બેટ દ્વારકા વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. શનિવારથી શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશન પાર્ટ-2 અંતર્ગત પ્રાંત અધિકારી અને પોલીસ અધીક્ષકની સંયુક્ત દેખરેખ હેઠળ આજે બેટ દ્વારકા ખાતે દાંડીવાલા હનુમાન રોડ પરના પાર વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહેણાક વિસ્તારોમાં રહેલાં ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે ચોથા દિવસે ઓખામાં દામજી જેટી વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. એ બાદ આજે પાંચમા દિવસે પણ કામગીરી યથાવત્ છે. 40 વર્ષ જૂનાં દબાણો દૂર કરી અત્યારસુધીમાં 40.50 કરોડની જમીન ખુલ્લી કરાઇ છે. આ વિસ્તારમાં છેલ્લાં 40 વર્ષથી સરકારી જમીન પર અનધિકૃત દબાણો કરવામાં આવ્યાં હતાં. તંત્રએ ગઈકાલે જેટી પાસેના વિસ્તારમાંથી 5,650 સ્ક્વેર મીટર જેટલાં દબાણો દૂર કર્યાં છે, જેની અંદાજિત કિંમત રૂ. 6.50 કરોડ આંકવામાં આવી છે. વહીવટી તંત્રએ કાર્યવાહી પહેલાં તમામ દબાણકર્તાઓને નિયમાનુસાર નોટિસ પાઠવી હતી. ભૂમાફિયાઓ સામે મોટી કાર્યવાહી
ઓપરેશન ડિમોલિશનના પાંચમા દિવસે પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. બેટ દ્વારકા ખાતે દાંડીવાલા હનુમાન રોડ પરના પાર વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહેણાક વિસ્તારોમાં રહેલાં ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગેરકાયદે દબાણો અને ભૂમાફિયાઓ સામે વહીવટી તંત્ર કોઈપણ પ્રકારની છૂટ આપશે નહીં. ગઈકાલે 5,650 ચો. મીટર જગ્યા ખુલ્લી કરાઈ
દ્વારકા વિસ્તારમાં ગેરકાયદે દબાણકર્તા ભૂમાફિયાઓ સામે તંત્રએ કમર કસી છે. ગઈકાલે જેટી વિસ્તારમાં સરકારી જમીન પર આશરે 40 વર્ષથી રહેલાં અનધિકૃત દબાણને હટાવવામાં આવ્યાં હતાં. આ જેટી પાસેના વિસ્તારમાં 5,650 સ્ક્વેર મીટર દબાણને હટાવવામાં આવ્યાં હતાં, જેની કિંમત આશરે 6.50 કરોડ જેટલી ગણવામાં આવી રહી છે. કાર્યવાહી પૂર્વે તંત્ર દ્વારા જે-તે આસામીઓને ધોરણસર નોટિસો અપાયા બાદ દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી હતી. મકરસંક્રાંતિ નિમિત્તે બેટ દ્વારકામાં ભક્તો, યાત્રાળુઓ માટે દર્શન અર્થે ખુલ્લું રાખવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લીધો હતો. સોમવારે આશરે 1,500 સ્ક્વેર જમીન ખુલ્લી કરાઈ
બેટના બાલાપર વિસ્તારમાં શનિવારથી પ્રાંત અધિકારી અમોલ આવટે તેમજ જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ અંગેની વિગતો આપતાં પ્રાંત અધિકારી અમોલ આવટેએ જણાવ્યું હતું કે ઓખા વિસ્તારમાં સરકારી જમીન પર વર્ષોથી રહેલા એક ધાર્મિક સ્થળ સંદર્ભે તંત્ર દ્વારા જુલાઈ 2023માં પ્રથમ નોટિસ બાદ જુલાઈ 2024માં રિમાઇન્ડર નોટિસ અને શનિવાર તારીખ 11 જાન્યુઆરીના રોજ ફાઈનલ નોટિસ આપવામાં આવી હતી, જેનો કોઈ પ્રત્યુત્તર ન મળતાં આ અંગેના દસ્તાવેજોની ચકાસણી કરાયા બાદ ધાર્મિક સ્થળ સરકારી જગ્યા પર હોવાનું ખૂલવા પામ્યું હતું, જેથી આ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી, જેની બજાર કિંમત રૂપિયા સવાત્રણ કરોડ ગણવામાં આવી રહી છે. ડિમોલિશનમાં ધાર્મિક દબાણની બે સરકારી જમીન પર સરકારી બુલડોઝર ફર્યું હતું, જેમાં અંદાજિત રૂપિયા સવાત્રણ કરોડની જગ્યાને ખુલ્લી કરવામાં આવી હતી. આ પૂર્વે નિયમ મુજબ ત્રણ નોટિસ તેમજ લાગતાવળગતાઓ સાથે વાતચીત અને ડોક્યુમેન્ટેશન સંલગ્ન ચર્ચાવિચારણામાં જગ્યાની માલિકી સાબિત ન થઈ શકતાં આ ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું. ત્રીજા દિવસે કુલ 83 સ્ટ્રક્ચર ધરાશાયી
દબાણ હટાવ ઝુંબેશના ત્રીજા દિવસના અંતે એક દિવસના કુલ 83 સ્ટ્રક્ચર સહિત ત્રણ દિવસમાં બે ધાર્મિક સહિત કુલ 260 જેટલી ગૌચર સહિતની સરકારી જગ્યા પરનાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. 60,800 ચોરસ મીટર જગ્યા સરકારી જગ્યા ખુલ્લી થઈ હતી, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 35 કરોડ આંકવામાં આવી છે. દબાણ હટાવ અંગેની આ સંપૂર્ણ કાર્યવાહીમાં દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટેના સીધા માર્ગદર્શનમાં એસ.પી. નિતેશ પાંડેયના ચુસ્ત બંદોબસ્ત હેઠળ દબાણ ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. આજે પણ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ઘટી ન હતી. બેટ દ્વારકામાં સતત પાંચમા દિવસે મેગા ડિમોલિશન
આ સાથે તંત્રએ બેટ દ્વારકા રહેણાક વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદે રીતે બાંધવામાં આવેલાં કાચાં-પાકાં મકાનો પર બુલડોઝર ફેરવી તોડી પાડ્યાં હતાં. બેટ દ્વારકામાં સતત પાંચ દિવસથી મેગા ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. ત્યારે દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન પોલીસકાફલો પણ તંત્રની સાથે છે. ડેપ્યુટી કલેક્ટર તેમજ જિલ્લા પોલીસવડાની હાજરીમાં એક SP, ત્રણ DySPના માર્ગદર્શનમાં 1000 જેટલા પોલીસ અને SRPના જવાનો ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. દબાણકર્તા તત્ત્વોમાં ભય સાથે દોડધામ
ડિમોલિશનના સ્થળને પોલીસે કોર્ડન કર્યું અને અહીં ચકલું પણ ન ફરકે એવી સજ્જડ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. બેટ દ્વારકા વિસ્તારમાં શનિવારથી શરૂ થયેલા ડિમોલિશનના વધુ એક રાઉન્ડે દબાણકર્તા તત્ત્વોમાં ભય સાથે દોડધામ પ્રસરાવી દીધી હતી. બેટ દ્વારકા વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત: એસ.પી. પાંડેય
આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસતંત્ર દ્વારા સંપૂર્ણપણે સાવચેતી તેમજ સીસીટીવી, ડ્રોન કેમેરાની મદદથી બાજનજર રાખવામાં આવી રહી છે. આ દબાણ હટાવ ઝુંબેશમાં પોલીસતંત્ર સાથે રેવન્યુ તંત્ર, પી.જી.વી.સી.એલ. તેમજ સ્થાનિક નગરપાલિકાનો સ્ટાફ પણ જોડાયો છે. દબાણ હટાવ ઝુંબેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે એસઆરપી એમ. ટી.એફ.ના જવાનોને સ્ટેન્ડ ટુ રાખ્યામાં આવ્યા છે. દરિયાઈ વિસ્તારમાં કોઈ ઇસ્યુ ન થાય એ માટે દરિયાઈ પેટ્રોલિંગ તેમજ ડ્રોન પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે, એમ પોલીસવડા દ્વારા વધુમાં જણાવાયું છે. સાડાત્રણ લાખ ફૂટ જગ્યા પરનું દબાણ હટાવાયું
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબર 2022 માસમાં બેટ દ્વારકા વિસ્તારમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં કોમર્શિયલ તેમજ અન્ય મળી કુલ 262 દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં, જેમાં રૂ. 7.59 કરોડની કિંમતની આશરે સાડાત્રણ લાખ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.