back to top
Homeગુજરાત'જેટલું બાળકનું વજન એટલાં કિલો બોર':નડિયાદના સંતરામ મંદિરે હજારો મણ બોર ઊછળ્યાં,...

‘જેટલું બાળકનું વજન એટલાં કિલો બોર’:નડિયાદના સંતરામ મંદિરે હજારો મણ બોર ઊછળ્યાં, બોબડું બાળક બોલતું થઇ જતું હોવાની માન્યતા

નડિયાદના સંતરામ મંદિરે પોષ સુદ પૂનમનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ દિવસે પ્રસાદીરૂપ બોરની બોલબાલા રહે છે. ભાવિક ભક્તો દ્વારા ગુજરાતના ઠેકઠેકાણેથી નડિયાદ સંતરામ મંદિર ખાતે આવી બોરની ઉછામણી કરે છે. પોતાનું બાળક બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તો એ માટે અનેક શ્રદ્ધાળુઓ માનતા રાખે છે અને આ પૂનમે બોરની મંદિરના પ્રાંગણમાં ઉછામણી કરે છે. આજે વર્ષોની પરંપરા મુજબ બોરની ઉછામણી કરવા ભાવિકો રાજ્યના ખુણે ખુણેથી આવી રહ્યા છે. બાળકના વજન જેટલા બોર ઉછાળે છે
આસ્થાના સ્થાન સમા સંતરામ મંદિર નડિયાદ ‘જન સેવા એ જ પ્રભુ સેવા’ સુખને ચરિતાર્થ કરતી અને હિન્દુવૈદિક સોડલ સંસ્કારના સોળેસોળ સંસ્કાર થકી સમાજના દરેક સ્તર અને ધર્મ-સંપ્રદાયના લોકોની સેવા માટે આખાય ગુજરાતમાં પંકાયેલ છે. સંતરામ મહારાજ અને ગુરુ પરંપરાના મહંતો દ્વારા તપના તેજથી તપેલી ભૂમિ એટલે નડિયાદ સ્થિત આવેલું સંતરામ મંદિર છે. અહીંયા પોષી પૂનમનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જેનું પણ બાળક જન્મ પછી બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તો તેનાં માતા-પિતા કે સ્વજન, સંતરામ જ્યોતની બાધા રાખે છે. મારું બાળક બોલતું થશે તો હું સંતરામ મહારાજના સમાધિ સ્થાન એટલે કે સંતરામ મંદિરના પટાગણમાં સવા કિલોથી લઈ પોતાની શક્તિ અને શ્રદ્ધા પ્રમાણે (પોતાના બાળકના વજન જેટલા) બોર ઉછાળીશ અને ભક્તો ઉછાળેલા બોરને પ્રસાદ તરીકે સ્વીકારે છે. સંતરામ મંદિરે ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું
રાજ્યનાં અનેક શહેરો અને ગામડાં તથા દેશનાં અન્ય રાજ્યોમાંથી અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે પોતાના બાળક માટે રાખેલી બાધા પૂરી કરવા નડિયાદ સંતરામ મંદિર ખાતે આવે છે. આ દિવસે શ્રદ્ધા અને ભક્તિનું ઘોડાપૂર જોવા મળે છે. બાળક બિલકુલ બોલતું ના હોય, તોતડું બોલતું હોય તો તે સરસ રીતે સ્પષ્ટ રીતે બોલતું થાય એની બાધા પૂરી કરવા માટેનો આ વિશેષ દિવસ છે. મંદિરમાં પોષ સુદ પૂનમે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે, જેને કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે. શહેરના મુખ્ય માર્ગો ટ્રાફિકજામનાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. સંતરામ રોડ, પારસ સર્કલ સહિત જૂના બસ મથક પાસે ટ્રાફિકજામનાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. તો મંદિર બહાર જાણે મેળો ભરાયો એમ બોરની રેકડીઓથી લઈને પાથરણાંવાળાએ કબજો કર્યો છે. ભક્તો માટે પાર્કિંગની વિશેષ સુવિધા
બહાર ગામથી આવતા ભક્તો માટે મંદિરની આસપાસ 6 સ્થળોએ વિશેષ પાર્કિંગની સુવિધા ઊભી કરાઈ છે. શ્રધ્ધાળુઓને ક્યાં પણ તકલીફ ન પડે તે માટે સંતરામ નાની શાક માર્કેટ મેદાન, વિઠ્ઠલ કન્યા વિદ્યાલય મેદાન, વી કે વી રોડ, સંતરામ લેબોરેટરી પાછળનું મેદાન, બસ સ્ટેન્ડ પાસેનું મેદાન, સી.જે. ગ્રાઉન્ડ, શિતલ સિનેમા પાસે, ઇપકોવાળા મેદાન હોલ, પારસ સર્કલ નજીક આમ કુલ 6 સ્થળોએ વાહન પાર્કિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. હું છેક લંડનથી બોર ઉછાળવા આવી છું: NRI ભક્ત
લંડનથી આવેલા જયબાલાબેને જણાવ્યું કે, હું આજે અહીંયા સ્પેશિયલ લંડનથી આવી છું, મારા ગ્રાન્ડ ડોટરના બોરા ઉછારવા માટે. અહીંયા આ મંદિરનો મહિમા છે કે નાના બાળકો સ્પષ્ટ બોલે તેથી આજે બોર ઉછામણી કરી છે. અમદાવાદથી પોતાની બાળકની માનતા માટે આવેલા રૂષાગભાઈ શાહે જણાવ્યું કે, આ દિવસનો આજે અનેરો મહિમા છે. વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે જેથી દેવ દિવાળી જેવો માહોલ આજે જોવા મળ્યો છે અમે અમારા બાળક માટે અહીંયા બોરની ઉછામણી કરી ધન્યતા અનુભવી છે. વડોદરાથી આવેલા પ્રિયંકા પટેલે જણાવ્યું કે, દર વર્ષે અમે અહીયા આવીએ છીએ, ભગવાનની કૃપા છે અહીંયા દેશ પરદેશથી હજારોની સંખ્યામાં ભાવિકભક્તો આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments