સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ખારાઘોડા નવાગામમાં એક જ કોમના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ચકચાર મચી ગઈ છે. બે જૂથો વચ્ચે લાકડી, ધોકા અને પાઇપ જેવાં હથિયારોથી થયેલા હુમલામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જ્યારે આ મામલે પાટડી પોલીસ સ્ટેશનમાં 5 શખસ સામે ફરિયાદ નોંધાઈ છે. શનિવાર (11 જાન્યુઆરી)ની બપોર મુમતાજબેન સહિતના પરિવાર માટે દુ:સ્વપ્નમાં ફેરવાઈ ગઇ, જ્યારે આઠ વર્ષ જૂની અદાવતમાં ત્રણ શખસે લાકડી અને લોખંડની પાઈપ લઈને તેના ભાઈ સહિતના પરિવારજનો પર હુમલો કર્યો. “નમાજમાં હાથ ન મિલાવ્યો એ વાતની આટલી મોટી અદાવત?” મુમતાજબેનનો આ સવાલ હાલની વરવી વાસ્તવિકતા છતી કરે છે. મહિલાઓ સાથે મારપીટ અને અભદ્ર વર્તન
પરિવાર પર થયેલા ક્રૂર હુમલાની પોલીસ સમક્ષ વ્યથા વર્ણવી મુમતાજબેન ફરિયાદમાં જણાવે છે કે, “ભાઈને બચાવવા વચ્ચે પડી ત્યારે મારી આંખો સામે મારા ભાભીનું ઓઢણું ખેંચી તેમને ઢીબી નાખ્યાં. મારી બહેન સુલતાનાને માથામાં એવો માર માર્યો કે લોહીની નદીઓ વહેવા લાગી,” માથામાં એક લાકડીએ ઈમરાન ભોંયભેગો
હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ઈમરાન હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. હુમલામાં ઈમરાનભાઈને ગળા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, માથામાં ટાંકા લેવા પડેલી સુલતાનાબેન, જેઓ પાટડીથી માત્ર બે દિવસ માટે પિયર આવ્યાં હતાં, હવે હોસ્પિટલના બેડ પર છે. ઘટનામાં મહિલાઓ સાથે અભદ્ર વર્તન પણ કરવામાં આવ્યું હતું. ત્રણ શખસે આવીને કેર વર્તાવ્યો
હું મુમતાજબેન (ઉ.વ.40), મુસ્લિમ, ઘરકામ કરું છું અને નવાગામ ખારાઘોડા, તા.દસાડા-પાટડી, જિ.સુરેન્દ્રનગર ખાતે રહું છું. મારા લગ્ન 15 વર્ષ પહેલાં કડી ગામના યુસુફ સાથે થયા હતા, જેમની સાથે 3-4 વર્ષ પહેલાં છૂટાછેડા થયા છે. ત્યારથી હું મારા પિયરમાં મારી માતા સાથે રહું છું. તા.11/01/2025ના રોજ બપોરે 3:30વાગ્યે, જુબેર અને સમીરખાન તહેરૂમખાન મોટરસાઇકલ પર આવ્યા અને મારા ભાઈ ઇમરાનને બોલાવ્યો હતા. થોડી વાર પછી બહાર હોબાળો થતાં, મેં જોયું કે જુબેર બાબુખાન (પાઇપ સાથે), અલ્તાફ બાબુખાન (લાકડી સાથે) અને આમીરખાન પઠાણ (લોખંડની પાઇપ સાથે) મારા ભાઈને ગાળો આપી રહ્યા હતા. અવારનવાર અગરિયાના ઝઘડા થતા રહે છે
મુખ્યત્વે મીઠું પકવતા અગરિયા સમુદાય અને મીઠાના કામદારોનું વસવાટ ધરાવતા આ વિસ્તારમાં મજૂર સમુદાયમાં અવારનવાર ઝઘડાઓ થતા રહે છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને પ્રથમ પાટડી સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહિલાએ 5 શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
ખારાઘોડા ગામની મુમતાજબેન જિલાનીભાઇ સૈયદે પાંચ વ્યક્તિઓ – જુબેરભાઈ બાબુખાન, અલ્તાફભાઈ બાબુખાન, સમીરખાન તહેરૂમખાન, રુકસાનાબેન બાબુખાન અને અમદાવાદના આમિરખાન ઉર્ફે ટીપુ પઠાણ વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ વિસ્તારમાં તંગદિલી ફેલાવી છે અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.