વલસાડ શહેરમાં ઉતરાયણની પૂર્વસંધ્યાએ સ્ટેડિયમ રોડ પર પતંગ બજારમાં ભારે ભીડ જામી હતી. આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગત વર્ષની સરખામણીમાં દોરીના ભાવમાં પ્રતિ રિલ 100 રૂપિયા સુધીનો અને પતંગના ભાવમાં એક કોડી દીઠ 20થી 30 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. પતંગ નિર્માણમાં વપરાતા કાચા માલ જેવા કે પેપર, વાંસની સળી તેમજ મજૂરી ખર્ચમાં થયેલા વધારાને કારણે પતંગના ભાવમાં વધારો થયો છે. જો કે, ભાવ વધારા છતાં પતંગ રસિકોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી નથી. સ્ટેડિયમ રોડ પર ભરાયેલા પતંગ બજારમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ભારે ભીડને કારણે સ્ટેડિયમ રોડ ઉપરાંત બેચર રોડ અને ધરમપુર રોડ પર પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ચાઈનીઝ દોરી પર મૂકેલા પ્રતિબંધને કારણે વલસાડના કોઈપણ વેપારીએ ચાઈનીઝ દોરી કે ટુક્કલનું વેચાણ કર્યું નથી. છેલ્લા કેટલાક વર્ષોથી વલસાડમાં ઉતરાયણની પૂર્વરાત્રિએ જ પતંગ રસિકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડે છે.