કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ઈમરજન્સી’ને લઈને ચાલી રહેલા વિવાદોનો અંત નથી આવી રહ્યો. ઘણા વિવાદો બાદ આ ફિલ્મને ભારતીય સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળ્યું હતું, ત્યારબાદ આ ફિલ્મ 17 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. હવે રિલીઝના માત્ર 2 દિવસ પહેલા જ બાંગ્લાદેશમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એએનઆઈએ ફિલ્મ ઈમરજન્સીના નજીકના એક સૂત્રને ટાંકીને જણાવ્યું છે કે, બાંગ્લાદેશમાં ફિલ્મ ઈમરજન્સીનું સ્ક્રીનિંગ અટકાવી દેવામાં આવ્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વર્તમાન તણાવપૂર્ણ સંબંધોને કારણે બાંગ્લાદેશમાં ઈમરજન્સી સ્ક્રીનિંગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ફિલ્મની સામગ્રીને કારણે ઓછો અને બંને દેશો વચ્ચેના રાજકીય ગતિશીલતાને કારણે વધુ છે. બાંગ્લાદેશમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનું એક કારણ એ છે કે આ ફિલ્મમાં સ્વતંત્રતા સેનાની અને બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનની હત્યા દર્શાવવામાં આવી છે, જેમને બાંગ્લાદેશના પિતા કહેવામાં આવે છે. તેમણે બાંગ્લાદેશ અને પાકિસ્તાનના વિભાજનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એવું સાંભળવામાં આવ્યું છે કે આ ફિલ્મમાં તેમની હત્યા બાંગ્લાદેશી ઉગ્રવાદીઓના જૂથ દ્વારા કરવામાં આવી રહી હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જેના કારણે બાંગ્લાદેશમાં તેની રિલીઝને અસર થઈ છે. રિપોર્ટ્સનું માનીએ તો પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ બાંગ્લાદેશને પાકિસ્તાનથી અલગ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયે અમેરિકાની સરકાર પાકિસ્તાનને સમર્થન આપી રહી હતી. ઇંદિરા ગાંધીને યુએસ સરકાર દ્વારા આ મામલે દખલ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું, તેમ છતાં તેમણે બાંગ્લાદેશને સમર્થન આપ્યું હતું. પરિણામે 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. ભારતમાં ફિલ્મ ‘ઈમરજન્સી’ 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીના કાર્યકાળ અને 1975માં લાદવામાં આવેલી ઈમરજન્સી પર બનાવવામાં આવી છે. કંગના રનૌતે આ ફિલ્મમાં ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. નીતિન ગડકરીએ લોકોને ફિલ્મ ઈમરજન્સી જોવાની અપીલ કરી હતી કંગના રનૌતે તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી માટે ફિલ્મ ઈમરજન્સીની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે અનુપમ ખેર પણ હાજર હતા. ફિલ્મ ઈમરજન્સીના સ્પેશિયલ સ્ક્રીનિંગ બાદ નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફોટા અને વીડિયો શેર કર્યા હતા. પોસ્ટ શેર કરતી વખતે તેણે ફિલ્મનો રિવ્યૂ આપ્યો છે અને લોકોને ફિલ્મ જોવાની અપીલ કરી છે. પોસ્ટ શેર કરતા કેન્દ્રીય મંત્રીએ લખ્યું હતું- ‘આજે કંગના જી અને અનુપમ ખેર જી સાથે નાગપુરમાં ફિલ્મ ઈમરજન્સીના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી. આપણા દેશના ઈતિહાસના કાળા અધ્યાયને આટલી સારી રીતે રજૂ કરવા બદલ હું ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું દરેકને આ ફિલ્મ જોવાની વિનંતી કરું છું, ફિલ્મ ઈમરજન્સી ભારતના ઈતિહાસના કાળા અધ્યાય વિશે જણાવે છે.