ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો કરાર થયો છે. ન્યૂઝ એજન્સી એપીએ આ ડીલમાં સામેલ બે અધિકારીઓને ટાંકીને આ સમાચાર આપ્યા છે. જોકે, આ લોકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. ઇજિપ્ત, કતાર અને અમેરિકાની મદદથી કતારની રાજધાની દોહામાં આ કરાર પર વાટાઘાટો કરવામાં આવી હતી. ઇઝરાયલના અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે ડીલના પ્રથમ તબક્કામાં 33 બંધકોને મુક્ત કરવામાં આવશે. આ 33 બંધકોમાંથી 5 ઈઝરાયલની મહિલા સૈનિકો હશે. આ 5 મહિલા સૈનિકોના બદલામાં ઈઝરાયલ 250 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. હમાસ પાસે 94 ઈઝરાયલી બંધકો છે, જેમાંથી લગભગ 34 મૃત્યુ પામ્યા છે. 7 ઓક્ટોબર, 2023ના રોજ, હમાસે 251 ઇઝરાયલી નાગરિકોને બંધક બનાવ્યા. બાકીના બંધકોને પહેલા બચાવી લેવામાં આવ્યા હતા. ડીલ માટેની છેલ્લી મંત્રણા આજે એટલે કે મંગળવારે (14 જાન્યુઆરી) થઈ હતી. આ સમજૂતી પર હસ્તાક્ષર થતાં જ તેને તાત્કાલિક અમલમાં મૂકવામાં આવશે. યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો 42 દિવસનો રહેશે. 33 બંધકોને મુક્ત કર્યાના 15 દિવસ બાદ બાકીના બંધકોને મુક્ત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, યુદ્ધવિરામને કાયમી ધોરણે લાગુ કરવા પર પણ વાતચીત કરવામાં આવશે. પેલેસ્ટિનિયન નાગરિકો ઉત્તર ગાઝા પાછા ફરશે
CNNના અહેવાલ મુજબ, યુદ્ધવિરામ ડીલ હેઠળ, ઇઝરાયલ ઉત્તર ગાઝાથી વિસ્થાપિત પેલેસ્ટિનિયન નાગરિકોને પરત ફરવાની મંજૂરી આપશે. જો કે સુરક્ષાના કારણોસર આ વિસ્તારમાં ઈઝરાયલના સૈનિકોની હાજરી રહી શકે છે. ગાઝા અને ઈઝરાયલ વચ્ચે બફર ઝોન બનાવવામાં આવશે. બફર ઝોનને લઈને ઈઝરાયલ અને હમાસ બંનેની અલગ-અલગ માગ છે. ઇઝરાયલ સરહદથી 2 કિમીના બફર ઝોનની માગ કરી રહ્યું છે, જ્યારે હમાસ ઓક્ટોબર 2023 પહેલાની જેમ 300 થી 500 મીટરના બફર ઝોન ઇચ્છે છે. બીજી તરફ ઈઝરાયલે ડીલ હેઠળ હમાસ ચીફ યાહ્યા સિનવારની લાશ પરત કરવાનો ઈન્કાર કરી દીધો છે. નેતન્યાહુ બંધકોના પરિવારોને મળશે
ઇઝરાયલના પીએમ નેતન્યાહૂ આજે હમાસની કેદમાં બંધકોના પરિવારોને મળશે. આ સિવાય તેઓ બેન ગ્વીરને મળવા જઈ રહ્યા છે જેઓ આ યુદ્ધવિરામ ડીલનો વિરોધ કરી રહ્યા છે. નવા ચૂંટાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિનિધિને પણ યુદ્ધવિરામ ડીલમાં સામેલ કરવામાં આવ્યા છે. અમેરિકી વિદેશ મંત્રીના કહેવા પ્રમાણે, યુદ્ધવિરામને આગળ લઈ જવાની જવાબદારી ટ્રમ્પની રહેશે, તેથી તેમના પ્રતિનિધિને પણ સામેલ કરવામાં આવ્યા છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે ડીલ પર નિવેદન આપતા કહ્યું કે, અમે ડીલ પૂર્ણ કરવાની ખૂબ નજીક છીએ. જો તેઓ (હમાસ) આ માટે સહમત નહીં થાય તો તેમના માટે વધુ મુશ્કેલી ઊભી થશે. હમાસે ઈઝરાયલની મહિલા સૈનિકનો વીડિયો જાહેર કર્યો
કતારમાં ચાલી રહેલી યુદ્ધવિરામ ડીલ વચ્ચે હમાસે 4 જાન્યુઆરીએ 19 વર્ષીય ઈઝરાયલની મહિલા સૈનિક લીરી એલ્બેગનો વીડિયો જાહેર કર્યો હતો. લિરીને 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા બંધક બનાવવામાં આવી હતી. આ વીડિયોમાં લિરીએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને હમાસની કેદમાંથી ઈઝરાયલના બંધકોને મુક્ત ન કરાવવા બદલ દોષી ઠેરવ્યા છે. નહલ ઓઝ આર્મી બેઝમાંથી 6 મહિલા સૈનિકો સાથે લીરી એલબેગનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાંથી 5 મહિલા સૈનિકો હજુ પણ હમાસની કેદમાં છે. લીરીએ કહ્યું- નેતન્યાહુ સરકાર મને ભૂલી ગઈ છે ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, એલબાગે કહ્યું- હું માત્ર 19 વર્ષન છું. મારું આખું જીવન થંભી ગયું છે. અમને 450 દિવસથી વધુ સમયથી બંધક બનાવવામાં આવ્યા છે. નેતન્યાહુ સરકાર મને અને અન્ય બંધકોને ભૂલી ગઈ છે. મને લાગે છે કે હમાસ દ્વારા પકડાયેલા ઇઝરાયલી લોકો સરકાર કે સેના માટે પ્રાથમિકતા નથી. અલબાગે વધુમાં જણાવ્યું હતું કે બંધકોની મુક્તિ ઇઝરાયલી દળોની પીછેહઠ પર નિર્ભર કરે છે. જો કે આ વીડિયો ક્યારે રેકોર્ડ કરવામાં આવ્યો હતો તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. તે જ સમયે, લીરી એલબાગ માટે, તેના પરિવારે એક વીડિયો પણ જાહેર કર્યો જેમાં તેઓએ ઇઝરાયલ સહિત વિશ્વના નેતાઓને ઇઝરાયલ કેદીઓને મુક્ત કરવા માટે આગળ આવવા અપીલ કરી. હમાસના હુમલા બાદ ઇઝરાયલે યુદ્ધની જાહેરાત કરી હતી
તેની શરૂઆત 7 ઓક્ટોબર 2023ના રોજ કરવામાં આવી હતી. હમાસના સેંકડો આતંકવાદીઓ ગાઝા પટ્ટી મારફતે દક્ષિણ ઈઝરાયલમાં પ્રવેશ્યા હતા. અંધાધૂંધ ગોળીબાર. 1139 લોકો માર્યા ગયા અને 251 લોકોનું અપહરણ થયું. થોડા કલાકો પછી, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ સામે યુદ્ધની જાહેરાત કરી. આ યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં ગાઝામાં 44 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. ગાઝા આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, આ ગાઝાની વસતિના લગભગ 2% છે.