અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવેલા ફ્લાવર શોની રોજ હજારો લોકો મુલાકાત લઈ રહ્યા છે. ગઈકાલે 14 જાન્યુઆરીના ઉત્તરાયણની રજાના દિવસે ફ્લાવર શો જોવા સવારે 8થી રાતે 11.30 વાગ્યા સુધીમાં એટલે કે 15 કલાકમાં 1.32 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. આમ દર કલાકે 9 હજાર મુલાકાતી આવ્યા હતા. 2013થી 2024 સુધીમાં એક જ દિવસમાં 1.32 લાખ મુલાકાતી આવવાનો આ વખતે રેકોર્ડ બન્યો છે. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનને એક જ દિવસમાં 86 લાખની આવક થઈ છે. આજે 15 જાન્યુઆરીના રોજ પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ફ્લાવર શો જોવા ઊમટી પડે એવી શક્યતા છે. ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024’ માં આ વખતે વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા મૂકવામાં આવ્યા છે, જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહેશે. આ ફૂલ-છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણીયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવાં અનેક દેશી-વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો છે અને વિદેશી ફૂલ-છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે. રિવરફ્રન્ટ અને ફ્લાવર શોમાં કીડિયારું ઊભરાયું
ઉત્તરાયણની રજાના દિવસે સવારથી જ ફ્લાવર શો જોવા મોટી સંખ્યામાં લોકોની ભીડ રિવરફ્રન્ટ પર ઊમટી પડી હતી. સૌથી વધારે ભીડ ઉત્તરાયણની સાંજે જોવા મળી હતી. મોડીરાત સુધી મોટી સંખ્યામાં મુલાકાતીઓ ફ્લાવર શો જોવા માટે આવ્યા હતા. રિવરફ્રન્ટ અને ફ્લાવર શોમાં જાણે માણસોનું કીડિયારું ઊભરાયું હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. ફ્લાવર શોની સાથે અટલબિજ ઉપર પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. એક જ દિવસમાં એક લાખથી વધારે લોકો આવતાં 86 લાખની આવક થઈ હતી, જેમાં 48 લાખ રોકડ, 12 લાખ UPI અને 26 લાખ ઓનલાઇનથી આવક થઈ હતી. એક દિવસમાં 1.32 લાખ લોકોએ મુલાકાત લીધાનો રેકોર્ડ નોંધાયો
ફ્લાવર શો જોવા માટેનો સૌથી મોટો રેકોર્ડ નોંધાયો છે. એક જ દિવસમાં સૌથી વધુ 1.32 લાખ લોકોએ મુલાકાત લીધી છે. 3 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધીમાં 8.10 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે, જેનાથી રૂપિયા 6 કરોડની આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ છે. ફ્લાવર શોની અત્યારસુધીમાં સૌથી વધુ લોકો 14 જાન્યુઆરી 2025ના રોજ એક જ દિવસમાં મુલાકાત લેવા આવ્યા હોવાનો રેકોર્ડ નોંધાયો છે. વર્ષ 2013થી યોજાતા ફ્લાવર શોમાં ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો 2025માં એક જ દિવસમાં સૌથી વધારે 1.32 લાખ લોકો આવ્યા હોવાનો રેકોર્ડ નોંધાયો છે. 12 દિવસમાં 5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટ પર યોજવામાં આવેલો ફ્લાવર શો 3 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી દ્વારા લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેની 14 જાન્યુઆરી સુધીમાં આશરે 5 લાખથી વધુ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે. ફ્લાવર શોને મળતા અદભુત પ્રતિસાદને ધ્યાનમાં રાખીને વધુ બે દિવસ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની સાથે 23 અને 24 જાન્યુઆરી એમ બે દિવસ ફ્લાવર શોમાં પ્રી-વેડિંગ શૂટ કરાવી શકાશે. પ્રી-વેડિંગ શૂટિંગ માટે સવારે 7થી 8 કલાક સુધી સ્લોટ આપવામાં આવશે, જેનો ચાર્જ રૂપિયા 25,000 રહેશે, જેમાં વધુમાં વધુ 10 વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે. એક દિવસના વધુમાં વધુ 15 બુકિંગ લેવામાં આવશે
પ્રી-વેડિંગ શૂટિંગ માટેનો ચાર્જ સવારે 7થી 8 વાગ્યા સુધી રૂપિયા 25,000 તેમજ સાંજે 6થી 12 વાગ્યા સુધીના રૂપિયા 35,000 રહેશે. એક દિવસના વધુમાં વધુ 15 બુકિંગ લેવામાં આવશે. વેબસિરીઝ તેમજ મૂવી/એડવર્ટાઈઝમેન્ટના શૂટિંગ માટેનો સમય સાંજે 6થી રાત્રે 12 વાગ્યા સુધીનો રહેશે, જેનો ચાર્જ રૂપિયા 1 લાખ નકકી કરવામાં આવ્યો છે, જેમાં વધુમાં વધુ 25 લોકોને પ્રવેશ આપવામાં આવશે. વેબસિરીઝ તેમજ મૂવી/એડવર્ટાઈઝમેન્ટના શૂટિંગ માટે 3 કલાકનો સ્વોટ અને પ્રતિદિન વધુમાં વધુ પાંચ બુકિંગ લેવામાં આવશે. પ્રી-વેડિંગ શૂટિંગ માટે વેબસિરીઝ તેમજ મૂવીઝ/ એડવર્ટાઇઝમેન્ટના સ્લોટ બુકિંગ www.ahmedabadcity.gov.in પરથી બુક કરી શકાશે.