ગુજરાતમાં 98 ટકા સ્કૂલો કમ્પ્યુટરની સુવિધા સાથેની છે, જે પૈકી 96 ટકા સ્કૂલોમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય માટે તેનો ઉપયોગ થાય છે. રાજ્યમાં 97 ટકા સરકારી સ્કૂલોમાં કમ્પ્યુટરની ઉપલબ્ધતા છે જ્યારે તેનું પ્રમાણ ગ્રાન્ટેડમાં 98 ટકા, પ્રાઈવેટમાં 93 ટકા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના UDISE+ 2023-24 રિપોર્ટ મુજબ, દેશમાં 57 ટકા સ્કૂલો એવી છે જ્યાં કમ્પ્યુટરની સુવિધા છે. પરંતુ તેમાંથી માત્ર 51 ટકામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય માટે તેનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટરની ઉપલબ્ધતા મામલે મોટા રાજ્યોમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. પહેલા ક્રમે કેરળ (99 ટકા) અને બીજા ક્રમે પંજાબ (97 ટકા) સાથે છે. નોંધનીય છે કે, ગુજરાતમાં 94 ટકા સ્કૂલો ઈન્ટરનેટની સુવિધા સાથેની છે.
રાજ્યની સ્કૂલોમાં 5 વર્ષમાં કોમ્પ્યુટરની સુવિધામાં 23 ટકાનો વધારો ગુજરાતમાં વર્ષ 2019-20માં માત્ર 75.36 ટકા સ્કૂલોમાં કોમ્પ્યુટરની સુવિધા હતી જે પૈકી 74 ટકામાં વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ હતી. 2020-21માં 93 ટકા સ્કૂલોમાં સુવિધા સામટે 93 ટકા ઉપલબ્ધતા હતી. 2021-22માં 98 ટકા સુવિધા સામે 98 ટકા ઉપલબ્ધતા હતી. 2022-23માં 97.5 ટકા સુવિધા સામે 96 ટકા ઉપલબ્ધતા હતી. જ્યારે 2023-24માં 98 ટકા સુવિધા સામે ઉપલબ્ધતા 96 ટકા જોવા મળી છે.
ગુજરાતની 94 ટકા સ્કૂલોમાં ઈન્ટરનેટ ફેસિલિટી રાજ્યમાં 2023-24માં કુલ 53626 સ્કૂલો પૈકી 50351 સ્કૂલો (93.9 ટકા)માં ઈન્ટરનેટ ફેસિલિટી છે. આ પૈકી 34597 સરકારી સ્કૂલોમાંથી 33009 સ્કૂલો (95.4 ટકા), 5535 ગ્રાન્ટેડ સ્કૂલોમાંથી 4671 (95.4 ટકા) અને 13490 પ્રાઈવેટ સ્કૂલોમાંથી 12667 સ્કૂલો (93.9 ટકા) ઈન્ટરનેટની ફેસિલિટી સાથેની છે. નોંધનીય છે કે, 2019-20માં રાજ્યની માત્ર 71 ટકા સ્કૂલો ઈન્ટરનેટની સુવિધાવાળી સાથેની હતી.
બિહાર, પશ્ચિમ બંગાળમાં સ્થિતિ સૌથી ખરાબ 2023-24માં વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટરની ઉપલબ્ધતા ધરાવતી સ્કૂલોનું સૌથી ઓછું પ્રમાણ મોટા રાજ્યોમાં બિહારમાં માત્ર 18 ટકા છે. પશ્ચિમ બંગાળમાં 21.8 ટકા, ઉત્તર પ્રદેશમાં 34 ટકા, ઝારખંડમાં 43 ટકા અને રાજસ્થાનમાં 46 ટકા એવી સ્કૂલો છે જ્યાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર પર જાતે બેસીને શીખવાની તક મળે છે.