back to top
Homeગુજરાતઅમરેલી લેટરકાંડની તપાસ SMCને સોંપાઈ:સમગ્ર કેસની સાથે અત્યાર સુધીની તપાસની પણ તપાસ...

અમરેલી લેટરકાંડની તપાસ SMCને સોંપાઈ:સમગ્ર કેસની સાથે અત્યાર સુધીની તપાસની પણ તપાસ નિર્લિપ્ત રાય કરશે, સુરતમાં ધરણાં કરે તે પહેલાં ધાનાણી-દૂધાતની અટકાયત

અમરેલીના લેટરકાંડનો મામલો હવે સુરત સુધી પહોંચ્યો છે. રાજકીય અને સામાજિક આંદોલનના કેન્દ્રમાં રહેલા માનગઢ ચોકમાં પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ રાજ્યભરમાં ચકચાર જગાવનારા આ લેટરકાંડની તપાસ હવે SMCના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી દેવામાં આવી છે. એક તરફ અમરેલી લેટરકાંડ મામલે રાજનીતિ ગરમાઈ છે તો બીજી તરફ પોલીસ પણ હવે એકશનમાં જોવા મળી રહી છે. અમરેલી એસપી દ્વારા રવિવારે જ એલસીબીના ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ અંગે SMCના વડા નિર્લિપ્ત રાયે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલ જે પણ મુદ્દો ચાલી રહ્યો છે તેના કાગળો જોવામાં આવશે. જે તપાસ થઈ છે તે તમામ મુદ્દાની ફરીથી તપાસ કરવામાં આવશે. સ્થળ તપાસ પણ કરવામાં આવશે. માનગઢ ચોક ખાતે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત
કોંગ્રેસે આજે (13 જાન્યુઆરી) માનગઢ ચોક ખાતે અમરેલીમાં ભોગ બનનારી યુવતીને ન્યાય અપાવવા માટે ધરણાંની જાહેરાત કરી હતી. સુરત પોલીસે ધરણાં માટે મંજૂરી આપી ન હતી, એને લઇને પરેશ ધાનાણીએ કહ્યું હતું કે અમે ગમે ત્યારે ધરણાં પર આવીને બેસી જઈશું, જેના પરિણામે ગઈકાલથી જ વરાછા પોલીસ સહિત અન્ય પોલીસ સ્ટેશનની પોલીસ માનગઢ ચોક ખાતે ગોઠવી દેવામાં આવી હતી. ત્યાર બાદ આજે વહેલી સવારથી જ પોલીસ ખૂબ મોટા પ્રમાણમાં માનગઢ ચોક ખાતે ખડકી દેવામાં આવી હતી. 10 વાગ્યે પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિતના કોંગ્રેસના નેતાઓ માનગઢ ચોક ખાતે આવીને સરદાર પ્રતિમાને ફુલહાર કરીને ધરણાં કરવાના શરૂ કરે એ પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. નીચે બેસીને ધરણાં શરૂ કરે એ પહેલાં અટકાયત
કોંગ્રેસનેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે અમરેલીમાં દીકરીને ભોગ બનવું પડ્યું છે, ત્યારે અમે તેના ન્યાય માટે લડત લડી રહ્યા છીએ. આઝાદી આંદોલનો થકી જ આવી છે, છતાં પણ પોલીસ આંદોલન કે વિરોધપ્રદર્શન કરવા દેતી નથી. માનગઢ ચોક ખાતે અમે પરમિશન માંગી હતી, પરંતુ પોલીસે અમને પરમિશન આપી ન હતી. ખરેખર તો આ પ્રકારનાં ધરણાં અને આંદોલન માટે કોઈ પરમિશન લેવાની જોગવાઈ નથી. માનગઢ ચોક ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. અમે શાંતિથી ધરણાં કરવા માગતા હતા. માનગઢ ચોક સામાજિક અને રાજકીય આંદોલનોનું સાક્ષી રહ્યું છે, ત્યારે અમે દીકરીને ન્યાય અપાવવા માટે અહીં ધરણાં કરવા માટે આવી રહ્યા હતા. અમને ધરણાં કરવાની પરમિશન નહીં મળે તો અમે વરાછા પોલીસ સ્ટેશનમાં જ ધરણાં શરૂ કરી દઈશું. માનગઢ ચોકમાં આજે સવારથી રાજકીય ગરમાવો
અમરેલી ખાતે પરેશ ધાનાણીએ લેટરકાંડમાં ભોગ બનનાર યુવતીને ન્યાય અપાવવા માટે ધરણાનો કાર્યક્રમ કર્યો હતો. પરંતુ તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. ત્યારબાદ તેમણે દીકરીને ન્યાય આપવા માટે સુરત શહેરનો માનગઢ ચોકની પસંદગી કરી છે. સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે તેમણે માનગઢ ચોક ખાતે સરદાર પ્રતિમાના શરણે આવી પોતાનો અવાજ દીકરીના સમર્થનમાં ઉઠાવ્યો છે. કોંગ્રેસ નેતા અને પાટીદાર અગ્રણી પરેશ ધાનાણી સુરતના માનગઢ ચોકની મહત્વતા ખૂબ સારી રીતે સમજે છે. ગુજરાતના ઇતિહાસમાં માનગઢ ચોક સામાજિક અને રાજકીય આંદોલનોનું સાક્ષી રહ્યું છે. ખાસ કરીને પાટીદાર અનામત આંદોલનની શરૂઆત માનગઢ ચોકને માનવામાં આવે છે. સુરતના માનગઢ ચોકમાં ઉઠાવેલા અવાજ રાજ્યના તમામ પાટીદારો સુધી પહોંચે છે. ખાસ કરીને સુરતની રાજકીય સ્થિતિ અને સામાજિક પ્રશ્નોની ચર્ચા સમગ્ર સૌરાષ્ટ્રમાં થતી હોય છે. પરેશ ધાનાણીએ માનગઢ ચોકની ધારણા માટે પસંદગી કરીને સમગ્ર રાજ્યના સામાજિક અને રાજકીય રીતે જોડાયેલા પાટીદાર અગ્રણીઓ સુધી અવાજ પહોંચાડી દીધો છે. લોકશાહીમાં અવાજ દબાવવાનો હિન પ્રયાસ
પાટીદાર અગ્રણી અને કોંગ્રેસ નેતા સુરેશ સુહાગીયાએ જણાવ્યું હતું કે, અમરેલી ખાતે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીને ધરણા કરવા દેવામાં આવ્યા ન હતા એવી જ રીતે સુરતના માનગઢ ચોક ખાતે પણ ધરણા કરતા રોકી દેવામાં આવ્યા છે. લોકશાહીમાં કોઈપણ વ્યક્તિ પોતાનો અવાજ ઉઠાવી શકે છે. પરંતુ આ સરકારના ઈશારે પોલીસ દ્વારા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત સહિતના કાર્યકર્તાઓની અટકાયત કરી દીધી છે. જે એક પ્રકારે સામાજીક આંદોલન કચડી દેવાનો હિન પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ રીતે ધરણા કરવા માટે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યા હોવા છતાં પણ તેમને કોઈ પણ પ્રકારનો સહકાર ન આપ્યો અને આજે માનગઢ ચોક પર પહોંચતાની સાથે જ અમારા નેતાઓની અટકાયત કરી લેવામાં આવી છે જે ખરેખર યોગ્ય નથી. પરેશ ધાનાણીએ રાજ્યના પાટીદારો સુધી અને સરકાર સુધી અમરેલીની દીકરીના સન્માન માટે આંદોલનની શરૂઆત કરી છે. મીનીબજાર માનગઢ ચોક એમ મીની સૌરાષ્ટ્ર કહેવામાં આવે છે ત્યારે અહીં રાજકીય આંદોલનની શરૂઆત પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી છે. ‘જેનો વરઘોડો કાઢવો જોઈએ એની સાથે ફોટા પડાવે’
કોંગ્રેસ નેતા દર્શન નાયકે જણાવ્યું કે, આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે સામાજિક મુદ્દાઓને પણ સરકાર લોકો સમક્ષ મૂકવા દેતી નથી. ખરેખર જે લોકો જમીન માફિયા છે, બુટલેગર છે, કૌભાંડીઓ છે તેમના સરઘસ કાઢવાને બદલે હાલ એવા લોકો સાથે ફોટા પડાવવામાં આવે છે અને અમરેલીની નિર્દોષ દીકરીના સરઘસ કાઢવામાં આવે છે. આ કોઈ એક પાટીદારની દીકરી નથી પરંતુ આ દરેક સમાજની દીકરી છે. આવા લોકોને ઓળખી લેવાની જરૂર છે અને આવી લડતમાં સહકાર આપવાની જરૂરિયાત છે. રવિવારે રાત્રે જ અમરેલી એલસીબીના ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા
મોડીરાત્રે જિલ્લા પોલીસવડા સંજય ખરાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા હતા. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરિયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મૂળિયાસિયા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ હિના મેવાડાનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીથી જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે અને આગામી સમયમાં વધુ અધિકારીઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે. પરેશ ધાનાણીએ મોરચો માંડ્યો હતો
આ સમગ્ર પ્રકરણની શરૂઆત પંદરેક દિવસ પહેલાં થઈ હતી, જ્યારે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે એક બનાવટી લેટર વાઇરલ થયો હતો. આ લેટરમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. મામલો ગંભીર બનતા પોલીસે પાયલ ગોટી સહિત ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી. આ દરમિયાન, આરોપી પાયલ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો હોવાના આક્ષેપો બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો. એસપીએ SIT ટીમની રચના કરી તપાસ શરૂ કરી હતી. કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ આ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો અને રાજકમલ ચોકમાં 48 કલાક સુધી ધરણાં યોજ્યાં હતાં અને શનિવારે(11 જાન્યુઆરી) અમરેલી બંધનું એલાન આપ્યું હતું. અમરેલી બંધને પ્રતિસાદ નહોતો મળ્યો
કોંગ્રેસનેતા પરેશ ધાનાણીએ આપેલા અમરેલી બંધના એલાનને વહેલી સવારે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. જે વિસ્તારમાં ધાનાણીએ ધરણાં કર્યાં હતા એ વિસ્તારમાં મોટા ભાગની દુકાનો બંધ જોવા મળી હતી. જોકે બાદમાં દુકાનો ખૂલી ગઇ હતી. જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાં તમામ દુકાનો ખુલ્લી જોવા મળી હતી. શું છે સમગ્ર મામલો?
થોડા દિવસ પહેલાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે બનાવટી લેટર બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો, જેમાં કૌશિક વેકરિયાને બદનામ કરવા કેટલાક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એમાં 4 આરોપીમાં એક પાયલ ગોટીનો પણ સમાવેશ થયો હતો અને જેલવાસ પૂર્ણ કર્યા બાદ 5 જાન્યુઆરીએ પ્રેસ યોજી કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા. એ મામલે હવે રાજકારણ ગરમાયું છે. કોણ છે નિર્લિપ્ત રાય
નિર્લિપ્ત રાય 2010માં IPS બન્યા પહેલા ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ (IRS)ના અધિકારી હતા. તે દિલ્હી યૂનિવર્સિટીમાં પ્રોફેસર હતા. પોલીસ સેવામાં જોડાયા પછી તેમનો પ્રોબેશન પીરિયડ હિંમતનગર રહ્યો હતો. નિર્લિપ્ત રાયનું પ્રોબેશન પીરિયડ પૂર્ણ થતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે મુકવામાં આવ્યા હતા, જ્યા તેમણે એક વર્ષ પછી બઢતી મળી હતી અને નાયબ પોલીસ કમિશનર તરીકે અમદાવાદ ઝોન-7માં મુકવામાં આવ્યા હતા. આ દરમિયાન નિર્લિપ્ત રાયની અનેક વખત બદલી કરવામાં આવી ચૂકી છે. ત્યાર બાદ નિર્લિપ્ત રાયનો ડીસીપી તરીકેનો કાર્યકાળ લાંબો ચાલ્યો નહતો અને તેમને અમદાવાદથી સુરત ડીએસપી તરીકે મુકવામાં આવ્યા હતા. તે બાદ નિર્લિપ્ત રાયને ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ડીએસપી તરીકે મુકવામાં આવ્યા હતા. હાલ નિર્લિપ્ત રાય SMCના ડીઆઈજી છે. પાયલ ગોટીએ કેવા આક્ષેપ કર્યા હતા?
પાયલ ગોટીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે શુક્રવારે હું નોકરીથી છૂટીને આવી સૂઈ ગઇ પછી આગળનો દરવાજો ખખડાવ્યો. મારા પિતા ઊઠીને બહાર આવ્યા, બે લેડીઝ અને ત્રણ જેન્ટ્સ પોલીસ હતી અને મને ઉઠાડવાનું કહ્યું. સવારે મૂકી જઈશું એમ કરી મને પોલીસ સ્ટેશન લઈ ગયાં હતાં. કોઈને હું ઓળખતી નથી, જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા આવ્યાં હતાં. મારા પિતાનું શું થાય? હું જેલમાં હતી. મારાં મમ્મી-પપ્પાને સાચવવા આવ્યાં હતાં અને મેં ગુનો કર્યો જ નથી. જેનીબેન મારાં મમ્મી-પપ્પાને આશ્વાસન આપવા અને સાચવવા આવ્યાં હતાં અને હવે મારા ભવિષ્ય માટે ન્યાય મળે એ માટે મુખ્યમંત્રી અને ધારાસભ્ય કૌશિક વેકરિયાને વિનંતી કે ન્યાય અપાવે. મારી જે ઈજ્જત અને મારી આબરૂનો જે વરઘોડો કાઢ્યો છે, પોલીસે મને માર માર્યો છે. મને રાજકારણમાં કોઈ રસ નથી. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો… આ પણ વાંચો: ‘નારી સ્વાભિમાન આંદોલન’ વધુ 24 કલાકનાં ધરણાં:ધાનાણીના મેડિકલ ચેકઅપમાં રિપોર્ટ નોર્મલ આ પણ વાંચો: વેકરિયા મંચ પર ન પહોંચતાં ધાનાણી તાડૂક્યા- ભાજપના કાર્યકર્તાનો પત્ર અને મુદ્દા સાચા આ પણ વાંચો: અમરેલી લેટરકાંડમાં સરકાર બચાવમાં, પોલીસે પોતાની સામે કોઈ ફરિયાદ ન હોવાનું પાયલ ગોટીના નામે કોર્ટમાં લેખિતમાં આપ્યું આ પણ વાંચો: ‘કૌરવ કુળના અહંકારી લોકોએ ભરબજારમાં કુંવારી કન્યાનો વરઘોડો કાઢ્યો’ આ પણ વાંચો: દીકરીને જોયાજાણ્યા વગર ગુનેગાર બનાવી ભાજપના આગેવાને પોતાનો અહમ્ સંતોષ્યો આ પણ વાંચો: વિધાનસભાના નાયબ દંડક વિરુદ્ધના કાવતરાનું એપીસેન્ટર ટ્રેડ સેન્ટર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments