માતા બન્યા બાદ યામી ગૌતમ ફરી એકવાર મોટા પડદા પર કમબેક કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રેસ શાહ બાનોના જીવન પર આધારિત ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નોંધનીય છે કે, શાહબાનોએ પતિથી છૂટાછેડા લીધા બાદ ભરણપોષણ મેળવવા માટે કાનૂની લડાઈ લડી હતી. આ મામલો 1985માં ટ્રિપલ તલાક, મહિલા અધિકારો અને મુસ્લિમ પર્સનલ લો સાથે સંબંધિત હતો. શાહ બાનોની તરફેણમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય સમગ્ર દેશમાં સામાજિક અને કાયદાકીય ચર્ચાનો વિષય બન્યો હતો. શાહ બાનોએ ટ્રિપલ તલાક કેસમાં ઘણું યોગદાન આપ્યું છે. યામી ગૌતમ આ ફિલ્મ દ્વારા દર્શકોને આ કેસનું મહત્ત્વ સમજાવશે. કહેવામાં આવી રહ્યું છે કે યામી ગૌતમ શાહ બાનોનું પાત્ર ભજવવા માટે ખૂબ મહેનત કરી રહી છે. આ તેની કરિયરની આઇકોનિક ભૂમિકા હશે. તે આ નવા પડકારને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. શાહ બાનોના જીવન પર બની રહેલી આ ફિલ્મનું ડિરેક્શન સુપર્ણ વર્મા કરશે. જેમણે અગાઉ ‘ધ ફેમિલી મેન સીઝન 2’, ‘રાણા નાયડુ’ અને ‘ધ ટ્રાયલ’નું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ જંગલી પિક્ચર્સ દ્વારા વિશાલ ગુરનાની અને જુહી પરીખ મહેતા સાથે મળીને કરવામાં આવશે. શાહબાનો કોણ હતી?
શાહ બાનો મધ્યપ્રદેશના ઈન્દોરની રહેવાસી હતી. 1978માં, 62 વર્ષની ઉંમરે, તેના પતિ મોહમ્મદ અહેમદે તેને છૂટાછેડા આપી અને તેને ઘરની બહાર કાઢી મૂકી. શાહ બાનોને 5 બાળકો હતા. પતિ પાસેથી ભરણપોષણ ભથ્થું મેળવવાનો મામલો 1981માં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. પતિએ કહ્યું કે તે શાહ બાનોને ભરણપોષણ આપવા માટે બંધાયેલા નથી. સુપ્રીમ કોર્ટે 1985માં CrPCની કલમ 125 પર પોતાનો ચુકાદો આપ્યો હતો. આ કાયદો છૂટાછેડાના કિસ્સામાં ભરણપોષણ ભથ્થું નક્કી કરવા સંબંધિત છે. શાહબાનોને ભરણપોષણ ભથ્થું આપવાના મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો હતો. રાજીવ ગાંધી સરકારે આ નિર્ણય પાછો ખેંચ્યો હતો
શાહબાનોની તરફેણમાં કોર્ટના નિર્ણય સામે મુસ્લિમ પર્સનલ લો બોર્ડે દેશભરમાં આંદોલન શરૂ કર્યું હતું. દેશના તમામ મુસ્લિમ સંગઠનોએ કહ્યું કે કોર્ટ તેમના પરિવાર અને ધાર્મિક મામલામાં હસ્તક્ષેપ કરીને તેમના અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે. જ્યારે દેશમાં આનો વિરોધ થયો ત્યારે તત્કાલીન રાજીવ ગાંધી સરકારે 1986માં એક કાયદો બનાવ્યો હતો. આ કાયદાને ધ મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઈટ્સ એક્ટ 1986 કહેવામાં આવે છે. જેણે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું મહત્ત્વ ઘટાડી નાખ્યું. કાયદા હેઠળ, મહિલાઓને માત્ર ઇદ્દત (અલગ થવાના સમય) દરમિયાન જ ભરણપોષણ ભથ્થું માંગવાની છૂટ હતી. રાજીવ ગાંધી સરકારના આ નિર્ણય સામે તત્કાલીન ગૃહ રાજ્ય મંત્રી આરિફ મોહમ્મદ ખાને રાજીનામું આપી દીધું હતું. ટ્રિપલ તલાક પર કાયદો 2019માં બન્યો
ત્યારે ભાજપે કહ્યું હતું કે જો અમે સત્તામાં આવીશું તો પર્સનલ લોમાં ફેરફાર કરીશું. 2017માં સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યો હતો અને સરકારને તેના પર કાયદો બનાવવા કહ્યું હતું. સંપૂર્ણ બહુમતી સાથે મોદી સરકારને લાગ્યું કે તેના દાયકાઓ જૂના એજન્ડાને પૂર્ણ કરવાની આ યોગ્ય તક છે. 30 જુલાઈ, 2019ના રોજ મોદીએ ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવ્યો.