ડાંગ જિલ્લાના સુબીર ખાતે પ્રભુ શ્રી રામ અને માતા શબરી મિલન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે પંપા સરોવરથી શબરીધામ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ.પૂ. બાલયોગી પીર ગણેશનાથજી નાથે રામાયણમાં વર્ણિત પ્રભુ શ્રી રામ અને માતા શબરીના મિલન પ્રસંગની મહત્તા સમજાવી હતી. તેમણે સનાતન હિંદુ સંસ્કૃતિ અનુસાર પ્રકૃતિ અને સંસ્કૃતિના જતન માટે કાર્ય કરવાની અપીલ કરી હતી. કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીંડોરે આદિવાસી સમાજને ગુમરાહ કરતા તત્વો સામે એકજુટ થવા આહ્વાન કર્યું હતું. ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે આદિવાસી સંસ્કૃતિમાં ‘રામ’ના મહત્વ વિશે વાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન ‘શબરીની પ્રેરક માળા’ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું. મહારાષ્ટ્રથી આવેલા હજારો ભાવિક ભક્તો સહિત અનેક મહાનુભાવો જેમાં સ્વામી અસીમાનંદજી, શરદરાવ ઢોલે, સુરેશ કુલકર્ણી અને વિવિધ સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા આદિવાસી સમાજની સનાતન સંસ્કૃતિ સાથેના જોડાણને મજબૂત કરવાનો અને તેમની પરંપરાઓને જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.