રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સેવાનાં નામે સરકારી જગ્યામાં બે સંસ્થાએ કબજો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સીતારામ ગૌ સેવા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને માનવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સેવાકર્યો કરવા માટે કોરોના સમયથી મસમોટા શેડ બનાવવામાં આવ્યા છે. સિવિલ અધિક્ષક દ્વારા 2021થી જગ્યા ખાલી કરવા સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરાયો હતો. પરંતુ કબજો ખાલી નહીં થતા આ અંગે કલેક્ટર, મ્યુ. કમિશનર અને પોલીસ કમિશનરને પણ પત્ર લખી જાણ કરવામાં આવી હતી. જોકે, આ છતાં આજદિન સુધી આ સંસ્થાઓની સામે કોઈ કાર્યવાહી થઈ નથી. સિવિલ તંત્રનાં જણાવ્યા મુજબ, આ અંગેની રજૂઆતો કરવામાં આવી છે અને બંને સંસ્થાને નોટિસ પણ આપવામાં આવી છે. એક ટ્રસ્ટે તો પાકું બાંધકામ કરી શેડ બનાવ્યો
પ્રાપ્ત વિગત મુજબ, કોરોનાકાળનાં કટોકટીના સમયમાં સીતારામ ગૌ સેવા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર્દીઓ માટે જમવા અને સેવાકીય પવૃતિ શરૂ કરવામાં આવી હતી. બાદમાં હોસ્પિટલ કેમ્પસમાં આવેલા બગીચાની અંદરના ભાગે સરકારી તંત્રની કોઈપણ પરવાનગી વગર શેડ ઊભા કરી જમીન પર અનઅધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું. આવી જ રીતે છેલ્લા 6 વર્ષથી વધુ સમયથી કે.ટી.સી.એચ. બાળકોની હોસ્પિટલના સામેના ભાગમાં માનવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પાકું બાંધકામ કરી શેડ બનાવવામાં આવ્યો છે. 2021માં નોટિસ ફટકારી છતાં જગ્યા પર કબજો યથાવત
એટલું જ નહીં, આ બન્ને ટ્રસ્ટ દ્વારા સેવાના નામે સરકારી હોસ્પિટલની જગ્યામાં ગેરકાયદે કબજો કરી લેવામાં આવ્યો છે. તેમાં ટ્રસ્ટના કાર્યકરો દ્વારા જમીનનો ઉપયોગ સેવામાં કરવામાં આવતો નથી. હોસ્પિટલમાં દર્દીઓને જમવાનુ આપવામાં આવે છે તે ટ્રસ્ટ બહારથી બનાવીને લાવે છે અને વિતરણ પણ જગ્યાની બહાર કરવામાં આવે છે. ત્યારે આ બન્ને ટ્રસ્ટની જગ્યા ખાલી કરાવવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા વર્ષ 2021માં નોટિસ ફટકારવામાં આવી હતી. હોસ્પિટલની જગ્યા ખાલી કરવા માટે તંત્રએ તા.30 ઓક્ટોબર, 2021 અને 3 નવેમ્બર, 2021નાં રોજ મહાપાલિકા, પોલીસ કમિશમર અને કલેક્ટર તંત્ર (પ્રાંત અધિકારી)ને જણાવ્યું હતું. સિવિલમાં આવતા દર્દીઓના સગાઓ બહાર રહેવા મજબૂર
આ બંને ટ્રસ્ટનાં દબાણને કારણે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીના સગાઓને ભારે મુશ્કેલી પડી રહી છે. દર્દીની સાથે આવનાર સગાઓને કડકડતી ઠંડી અને ચોમાસામા રોડ ઉપર સૂવુ પડે છે. આ માટે ટ્રસ્ટ પાસે જગ્યા પરત આપવા માંગ કરવામાં આવી છે, પરંતુ ટ્રસ્ટીઓ કબજો ખાલી કરતા નથી. જેને લઈને સિવિલ તંત્રએ પણ માત્ર રજૂઆતો કરીને સંતોષ માની લીધો છે અને આ જગ્યા ખાલી કરાવવા કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવ્યા નથી. જોકે, હવે ફરી આ જગ્યાને ખાલી કરાવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ટૂંક સમયમાં જગ્યા ખાલી કરાવાશેઃ મહેન્દ્ર ચાવડા
રાજકોટ સિવિલ હોસ્પિટલનાં એકાઉન્ટ ઓફિસર મહેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું કે, ધાર્મિક સંસ્થાઓ દ્વારા હોસ્પિટલમાં કરવામાં આવેલા એક દબાણવાળી જગ્યા ઉપર નવા બિલ્ડિંગનો પ્લાન મંજૂર થઈ ગયો છે, આથી નજીકના સમયમાં આ જગ્યા ખાલી કરાવવામાં આવશે. જ્યારે બીજી જગ્યા ખાલી કરવા અંગે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બંને સંસ્થાઓ પાસેથી જગ્યાને ખાલી કરાવવા માટે મ્યુ. કમિશનર, પોલીસ કમિશનર અને કલેક્ટર તંત્રને પણ જાણ કરી દેવામાં આવી છે. ત્યારે ટૂંક સમયમાં આ જગ્યા ખાલી કરાવવામાં આવશે. એટલું જ નહીં લાંબા સમયથી ટેન્ડર પ્રક્રિયા થઈ નહીં હોવાથી આ હોસ્પિટલમાં આવેલ મેડિકલ સ્ટોર પણ હટાવવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજકીય આગેવાનો ટ્રસ્ટી હોવાથી તંત્ર મુજવણમાં
ઉલ્લેખનીય છે કે, સિવિલ તંત્ર દ્વારા લાંબા સમયથી આ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરવાનાં પગલાં લેવાઈ રહ્યા છે. તેમજ 2021થી ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી રહી છે. જોકે આ ટ્રસ્ટમાં રાજકીય આગેવાનો ટ્રસ્ટી હોવાથી હોસ્પિટલ તંત્ર પણ મુંજવણમાં મુકાયું છે. તેના કારણે હોસ્પિટલ તંત્ર જગ્યા ખાલી કરાવી શક્યું નથી. જોકે હવે ફરી આ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે સિવિલ તંત્ર આ જગ્યા ક્યારે અને કેમ ખાલી કરાવશે તે જોવું રહ્યું.