દેશભરમાં ભાજપનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે. ગુજરાત સહિતના અલગ અલગ રાજ્યોમાં પણ સર્વસંમતિથી સંગઠનની ચૂંટણી યોજાઈ રહી છે. બુથ અને મંડળ સ્તરની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે શહેર અને જિલ્લા પ્રમુખોની વરણી પર સૌ કોઈની નજર છે. શહેર-જિલ્લા પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો હોવાથી પાર્ટી માટે પસંદગી થોડી મુશ્કેલ બની છે. ગુજરાતને અડીને જ આવેલા સંઘપ્રદેશમાં ભાજપે સંગઠનના હોદેદારોના નામની જાહેરાત કરી દેતા હવે ગુજરાતમાં પણ 15 તારીખ પહેલા નામો જાહેર થઈ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે અનેક જિલ્લાઓમાં દાવેદારો સિવાય કોઈ અન્યની પેરાશૂટ એન્ટ્રી થવાની પણ શક્યતાઓ છે. શહેર-જિલ્લા પ્રમુખોના નામનો ઈંતજાર
ગુજરાતમાં બુથ અને મંડળ સ્તરની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. હવે શહેર અને જિલ્લાના સંગઠનના માળખાની રચના થવાની છે. પ્રમુખ પદની ચૂંટણી માટે 4 જાન્યુઆરીએ જ ભાજપે મોકલેલા નિરીક્ષકોની ઉપસ્થિતિમાં અલગ અલગ જિલ્લામાં દાવેદારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયાને 8 દિવસનો સમય વિતી ચૂક્યો છે. આગામી બે ત્રણ દિવસમાં જ જિલ્લા અને શહેરના પ્રમુખોના નામની જાહેરાત પણ કરી દેવામાં આવે તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. શહેર-જિલ્લાના સંગઠન બાદ પ્રદેશ પ્રમુખની નિમણૂક થશે
ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓમાં શહેર જિલ્લાના સંગઠનમાં કોને સ્થાન મળે છે તેની સાથે સાથે પ્રદેશ માળખામાં પણ કોને સ્થાન મળે છે તે નામને લઈ ઈંતજાર છે. જો કે, પ્રદેશ માળખાની રચના શહેર અને જિલ્લામાં મોટાભાગના પ્રમુખોની વરણી થયા બાદ જ થશે. એટલે કે, શહેર-જિલ્લાના પ્રમુખોની જાહેરાત જેટલી મોડી થશે તેટલું જ મોડું પ્રદેશ માળખાની જાહેરાતમાં થઈ શકે છે. વડોદરા સહિત અને જિલ્લામાં હોદા માટે ખેચતાણ
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શહેર-જિલ્લા ભાજપ પ્રમુખના હોદાનું મહત્વ વધ્યું હોય આ વખતે આ હોદો મેળવવા માટે નેતાઓમાં પડાપડી જોવા મળી છે. એક હોદા માટે દાવેદારોની સંખ્યા વધતા વડોદરા સહિત અનેક જિલ્લામાં પાર્ટીમાં આંતરિક ખેંચતાણ પણ જોવા મળી રહી છે.
અનુભવ પણ જોઈએ, સિનિયોરિટી પણ જોઈએ. દાવેદારો સિવાયના નામની પણ જાહેરાત થઈ શકે
ભાજપ દ્વારા લોકશાહી પદ્ધતિથી સંગઠનની ચૂંટણી માટે દાવેદારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. વડોદરાના ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જે તે સમયે કહ્યું હતું કે, પાર્ટી, સંકલન સમિતિ અને પાર્લામેન્ટ્રી બોર્ડને સંપૂર્ણ અધિકાર છે કે, દાવેદાર સિવાયનું નામ પણ આવી શકે છે. એટલે કે, શહેર-જિલ્લામાં જે વરણી થવાની છે તેમાં કેટલાકની પેરાશૂટ એન્ટ્રી પણ થઈ શકે છે. સંઘપ્રદેશના પ્રમુખોના નામની જાહેરાત કરી
ભાજપ દ્વારા ગુજરાતને અડીને આવેલા સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના પ્રમુખોની જાહેરાત કરી દીધી છે. દમણ ભાજપના પ્રમુખ તરીકે ભરત પટેલ અને દાદરા નગર હવેલીના પ્રમુખ તરીકે શાંતુભાઈ પૂજારીની વરણી કરવામાં આવી છે.