વડોદરા જિલ્લા પંચાયતના મુખ્ય દરવાજા બહાર જ આવેલ અને વર્ષ 2006-07 દરમિયાન લોકોને જિલ્લા પંચાયત હસ્તકની માહીતી અને યોજનાઓ અંગે માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે સરકારે એક QS મશીન સ્થાપિત કર્યું હતું. પરંતું થોડાક વર્ષોમાં તે બંધ થતાં અને ટેકનોલોજી જુની થતા આ મશીન બંધ પડતા આખરે આનો જુગાડ કરી પંચાયતમાં આવતાં કર્મચારીઓ માટે પંચીંગ મશીનના બેકઅપ માટે પીસી સેટ કરાયું છે.આજે પણ જિલ્લા પંચાયતમાં અનેક અરજદારો આવતાં હોય છે ત્યારે હજુ પણ કેટલીક માહીતીથી અજાણ હોવાથી આ મશીન રીપેર કે યોગ્ય જાળવણી કરી હોત તો ઉપયોગમાં લઈ શકાય તેમ હતું. પરંતુ આજે તેનું પોસ્ટમોર્ટમ કરી જુગાડ કરવામાં આવ્યો છે. ત્યારે આ QS મશીનનો હેતુ હતો કે નાગરિકો વિવિધ સરકારી યોજનાઓ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી સરળતાથી મેળવી શકે. તે સમયે અંદાજિત 75 હજારથી વધુની કિંમત ધરાવતા આવા મશીનો વિવિધ જિલ્લા પંચાયતોમાં લગાવવામાં આવ્યા હતા. યોગ્ય જાળવણીના અભાવે ધૂળ ખાતું મશીન
ચોક્કસ આ QS મશીનની યોગ્ય જાળવણીના અભાવે અને બેદરકારીના કારણે આ મશીન ધૂળ ખાઈ રહ્યું છે. આજના ડિજિટલ યુગમાં, જ્યાં ટેક્નોલોજી રોજબરોજ બદલાઈ રહી છે, ત્યારે સરકારી મશીન કચરાપેટી સમાન બની ગયા છે. હાલ આ QS મશીનનો ઉપયોગ અન્ય હેતુ માટે કરવામાં આવી રહ્યો છે તે એક આશ્ર્ચર્ય જનક બાબત છે. મશીન બંધ થતા રિપેર કરવાના બદલે જુગાડ કરાયો
આ અંગે અમે તપાસ કરાતા અને જાણીતા કર્મચારી પાસેથી માહીતી મેળવતા આ મશીન વર્ષ 2006-07 દરમિયાન જિલ્લા પંચાયતમાં મૂકવામાં આવ્યું હતું અને તે માહીતી પૂરી પાડતું હતું, પરંતુ સમય જતાં તેનો ઉપયોગ બંધ થઈ ગયો. બાદમાં મશીનના ભાગોને અલગ કરી તેમાં જુગાડ કરી એક મોનીટર લગાવી, તેને કર્મચારીઓની હાજરી પુરવા માટે ‘પંચિંગ મશીન’માં રૂપાંતરિત કરવામાં આવ્યું છે જે એક અલગ ઓળખ ધરાવે છે. આજે વડોદરા જિલ્લા પંચાયતમાં આવતાં કર્મચારીઓ માટે પંચિંગ મશીન મૂકવામાં આવ્યું છે તે પંચિંગ મશીનના બેકઅપ માટે આ જુગાડ કરાયેલા QS મશીનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં જિલ્લા પંચાયતમાં 150 જેટલા કર્મચારીઓની હાજરી માટે ત્રણ અલગ અલગ પંચિંગ મશીન સ્થાપિત કરવામાં આવ્યા છે, પરંતુ તેમાંથી માત્ર એક જ કાર્યરત છે, જ્યારે બાકી બે મશીનો માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. આ ઘટના એક ઉદાહરણ છે કે કેવી રીતે સરકારી મશીનરી અને ટેક્નોલોજી યોગ્ય સંભાળ અને ઉપયોગના અભાવે વ્યર્થ થઈ શકે છે. આ QS મશીનનું મૂળ હેતુ લોકોને માહિતી પ્રદાન કરવાનો હતો, પરંતુ આજે તે માત્ર હાજરી નોંધવા માટેના તંત્રનો એક ભાગ બની ગયું છે. વહીવટી તંત્ર દ્વારા જો આવી કામગીરી પર ધ્યાન આપવામાં ન આવે, તો ભવિષ્યમાં આવા વધુ મશીનો ઉપયોગ વગર જ ધૂળ ખાતા થઈ જશે. અમે આ બાબતે સત્તાધીશો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ બાબતે કોઈપણ સત્તા ધિશોને ચોક્કસ માહિતી નથી અને તે અંગે અમે જાણીને તમને જવાબ આપીશું તેવું રતન કર્યું હતું.