વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે ઉત્તરાયણના પવિત્ર પર્વે રાજકીય સંદેશ આપ્યો હતો. અબ્રામા સ્થિત તેમના નિવાસસ્થાને પરિવારજનો, ભાજપના કાર્યકરો અને સમર્થકો સાથે પતંગોત્સવની ઉજવણી કરતા તેમણે ઉત્તરાયણ અને રાજકારણ વચ્ચેના સંબંધની વાત કરી હતી. સાંસદે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓમાં ભાજપ ભવ્ય બહુમતી સાથે વિજયી બનશે. આ માટે પક્ષ દ્વારા વિશેષ રણનીતિ ઘડવામાં આવી રહી છે. ધવલ પટેલે વિકાસની રાજનીતિનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે વિરોધ પક્ષોની નકારાત્મક રાજનીતિ સામે વિકાસની રાજનીતિ હંમેશા આગળ રહેશે. તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આગામી ચૂંટણીઓમાં ભાજપ વિકાસના મુદ્દે જ ચૂંટણી લડશે.