અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓની વધતી અવરજવરે લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. તાજેતરમાં બે અલગ-અલગ સ્થળોએથી સિંહ અને દીપડાની હલચલના વીડિયો સામે આવ્યા છે. ખાંભા શહેરના જીનવાડી પરા વિસ્તારમાં દીપડાએ વાછરડીનો શિકાર કરી તેને ઢસડીને દૂર લઈ જતો CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બીજી ઘટનામાં, ખાંભા તાલુકાના નાના બારમણ ગામમાં સિંહ-સિંહણની જોડી ગામની બજારમાં શિકારની શોધમાં જોવા મળી, જેણે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જ્યો છે. આ ઘટના પણ CCTVમાં કેદ થઈ છે. ચિંતાજનક બાબત એ છે કે જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામમાં ત્રણ દિવસ પહેલા એક દીપડાએ બાળકી પર હુમલો કરી તેનું મોત નિપજાવ્યું હતું. વન વિભાગ દીપડાને પકડવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. જિલ્લામાં સિંહ અને દીપડાની વધતી સંખ્યા અને તેમની માનવ વસાહતોમાં અવરજવર ચિંતાનો વિષય બની છે. વારંવાર પશુઓ પર હુમલા અને શિકારના બનાવો સામે આવી રહ્યા છે. સ્થાનિક લોકો વન વિભાગ પાસે યોગ્ય પગલાં લેવાની માંગ કરી રહ્યા છે, જેથી માનવ-વન્યજીવ સંઘર્ષને ટાળી શકાય.