોવા અંગેની ચર્ચા જાગી છે.