ઓસ્ટ્રેલિયન ઓપનના પહેલા રાઉન્ડમાં રશિયન સ્ટાર ટેનિસ ખેલાડી ડેનિલ મેદવેદેવે ગુસ્સામાં પોતાના રેકેટથી નેટ કેમેરા તોડી નાખ્યો હતો. આ દરમિયાન તેનું રેકેટ પણ તૂટી ગયું. મંગળવારે રોડ લેવર એરેના ખાતે પ્રથમ રાઉન્ડમાં તેનો સામનો થાઈલેન્ડના કાસિદિત સમરેજ સામે હતો. આ ગ્રાન્ડ સ્લેમમાં ત્રણ વખત ફાઇનલિસ્ટ રહેલા મેદવેદેવ વિશ્વમાં 418મા ક્રમે રહેલા સમરેઝ સામેની મેચમાં 1-2થી પાછળ હતો. એક ભૂલ બાદ તે પોતાની જાત પર કાબુ ન રાખી શક્યો અને રેકેટથી કેમેરો તોડી નાખ્યો. પછી મેચ પછી તેણે કહ્યું – હું મેચમાં આવી ભૂલો કરવાથી મારી જાતને નિયંત્રિત કરી શકતો નથી. જોકે, પાંચમો ક્રમાંકિત મેદવેદેવે પાંચ સેટની મેચ 6-2, 4-6, 3-6, 6-1,6-2થી જીતી હતી. વાઈલ્ડ કાર્ડથી ટુર્નામેન્ટમાં પ્રવેશનાર થાઈલેન્ડના સમરેઝ માટે આ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ મેચ હતી. હું ઈચ્છું છું કે સમરેઝ દરેક મેચમાં આ રીતે રમે
મેદવેદેવે કોર્ટ પર પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું, મેં સમરેઝની મેચ જોઈ હતી, પરંતુ આ પ્રકારનું પ્રદર્શન જોયું ન હતું, તેથી હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. જો તે દરેક મેચમાં આ રીતે રમે છે તો તે સારો દેખાવ કરી શકે છે. હું ઈચ્છું છું કે સમરેઝ દરેક મેચમાં આ રીતે રમે જો હું તેનો સામનો કરી રહ્યો છું. ટેનિસમાં સફળ થવા માટે તમારે સતત પ્રદર્શન કરવું પડશે અને હું તેના માટે પણ એવી જ ઈચ્છા રાખું છું. રોહન બોપન્નાની જોડી બહાર
ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-1 અને ભારતના દિગ્ગજ ટેનિસ સ્ટાર રોહન બોપન્ના અને તેના કોલંબિયાના સાથીદાર નિકોલસ બેરિએન્ટોસ મંગળવારે ઓસ્ટ્રેલિયન ઓપનના મેન્સ ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગયા હતા. ઈન્ડો-કોલંબિયન ખેલાડીઓ એક કલાક અને 54 મિનિટ સુધી ચાલેલી મેચમાં પેડ્રો માર્ટિનેઝ અને જેમે મુનારની સ્પેનિશ જોડી સામે 5-7, 6-7 (5) થી હારી ગયા હતા. બોપન્નાએ ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેન સાથે 2024માં સિઝનનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો.