ઓસ્કર 2025 નોમિનેશન્સ 17 જાન્યુઆરીએ જાહેર થવાનું હતું, જો કે, હવે તે કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગને કારણે મુલતવી રાખવામાં આવ્યું છે. જંગલમાં લાગેલી આગને કારણે હજારો ઘરો બળીને રાખ થઈ ગયા છે, જેમાં હોલિવૂડના ઘણા સેલેબ્સના ઘરોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયાના અહેવાલ છે. ઓસ્કાર નોમિનેશનની તારીખ બદલવા ઉપરાંત નોમિનીની લંચ સેરેમની પણ રદ્દ કરવામાં આવી છે. વોટિંગની તારીખ પણ લંબાવવામાં આવી છે. જોકે, હજુ સુધી લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં 3 માર્ચે યોજાનાર એવોર્ડ સમારોહમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે સોમવારે ઓસ્કર 2025 નોમિનેશનની જાહેરાત મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. ઓસ્કરની સત્તાવાર વેબસાઇટ અનુસાર, એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સના સીઇઓ બિલ ક્રેમર અને સેક્રેટરી જેનેટ યાંગે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, જંગલમાં લાગેલી આગથી આપણે બધા પ્રભાવિત થયા છીએ અને ઘણા લોકોને તો જબરદસ્ત નુકસાન થયું છે. એકેડેમી હંમેશા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એકીકૃત શક્તિ રહી છે અને દરેક મુશ્કેલીનો સામનો કરવા માટે સાથે ઊભા રહેવા માટે પ્રતિબદ્ધ છીએ. લોસ એન્જલસમાં ચાલી રહેલી આગને કારણે, અમને લાગે છે કે વોટિંગનો સમયગાળો વધારવા અને સભ્યોને વધુ સમય આપવા માટે નોમિનેશનની જાહેરાતની તારીખ આગળ વધારવી જરૂરી છે. ઓસ્કરના કાર્યક્રમમાં આ મોટા ફેરફારો થયા છે પેરિસ હિલ્ટન, મેન્ડી મૂર સહિત ઘણા હોલિવૂડ સેલેબ્સના ઘરો ખાખ થયા
એલએ શહેરના પોશ વિસ્તાર પાલિસેડ્સમાં ઘણા હોલિવૂડ સ્ટાર્સના બંગલા પણ બળીને રાખ થઈ ગયા છે. પેરિસ હિલ્ટન, સ્ટીવન સ્પીલબર્ગ, મેન્ડી મૂર, એશ્ટન કુચર સહિત ઘણા હોલિવૂડ સ્ટાર્સના ઘર આગની ઝપેટમાં આવ્યા હતા. પેરિસ હિલ્ટનનું ઘર 72 કરોડ રૂપિયામાં બનાવવામાં આવ્યું હતું. ઘણી સેલિબ્રિટીઓએ પણ પોતાનું ઘર છોડવું પડ્યું છે. સીએનએનના અહેવાલ મુજબ, રવિવાર સુધીમાં, લોસ એન્જલસમાં લગભગ 38,629 એકર વિસ્તાર બળી ગયો હતો. આ લગભગ 60 ચોરસ માઇલની સમકક્ષ છે. ભારત દ્વારા ઓસ્કર માટે મોકલવામાં આવેલી 5 ફિલ્મો લાયક બની
ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે ઓસ્કર 2025 માટે લાયક ગણાયેલી ફિલ્મોની યાદી બહાર પાડી છે. કુલ 232 ફિલ્મોની આ યાદીમાં 5 ભારતીય ફિલ્મો સામેલ છે. 232માંથી 207 ફિલ્મો સર્વશ્રેષ્ઠ ફિલ્મની શ્રેણી માટે પાત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ યાદીમાં ભારતની કેટલીક એવી ફિલ્મો છે જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી.