આજે ઉત્તરાયણનો પવિત્ર દિવસ છે. દેશભરનાં તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિર ભક્તોથી ઊભરાયું છે. ભક્તોએ રંગબેરંગી પતંગોથી મંદિરનો શણગાર કર્યો હતો. આજે વહેલી સવારથી માઇભક્તો માતાજીનાં દર્શન અને માતાજીના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે. માતાજીના જય ઘોષ સાથે પહોંચતા ભક્તોથી સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો છે. મકરસંક્રાંતિ પર સોમનાથ મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300થી વધુ પરિવારો ઓનલાઈન ગૌપૂજામાં જોડાયા હતા. સાળંગપુર શ્રીકષ્ટભંજન દાદાને પતંગનો દિવ્ય શણગાર કરાયો હતો, સાથે જ 108 ગાયનું પૂજન કરાયું હતું. અંબાજીમાં ભક્તોએ રંગબેરંગી પતંગોથી કર્યો મંદિરનો શણગાર
શક્તિપીઠ અંબાજી મંદિરમાં ઉત્તરાયણ પર્વની અનોખી ઉજવણી જોવા મળી રહી છે. ખેડબ્રહ્માના ભક્તો દ્વારા વર્ષોની પરંપરા મુજબ મંદિરને રંગબેરંગી પતંગોથી શણગારવામાં આવ્યું છે. ઉત્તરાયણના એક દિવસ પહેલાં કરવામાં આવેલા આ શણગારમાં વિવિધ પ્રકારની પતંગોનો ઉપયોગ કરાયો છે. દેશ-વિદેશમાં વિખ્યાત એવા આ શક્તિપીઠમાં પ્લાસ્ટિક અને કાગળની બનેલી માછલી આકારની પતંગો, ચીલ અને ફુદ્દા જેવી નાની-મોટી પતંગોથી મંદિરને સજાવવામાં આવ્યું છે. ખાસ કરીને કેટલીક પતંગો પર ‘જય અંબે’નું લખાણ પણ જોવા મળી રહ્યું છે, જે આધ્યાત્મિક વાતાવરણને વધુ ઉજાગર કરે છે. પતંગો પર ‘જય અંબે’નું લખાણ આકર્ષણનું કેન્દ્ર
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ ગણાતા આ મંદિરમાં ભાદરવી, દિવાળી અને નવરાત્રિ જેવા તહેવારોની જેમ જ ઉત્તરાયણની પણ વિશેષ ઉજવણી કરવામાં આવે છે. દર્શન માટે આવતા ભક્તોએ આ અનોખા શણગારને નિહાળી આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને મા અંબાના જયઘોષ સાથે ધન્યતા અનુભવી હતી. આ પરંપરા છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવે છે, જેમાં ખેડબ્રહ્માના ભક્તો દર વર્ષે ઉત્તરાયણ પહેલાં મંદિરને વિવિધ પ્રકારની પતંગોથી સજાવે છે. આ અનોખી પહેલ મા અંબાના ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. મકરસંક્રાંતિ પર સોમનાથ મંદિરમાં વિશેષ આયોજન
વેરાવળના પ્રખ્યાત સોમનાથ મંદિરમાં મકરસંક્રાંતિના પાવન અવસરે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. પ્રાતઃ આરતી બાદ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના હસ્તે સૂર્યપૂજન અને ગૌપૂજન કરવામાં આવ્યું. મંદિર પરિસરમાં આયોજિત ગૌપૂજનમાં ટ્રસ્ટ સંચાલિત ગીર ગૌશાળામાંથી લાવવામાં આવેલી ગૌમાતાનું શૃંગાર સહિત વિધિવત પૂજન કરાયું. આ વિશેષ પૂજનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 300થી વધુ ભક્ત પરિવારો ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા. 300થી વધુ પરિવારો ઓનલાઈન ગૌપૂજામાં જોડાયા
મકરસંક્રાંતિના પુણ્યકાળમાં શ્રી સોમનાથ મહાદેવનો શુદ્ધોદક જળ, દૂધ, દહીં અને સાકર સાથે તલ મિશ્રિત વિશેષ અભિષેક કરવામાં આવ્યો. પુરાણોમાં તલનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શિવપુરાણ મુજબ તલદાન અત્યંત ફળદાયી માનવામાં આવે છે, જ્યારે બૃહન્નાર્દીય પુરાણ અનુસાર પિતૃકર્મમાં તલના ઉપયોગથી પિતૃઓને હજાર વર્ષ સુધી સ્વર્ગવાસ મળે છે. આ પવિત્ર દિવસે મંદિરમાં આખો દિવસ વિશેષ શૃંગાર અને અભિષેકમાં સફેદ તલનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના દર્શન કરી દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા. સમગ્ર કાર્યક્રમ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે વિશ્વકલ્યાણની પ્રાર્થના સાથે સંપન્ન થયો હતો. સાળંગપુર હનુમાનજી મંદિરે ઉત્તરાયણની ભવ્ય ઉજવણી
સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મકરસંક્રાંતિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. મંગળવાર, 14 જાન્યુઆરી 2025ના રોજ સવારે 5:30 કલાકે મંગળા આરતિથી કાર્યક્રમની શરૂઆત થઈ. દાદાને પતંગના વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો અને મંદિરને રંગબેરંગી પતંગ-ફીરકીથી સજાવવામાં આવ્યું. દાદાને મમરા-તલના લાડુ, કાળા-સફેદ તલ-દાળિયાની ચીકી, શીંગ, ખજૂર, ડ્રાયફ્રૂટ અને કચરિયાનો વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. દાદાને પતંગનો દિવ્ય શણગાર
મંદિરની ગૌશાળામાં સવારે 9થી 11 દરમિયાન વિશેષ ગૌ પૂજન કાર્યક્રમ યોજાયો, જેમાં 108 ગાયોનું સંતો અને યજમાનો દ્વારા પૂજન કરવામાં આવ્યું. આ અંતર્ગત ગૌ વંશ દર્શન, ગૌ વત્સ દર્શન, ગૌ નામાવલીથી પૂજન, ગૌ ચરણ પ્રક્ષાલન, પુષ્પવૃષ્ટિ, અર્ધ્ય પ્રદાન અને રેશમ વસ્ત્ર સમર્પણ જેવી વિધિઓ કરવામાં આવી. પવિત્ર ધનુર્માસ નિમિત્તે ચાલી રહેલા શ્રી હનુમાન ચાલીસા યજ્ઞની પૂર્ણાહુતિ બપોરે 11:30 કલાકે કરવામાં આવી. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો. ઉત્તરાયણ પર્વ નિમિત્તે સૂર્યદેવ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, જેને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે.