કેશોદ તાલુકાના પંચાળા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં તાંત્રિક વિધિના નામે એક મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. પોલીસે આરોપી રણજીત પરમારની ધરપકડ કરી છે. ઘટના મુજબ, પીડિત મહિલાએ પોતાના ઘરમાં સુખ-શાંતિ અને આર્થિક સમૃદ્ધિ માટે તાંત્રિક વિધિ કરાવવાનું નક્કી કર્યું હતું. ગત શુક્રવારે રાત્રે આરોપી રણજીત પરમાર મહિલાના ઘરે વિધિ કરવાના બહાને આવ્યો હતો. ત્યારબાદ તેણે ઘરનો દરવાજો બંધ કરી, મહિલાને થપ્પડો મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું. પીડિત મહિલાએ આ ઘટના અંગે પોતાના જેઠાણી અને પતિને જાણ કરી, જેમણે તેને હિંમત આપી. ત્યારબાદ મહિલાએ પ્રથમ કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી અને પછી કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે. કેશોદ પોલીસે આરોપી રણજીત પરમાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે અને તાંત્રિક વિધિના નામે થતી છેતરપિંડી સામે સાવધાન રહેવા લોકોમાં જાગૃતિ ફેલાઈ છે.