સુરત મહાનગરપાલિકાએ ઉત્તરાયણ પર્વના ખાસ દિવસો માટે શહેરની BRTS અને સિટી બસ સેવામાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. પતંગ ઉડાડવા અને પતંગ પકડવા માટે જનતા દ્વારા ખાસ કરીને BRTS કોરીડોરમાં પ્રવેશ થવાથી અકસ્માતોની સંભાવના જોતા પાલિકાએ આ નિર્ણય લીધો છે. ઉત્તરાયણ પર્વની 14 જાન્યુઆરીએ શહેરની સમગ્ર BRTS બસ સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. જ્યારે સિટી બસ સેવામાં 30 ટકા શિડ્યૂલ સાથે બસો દોડાવવામાં આવશે. ઉત્તરાયણના બીજા દિવસે એટલે કે 15 જાન્યુઆરીએ BRTS સેવા 30 ટકા શિડ્યૂલ સાથે ચાલુ રહેશે, જ્યારે સિટી બસ સેવામાં 50 ટકા શિડ્યૂલ રાખવામાં આવ્યો છે. જાહેર પરિવહનનું વર્તમાન દૈનિક પ્રભાવ અને ઉપયોગ
સુરત મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી BRTS અને સિટી બસ સેવાઓ દેશના સૌથી લાંબા 108 કિમીના ડેડિકેટેડ BRTS કોરીડોર પર 13 રૂટ અને 359 BRTS બસો સાથે કાર્યરત છે. સાથે જ 45 રૂટ પર 357 સિટી બસો દોડાવવામાં આવે છે. કુલ 452 કિમી રૂટ પર ફરતી આ બસ સેવાઓનો રોજેરોજ 2 લાખથી વધુ મુસાફરો દ્વારા ઉપયોગ થાય છે. જાહેર સુરક્ષાને પ્રાધાન્ય
ઉત્તરાયણ દરમિયાન લોકો દ્વારા પતંગ ચગાવવા અથવા પકડવા માટે BRTS કોરીડોરમાં પ્રવેશ કરવાથી અકસ્માત થવાની સંભાવનાઓ વધી જાય છે. જાહેર સુરક્ષા અને મુસાફરોની સુખાકારી માટે આ ફેરફારો અમલમાં મુકવામાં આવ્યા છે. પાલિકા તરફ થી જાણવામાં આવ્યું છે કે શહેરીજનોને વિનંતી છે કે તેઓ આ ફેરફારોની નોંધ લઈ પોતાના યાત્રા આયોજનમાં ફેરફાર કરે. મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન અને સુરક્ષા માટે આ અગત્યના પગલાં ભરવામાં આવ્યા છે.