રાજકોટ મનપા કચેરી ખાતે આગામી 18 જાન્યુઆરીના રોજ નવા વર્ષ 2025નું પ્રથમ જનરલ બોર્ડ યોજાશે. આ બેઠકમાં જુદી-જુદી 9 દરખાસ્તો મંજૂરી માટે રજૂ કરવામાં આવી તેમજ વિવિધ વિકાસના કામો અને ભાજપ-કોંગ્રેસના નગર સેવકોએ પૂછેલા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસે આ બેઠકમાં EWSના પ્લોટના હેતુફેરનો પ્રશ્ન પૂછ્યો છે. જોકે, અગ્રક્રમે ભાજપના કોર્પોરેટરોના પ્રશ્નો હોવાથી આ અંગે ચર્ચા થવાની શક્યતા ઓછી છે. જેને લઇને હંમેશાની જેમ આ જનરલ બોર્ડમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચાને બદલે ભાજપ-કોંગ્રેસના નગરસેવકો વચ્ચે તડાફડી થવાની પૂરી શક્યતા છે. 9 દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરવામાં આવી
રાજકોટ મનપા કચેરીએ મેયર નયનાબેન પેઢાડિયાનાં અધ્યક્ષ સ્થાને યોજાનાર આ જનરલ બોર્ડની બેઠક વર્ષ 2025માં પ્રથમ હશે. જેમાં કુલ 9 દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. જ્યારે પ્રશ્નોતરી માટે નગરસેવકો અને અધ્યક્ષ સ્થાનેથી મેયર દ્વારા જે પ્રશ્નો રજૂ થાય તે બોર્ડમાં લેવામાં આવશે. બોર્ડમાં રજૂ થયેલા પ્રશ્નોમાં મનસુખભાઈ છાપીયા ટાઉનશીપમાં આવેલા કોમ્યુનિટી હોલને ‘શ્રી રંજનબેન રાવલ’ નામકરણ કરવા, ક્લાઈમેટ રેસીલ એન્ટ સિટી એક્શન પ્લાન અંગે નિર્ણય લેવાના પ્રશ્નો સામેલ છે. બોર્ડમાં શાસક-વિપક્ષ વચ્ચે ઘર્ષણ થવાની સંભાવના
આ ઉપરાંત અરવિંદભાઈ મણીયાર પુસ્તકાલયમાં કોર્પોરેશનના પ્રતિનિધિ મુકવા, સ્માર્ટ સિટીમાં અટલ બિહારી વાજપેયીની પ્રતિમા મુકવા માટે નિર્ણય લેવા, સ્માર્ટ ઘર-4 આવાસ યોજનાના આવાસોની કિંમત નક્કી કરવા, વોર્ડ નં. 11માં મવડી સ્મશાનની આગળના ચોકનું નામ ‘કલ્પેશ સાગઠિયા ચોક’ નામકરણ કરવા સહિતની દરખાસ્તોનો પણ આ જનરલ બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ બાબતે ચર્ચા કરવાની સાથે-સાથે જનરલ બોર્ડમાં શાસક-વિપક્ષ વચ્ચે ઘર્ષણ થવાની પણ સંભાવના છે. સેક્રેટરી વિભાગ રાજકારણ કરી રહ્યું હોવાનો આરોપ
કોંગ્રેસના નગરસેવક વશરામ સાગઠિયાના જણાવ્યા મુજબ, જનરલ બોર્ડનો એજન્ડા બહાર પડ્યો તેની વિપક્ષને જાણ કરવામાં આવી નથી. આ માટે સેક્રેટરી વિભાગ રાજકારણ કરી રહ્યું હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે. તેમજ કોંગ્રેસ દ્વારા બોર્ડમાં ગેરંટીવાળા ડામર રોડ ઉપરાંત અમલમાં આવેલી ટી.પી. સ્કીમોમાં ઈડબલ્યુએસના પ્લોટના હેતુફેર તેમજ કોર્પોરેશનની કેટલી સ્કૂલા ભાડાના મકાનોમાં ચાલે છે? તે સહિતના પ્રશ્નો રજુ કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, આ પ્રશ્નો અંગે ચર્ચા થાય છે કે, નહીં તે તો હવે આવનારો સમય જ બતાવશે.