રાજકોટની દિવ્યાંગ યુવતીની ઊંચી ઉડાન સામે આવી છે. જન્મ વખતે નોર્મલ જન્મેલી બાળકી 10 દિવસની હતી ત્યારે ટ્યૂમરનુ ઓપરેશન કરવામા આવ્યું પરંતુ તબીબની ભૂલને કારણે બાળકીના જમણા પગમાં ખામી સર્જાઇ હાઈટ પણ નીચી જ રહી. જોકે તેને પોતાની દિવ્યાંગતાને ભૂલાવી પિતા પાસેથી ચેસ શીખી અને હાલ તે ચેસમાં નેશનલ સુધી પહોંચી છે. તાજેતરમાં ચેસમાં ચેન્નાઇનો ડી. ગુકેશ સૌથી નાની વયનો વર્લ્ડ ચેમ્પિયન બન્યો ત્યારે હાલ રાજકોટની દિવ્યાંગ યુવતી દૈનિક 30 બાળકોને ચેસની તાલિમ આપી રહી છે. રાજકોટમાંથી પણ કોઈ યુવાન કે યુવતી ગુકેશની માફક ગ્રાન્ડ માસ્ટર બને તેવી તેમની ઇચ્છા છે. નોર્મલી જન્મ થયા બાદ દિવ્યાંગતા આવી પણ હિંમત ન હારી
દિપમાલા ચંદેએ જણાવ્યું હતુ કે, મેં હિન્દી લીટરેચર ઉપર એમ.એ., એમ.ફીલ., પીએચ.ડી. કર્યુ છે. 28/06/1986 ના હું જન્મી ત્યારે નોર્મલ હતી પરંતુ બાદમા મારે કમર પાછળ ટ્યૂમર હતુ. જેથી હું 10 દિવસની હતી ત્યારે ઓપરેશન કરવાનું થયુ. જોકે ઓપરેશનમાં ખામી થવાને કારણે મને જમણા પગમા ખામી સર્જાઈ. જે બાદ ધીમે ધીમે ભણતર શરૂ થયુ. જે સમસ્યા હતી એ તો જીવનભર રહેવાની જ હતી જેથી તેને સ્વીકારી મારા માતા – પિતાના સપોર્ટથી આગળ વધી રહી છું. ચેસ હુ મારા પિતા મનજીભાઈ કે જેઓ એજી ઓફિસના નિવૃત્ત વેલફેર ઑફિસર છે તેમની પાસેથી જ શીખી છું. જે બાદ તેમાં દૈનિક પ્રેક્ટિસના કારણે હું સૌપ્રથમ ડિસ્ટ્રિક્ટ અને પછી સ્ટેટ અને નેશનલ લેવલ સુધી ચેસની રમતમાં પહોંચી. હું અને મારા બહેન હેતલ ચંદે એક સાથે જ ચેસમાં નેશનલ લેવલ સુધી પહોચ્યા છીએ. જ્યારે માતા પુષ્પાબેન હાઉસ વાઈફ છે. ‘પેરા નેશનલ ગેમ્સમાં હેન્ડીકેપ માટે ચેસનો સમાવેશ કરવો જોઈએ’
ચેસની ગેમમાં આગળ વધવા માટે પ્રોપર પ્રીપરેશનની જરૂર હોય છે અને ત્યારબાદ પ્રોફેશનલ કોચ પાસે રેગ્યુલર તાલીમ મેળવવી પડે છે. ચેસની એક ગેમ પર જ ફોકસ રાખી શકો તો જ તેમાં આગળ વધી શકાય છે. રેગ્યુલર 4 થી 5 કલાકની પ્રેક્ટિસ કરવી પડે છે. ડી ગુકેશ જે રીતે નાની ઉંમરે ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે તો ત્યાં સુધી પહોંચવા માટે સખત મહેનત અને પ્રેક્ટીસની જરૂર પડે છે. આ સાથે જ મારી એક અપીલ પણ છે કે ઓર્થોપેડિક હેન્ડીકેપ લોકો માટે ચેસમાં અલગ કેટેગરી રાખવામાં આવી નથી. પેરા નેશનલ ગેમમાં બ્લાઈન્ડની માફક OH કેટેગરીમાં પણ ચેસની ગેમ શરૂ કરવામા આવે તેવી માંગણી છે. 30 બાળકોને આપે છે ચેસની તાલીમ
રાજકોટમાં હાલ ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને બાદમા નેશનલ કક્ષાની ટુર્નામેન્ટ સુધી ખેલાડીઓ પહોંચી શકે છે. તેઓ ચેસ કોચ તરીકે જણાવે છે કે, હાલમાં મારી પાસે જે બાળકો ચેસ શીખવા માટે આવે છે. તેમાંથી મોટાભાગના એવા છે કે જેઓ ચેસની સાથે સિંગિંગ, ડાન્સ પણ શીખતા હોય છે. એક માત્ર ચેસની ગેમમાં સતત પ્રેક્ટીસ કરવામા આવે તો રાજકોટથી પણ રાષ્ટ્રીય – આંતર રાષ્ટ્રીય કક્ષા સુધી ખેલાડીઓ પહોંચી શકે છે. વાલીઓ પણ બાળકોને એક સાથે અલગ અલગ ક્લાસમાં એક્ટિવિટી શિખવા માટે મોકલતા હોય છે. ચેસ બાદ હવે શૂટિંગમાં આગળ વધવાનો નિર્ધાર
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, પેરા નેશનલમાં OH કેટેગરીમાં ચેસની ગેમ ન હોવાથી મેં શૂટિંગની પ્રેક્ટીસ શરૂ કરી જેથી હાલ હું કોચ પરમરાજસિહ રાણા પાસેથી શૂટિંગની તાલિમ લઇ રહી છું. જેના અઢી માસ બાદ જ હું નેશનલ રમવા પહોંચી હતી. પ્રિ નેશનલ પૂર્ણ કરીને શૂટિંગમાં પેરા નેશનલ સુધી પહોંચી છું. રાજકોટમાં પિસ્ટલમાં પેરા નેશનલ ખેલાડી તેઓ સંભવતઃ પ્રથમ છે. હું શૂટિંગની સાથે ચેસમાં ઈન્ટરનેશનલ કક્ષા સુધી પહોંચી રાજકોટની સાથે ભારત દેશનું નામ રોશન કરવા માંગુ છું.