બેટ દ્વારકા અને ઓખા વિસ્તારમાં ચાલી રહેલા મોટા પાયે ડિમોલેશન અભિયાનનો આજે ત્રીજો દિવસ છે. સત્તાવાળાઓએ આ કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં કુલ 36,400 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરી છે, જેની અંદાજિત કિંમત 15 કરોડથી વધુ થાય છે. આ અભિયાન અંતર્ગત ઓખા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા બે ધાર્મિક સ્થળોને પણ તોડી પાડવામાં આવ્યા છે. ઓખા વિસ્તારમાં સરકારી જગ્યા પર બનાવવામાં આવેલ હજરત પંજપીર દરગાહ તોડી પાડવામાં આવેલ છે. જેને ત્રણ નોટિસ આપવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સત્તાવાળાઓએ જણાવ્યું કે, આ અભિયાન હેઠળ કોઈપણ પ્રકારના ભેદભાવ વિના તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. બેટ દ્વારકામાં સતત ત્રણ દિવસથી મેગા ડિમોલેશન
આ સાથે તંત્રએ બેટ દ્વારકા રહેણાંક વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા કાચા-પાકા મકાનો પર બુલડોઝર ફેરવી તોડી પાડ્યા હતા. બેટ દ્વારકામાં સતત ત્રણ દિવસથી મેગા ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. ત્યારે દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન પોલીસ કાફલો પણ તંત્રની સાથે રહ્યો હતો. બીજા દિવસે 111 બાંધકામ તોડી, 24,400 સ્ક્વેર મીટર જગ્યા ખુલ્લી કરી
બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં કુલ 450 જેટલા આસામીને નોટિસો આપવામાં આવી હતી. જેમાંથી અત્યાર સુધીમાં 111 બાંધકામ તોડી 24,400 સ્ક્વેર મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. જેમાં રેવન્યૂ સર્વે નંબર 108 પરના સરકારી જમીન પરનાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. જેની અંદાજે કિંમત 13.12 કરોડ થાય છે. ઉલ્લેખનીય છે કે, આ ડિમોલિશનની કામગીરી શનિવારે સવારથી શરૂ કરવામાં આવી હતી. ડેપ્યુટી કલેક્ટર તેમજ જિલ્લા પોલીસવડાની હાજરીમાં એક SP, ત્રણ DySpના માર્ગદર્શનમાં 1000 જેટલા પોલીસ અને SRPના જવાનો ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી, જે હજુ પણ યથાવત્ છે. બેટ દ્વારકા વિસ્તારમાં ત્રીજા દિવસે પણ ડિમોલિશનનો ધમધમાટ
દ્વારકા પંથકમાં શનિવારથી શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશનમાં રવિવારે પણ તંત્રએ દબાણ હટાવ ઝુંબેશ જારી રાખી હતી. સવારથી બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં તંત્ર દ્વારા અનઅધિકૃત અતિક્રમણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. સવારથી બપોર સુધીમાં દ્વારકાના રેવન્યુ તંત્ર તેમજ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં આશરે રૂપિયા બે કરોડ જેટલી કિંમતના 30 જેટલાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. રવિવારે વધુ 30 જેટલાં દબાણ ધ્વસ્ત થયાં
ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા દ્વારકા તેમજ બેટ દ્વારકામાં વધી ગયેલા અનઅધિકૃત બાંધકામ પર દ્વારકા રેવન્યુ તંત્રએ લાલ આંખ કરી અને આયોજનબદ્ધ રીતે કરેલી કાર્યવાહીના અંતે શનિવારે અનિવાર્ય જણાતા વધુ એક વખત બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. દ્વારકાના પ્રાંત અધિકારી આઈ.એ.એસ. અમોલ આવટે તથા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની ટીમ દ્વારા કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને તે અંગેની પૂરી તકેદારી સાથે શનિવારે જુદા જુદા રહેણાક વિસ્તારના ગેરકાયદેસર બાંધકામને હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. બે દિવસમાં રૂ. 13.12 કરોડની જગ્યા ખુલ્લી કરાઈ
જેમાં પ્રથમ દિવસે રૂ. 6.72 કરોડની કિંમતની 12,500 ચોરસ મીટર ગૌચર સહિતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. અનેક દબાણકર્તા આસામીઓને તેઓના દબાણ અંગેની નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે ગઈકાલે અધૂરી રહેલી કામગીરી આજરોજ રવિવારે સવારથી પુનઃ આદરવામાં આવી હતી. જેમાં પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રેવન્યુ તંત્રએ બાલાપર વિસ્તારમાં જ ડિમોલિશન અંગેની કામગીરી કરી હતી. જાહેર કરવામાં આવેલી વિગત મુજબ આજે વધુ રહેણાક દબાણોને ખુલ્લાં કરવામાં આવ્યાં છે. જેમાં અંદાજિત 3800 ચોરસ મીટર જમીન પરનાં બાંધકામો હટાવાયાં છે. આ જગ્યાની કુલ બજાર કિંમત બે કરોડથી વધુ આંકવામાં આવે છે. યાત્રાળુઓની અવરજવર મહદંશે બંધ
બેટ દ્વારકા વિસ્તારમાં તંત્રની કામગીરીમાં કોઈ અડચણ ન થાય તે માટે સમગ્ર પંથકને જાણે કોર્ડન કરી દેવામાં આવ્યો હોય તેમ બહારથી યાત્રાળુઓની અવરજવર મહદંશે બંધ થઈ ગઈ છે. આટલું જ નહીં, અહીં કોઈ તોફાની તત્ત્વો માથું ન ઊંચકે અને કાયદાનો અહેસાસ થાય તે માટે પોલીસની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં વાહનોના કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. અનઅધિકૃત મકાનોમાં વીજ કનેક્શન કેવી રીતે? : ચર્ચાતો સવાલ
બેટ દ્વારકા પંથકમાં અનેક લોકોએ “સબ ભૂમિ ગોપાલ કી” સમજીને સરકારી જગ્યા પચાવી લીધી છે. એટલું જ નહીં, અહીં વિશાળ મકાનો પણ બની ચૂક્યાં છે, ત્યારે મૂળ પાયાનો સવાલ એ થાય છે કે, આવડાં મોટાં મકાનોમાં દબાણકર્તાઓએ વીજ કનેક્શનનો લીધા કયા મુદ્દે..? જો અહીં પૂરતી તકેદારી રાખીને વીજ જોડાણ આપવામાં આવ્યા હોત તો આવાં બાંધકામ થાય તે પૂર્વે જ કાર્યવાહી કરી હોય તો આટલા મોટાપાયે દબાણ ન થાય તે મુદ્દો પણ સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યો છે. આ ઝુંબેશ હજુ પણ જારી રહેશે
હાલ બેટ દ્વારકામાં ઓપરેશન ડિમોલિશનનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અને બે દિવસના આ સમયગાળામાં કુલ રૂપિયા તેર કરોડ બાર લાખ બોતેર હજારની કિંમતની 24,400 ચોરસ મીટર જગ્યા પરનાં 111 દબાણો દૂર કરવામાં આવ્યાં છે. અનેક પાકાં મકાનો ખંઢેર બની ચૂક્યાં છે. આ તમામ કામગીરીના ડ્રોન વીડિયો પણ સામે આવ્યા છે. ત્યારે આ ઝુંબેશ હજુ પણ જારી રહેશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. દબાણો દૂર કરવાની કામગીરી પુનઃ શરૂ
યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા વિસ્તારમાં રહેલાં વ્યાપક દબાણ અંગે કરવામાં આવેલા સરવે તેમજ જરૂરી કાનૂની પ્રક્રિયા બાદ આજથી બેટ-બાલાપર વિસ્તારમાં આ પ્રકારનાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી આજથી પુનઃ શરૂ કરવામાં આવી હતી. જેમાં આજ સુધીમાં 110 જેટલાં રહેણાક મકાન અને અન્ય એક સ્થળ તોડી પાડી 24.400 ક્ષેત્રફળ જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની કુલ બજાર કિંમત 13,12,72,000 જેટલી આંકવામાં આવી છે, તે ખુલ્લી કરવામાં આવી છે. આ ઝુંબેશ હજુ આગામી દિવસોમાં પણ જારી રહેશે. ઉલ્લેખનીય છે કે, આજે સવારથી બપોર સુધીમાં દ્વારકાના રેવન્યુ તંત્ર તેમજ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં આશરે રૂપિયા બે કરોડ જેટલી કિંમતનાં 30 જેટલાં દબાણ દૂર કરવામાં આવ્યાં હતાં. નોટિસ આપવા સહિતની કાયદેસરની કાર્યવાહી બાદ કામગીરી શરૂ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ અનઅધિકૃત રીતે સરકારી જમીન પર કરવામાં આવેલા અતિક્રમણ સંદર્ભે જિલ્લા પ્રશાસન દ્વારા જરૂરી સરવે તેમજ નોટિસ આપવા સહિતની કાયદેસરની કાર્યવાહી બાદ આ અંગેની મુદત પૂર્ણ થયે દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લા પોલીસ પ્રશાસનને સાથે રાખીને આ પંથકમાં કરાયેલા રહેણાક તેમજ કોમર્શિયલ વિસ્તારની સરકારી જગ્યાને ખુલ્લી કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયને સાથે રાખી અને દબાણ દૂર કરવા માટેની તૈયારીઓ આદરવામાં આવી હતી. 450 જેટલા આસામીને નોટિસ ફટકારી
તાજેતરમાં દ્વારકાને બેટ દ્વારકાના જુદા જુદા વિસ્તારોમાં કરાયેલા આ પ્રકારના દબાણ અંગે આશરે 450 જેટલા આસામીને નોટિસ ફટકારી અને પોતાનાં દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવા જણાવાયું હતું અને અંતે ગઈકાલે પોલીસ અધિક્ષક અને દ્વારકા પ્રાંત અધિકારી દ્વારા અહીં દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવા માટેનો તખ્તો ઘડવામાં આવ્યો હતો. દરિયાઈ પેટ્રોલિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત
ગઇકાલ સવારથી શરૂ કરાયેલા ઓપરેશન ડિમોલિશનમાં ઓખા મંડળના બેટ દ્વારકા નજીકના બાલાપર ખાતે આશરે 250 જેટલા આસામીઓને અપાયેલી નોટિસો બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પૂર્વે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની રૂબરૂ ઉપસ્થિતિમાં જિલ્લાના દ્વારકા અને ખંભાળિયાના બંને ડીવાયએસપી સાગર રાઠોડ અને હાર્દિક પ્રજાપતિ સાથે એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ જિલ્લાભરનો પોલીસકાફલો પી.આઈ., પી.એસ.આઈ. ઉપરાંત એસ.આર.પી. અને મહિલા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આશરે 1000 જેટલા સુરક્ષાકર્મીઓને ડિમોલિશનના સ્થળે તૈનાત કરવામાં આવી દીધા હતા. આટલું જ નહીં, દરિયાઈ પેટ્રોલિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત રખાઈ હતી. દબાણકર્તા તત્ત્વોમાં ભય સાથે દોડધામ
ડિમોલિશનના સ્થળને પોલીસે કોર્ડન કરી અને અહીં ચકલું પણ ન ફરકે તેવી સજ્જડ વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી. ત્યારે દ્વારકા, બેટ દ્વારકા વિસ્તારમાં કાલથી શરૂ થયેલા ડિમોલિશનના વધુ એક રાઉન્ડે દબાણકર્તા તત્ત્વોમાં ભય સાથે દોડધામ પ્રસરાવી દીધી હતી. કોરિડોર પ્રોજેક્ટ તેમજ વિકાસ કાર્યોને ધ્યાનમાં લઈને હાથ ધરાયું ડિમોલિશન: એસ.ડી.એમ
દેવભૂમિ દ્વારકામાં સરકાર દ્વારા હાલ કોરિડોર પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને દ્વારકા તેમજ બેટ દ્વારકામાં ચાલતા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટને ધ્યાનમાં લઈને આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા છેલ્લા 15 દિવસમાં આશરે 250 જેટલી નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. તાજેતરમાં દ્વારકાના લાઈટ હાઉસ વિસ્તારમાંથી આશરે રૂપિયા દોઢ કરોડની કિંમતની 150 સ્ક્વેર મીટર જમીન તેમજ દ્વારકાના મેઈન રોડ વિસ્તારમાં રૂપિયા પાંચ કરોડ જેટલી કિંમતના 500 સ્ક્વેર મીટર તેમજ હાથી ગેટ વિસ્તારમાં પણ 200 સ્ક્વેર મીટર ગેરકાયદેસર દબાણો દૂર કરી, આજથી બાલાપર બેટ દ્વારકા વિસ્તારમાં ઓપરેશન ડિમોલિશન હાથ કરવામાં આવ્યું છે. ગૌચરની જમીન પર ખડકી દેવામાં આવેલાં રહેણાક મકાનો ધ્વસ્ત
તંત્ર દ્વારા અહીં કરવામાં આવેલા સરવેમાં ગૌચરની જમીન પર ખડકી દેવામાં આવેલાં રહેણાક મકાનોને આજ રોજ ધ્વસ્ત કરવામાં આવ્યાં છે. આ પૂર્વે સ્થાનિક તંત્ર દ્વારા સમયાંતરે નોટિસો તેમજ ગત તારીખ 8 તથા 9 ના રોજ જન સુનાવણી કરી અને અરજદારોના ડોક્યુમેન્ટ વેરિફાઇ કરવા અંગેની ધોરણસર કાર્યવાહી કરાઈ હતી. જેમાં અત્યાર સુધીમાં 111 જેટલાં ગેરકાયદેસર દબાણોને તોડી પાડવામાં આવ્યાં છે. કરોડો રૂપિયાની બજાર કિંમત ધરાવતી જગ્યાને ખુલ્લી કરવામાં આવી હોવાનું પ્રાંત અધિકારી અમોલ આવટેએ જણાવ્યું હતું. બેટ દ્વારકા વિસ્તારમાં તંત્રના ઓપરેશન ડિમોલિશનમાં પોલીસનો કડક બંદોબસ્ત: એસ.પી. પાંડેય
આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણપણે સાવચેતી તેમજ સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે. આ દબાણ હટાવ ઝુંબેશમાં પોલીસ તંત્ર સાથે રેવન્યુ તંત્ર, પી.જી.વી.સી.એલ. તેમજ સ્થાનિક નગરપાલિકાનો સ્ટાફ પણ જોડાયો છે. તેમજ દબાણ હટાવ ઝુંબેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે એસઆરપી એમ. ટી.એફ.ના જવાનોને સ્ટેન્ડ ટુ રાખ્યામાં આવ્યા છે. દરિયાઈ વિસ્તારમાં કોઈ ઇસ્યુ ન થાય તે માટે દરિયાઈ પેટ્રોલિંગ તેમજ ડ્રોન પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે, તેમ પોલીસવડા દ્વારા વધુમાં જણાવાયું છે. સાડા ત્રણ લાખ ફૂટ જગ્યા પરનું દબાણ હટાવાયું
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ઓક્ટોબર 2022 માસમાં બેટ દ્વારકા વિસ્તારમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં કોમર્શિયલ તેમજ અન્ય મળી કુલ 262 દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. જેમાં રૂ. 7.59 કરોડની કિંમતની આશરે સાડા ત્રણ લાખ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.